સત્કર્મોની દીપમાળા
સત્કર્મોની દીપમાળા
ધીરજ અને નીરજ બાળપણનાં ભેરુ. જિગરજાન મિત્રો. બન્નેનાં સ્વભાવમાં જમીન આસમાનનો ફરક. ધીરજ સાદું જીવન ઉચ્ચ વિચારમાં માનનારો. નીરજ એનાથી બિલકુલ વિપરીત, સાદા વિચાર ઉચ્ચ જીવનશૈલીમાં માનનારો. ધીરજ પોતાના કરકસરિયા સ્વભાવ માટે જાણીતો હતો. નીરજ હંમેશા ધીરજના કરકસરિયા સ્વભાવની ઠેકડી ઉડાવતો.
દિવાળીના દિવસો નજીક હતાં.
નીરજ ધીરજને, "એય કંજૂસિયા, દિવાળીમાં તો થોડા પૈસા ખરચ, ને જલસા કર. ચાલ મારી સાથે ખરીદી કરવા."
ધીરજ નીરજને,"ના, ના, મને અમુક કામ પતાવવાનાં છે."
"પણ એવુ તો શું કામ છે તને ?" નીરજે ખૂબ આગ્રહ કર્યો પણ ધીરજે કશું સ્પષ્ટ ન કહ્યું.
નીરજનાં મનમાં વિચારોનું વંટોળ ઉદ્ભ્વયું. શંકાનો કીડો સળવળ્યો, "ધીરજ, ચાલ, હું પણ આવું તારી સાથે. તારા કામ પતાવી આવીએ. ધીરજ ના ન કહી શક્યો.
બંને મિત્રો નીકળ્યાં. ધીરજે બજારમાંથી મીઠાઇ, ફટાકડા, દીવા, રંગોળી અને નવાં કપડાંની જથ્થાબંધ ખરીદી કરી. નીરજને બહુ નવાઈ લાગી,"એલા, કંજૂસિયા, આ આટલી બધી ખરીદી કેમ કરી છે ?"
ધીરજ નીરજને," તું ચાલ મારી સાથે."
એક પછી એક અનાથાશ્રમ, ગરીબોની વસ્તી, ઝૂંપડપટ્ટીમાં વગેરે જગ્યાએ ધીરજે પ્રેમથી સૌને બધી વસ્તુઓની લ્હાણી કરી, અનેક ઘરનું તિમિર હરી લીધું, અને એમની જિંદગીમાં ખુશીઓના ઝગમગ દીવડાં પ્રગટાવ્યાં.
ધીરજને એક પછી એક સત્કર્મોની દીપમાળા પ્રગટાવતાં જોઈ નીરજને અંતર્જ્ઞાન થયું. નીરજનાં અંતરમાં એક અનોખો જ્ઞાનદીપ પ્રગટી ઉઠ્યો, અને તેના અંતરમાં અજવાળું ફેલાઇ ગયું. નીરજે ધીરજને કહ્યું, "તું કંજૂસ નથી, તું મહાન છો, દોસ્ત. તું ખરી દિવાળી મનાવે છે. અન્યનાં જીવનમાં અજવાળું પાથરવું એ જ ખરી દિવાળી. હવેથી હું પણ તે પસંદ કરેલ જીવનરાહ પર ચાલવાની કોશિશ કરીશ."
નીરજનાં અંતરમાં અનોખું ઓજસ પ્રસરી ગયું. ખુશીઓના પ્રકાશ પૂંજથી તેનું અંતર દીપી ઉઠ્યું. ધીરજ મંદ મંદ સ્મિત રેલાવી રહ્યો.
