ગાંધીની આંધી
ગાંધીની આંધી
મોહનદાસ કરમચંદ ગાંધી - સત્યનો જાયો, પોરબંદરનાં વાણિયામાંથી સાબરમતીનો સંત, મોહનમાંથી મહાત્મા બની માનવમાંથી મહામાનવ બનવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પણ માનવી માનવ તો ન બની શક્યો પરંતુ દાનવ બની ગયો.
ગાંધીજીના નૈતિક મૂલ્યોનું પાલન કરવાને બદલે, એમણે કંડારેલી કેડી પર ચાલવાને બદલે આપણે આપણી નોખી જ જીવનરાહ બનાવી લીધી છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના જોરે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યો પણ આપણે અસત્ય અને હિંસાનાં ગુલામ થઈ ગયા. આજે દરેક ક્ષેત્રમાં અસત્ય જ જોવા, સાંભળવા મળે છે. ઠેર ઠેર આતંકવાદ અને હિંસાચાર જોઈ બાપુની આત્માને ઠેસ પહોંચતી હશે. બાપુએ સ્વદેશી, ચરખો અને ખાદીનું મહત્વ સમજાવ્યું હતું. આત્મનિર્ભર ભારતનું એમનું સ્વપ્ન હતું. પરંતુ આપણે વિદેશી બનાવટનાં રવાડે ચડી ગયા. મોલમાંથી ખરીદી કરવી એ સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઓનલાઈન ખરીદી કરી દેશના નાના વેપારીઓને નુકશાન પહોંચાડી રહ્યાં છીએ.
ગાંધીજીએ 'સાદું જીવન ઉચ્ચ વિચાર' જીવનશૈલી અપનાવી હતી પણ આપણે "સાદા વિચાર ઉચ્ચ જીવનશૈલી" અપનાવી. બાપુએ 'નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે' જણાવ્યું. આપણે તો મોબાઈલ, લેપટોપનાં રવાડે ચડી લેખન અને વાંચન છોડી દીધા છે. બાપુએ સાત્વિક ખોરાક અને આરોગ્યનું મહત્વ સમજાવ્યું. આપણે આરોગ્યની ઐસી તેસી કરી જંક ફૂડ ખાઈએ છીએ. જેણે સત્યની રાહ પર ચાલતા શીખવ્યું અને માનવતાનો મંત્ર આપ્યો, જેમની છબી ભારતની ચલણી નોટો ઉપર અંકિત થયેલી છે, એ નોટો ભ્રષ્ટાચારમાં વપરાય છે. ખુરશી સુધી પહોંચવાનું માધ્યમ બની ગઈ છે. આ જોઈને ગાંધીજીની આંતરડી કકળતી હશે.
ભારતના પનોતા પુત્ર, હિંદના ઘડવૈયા, સત્ય અને અહિંસાનાં પૂજારી, આપણા રાષ્ટ્રપિતા, લોકલાડીલા, સહુનાં પ્યારા ગાંધી બાપુને એમની જન્મજયંતિએ મારા શત શત નમન. આજના દિવસે ઈશ્વરને મારી એક જ પ્રાર્થના,"ગાંધીની આંધી ફરી લાવજે, સત્યના મારગે સૌને ચલાવજે."
