પ્રથમ વિષય
પ્રથમ વિષય
કવયિત્રી માનસીબેન પટેલ પોતાની કામવાળીને, "કમળા, મારી વાત ધ્યાનથી સાંભળી લે. હવેથી દર રવિવારે તારી સાથે તારી દીકરી કજરીને પણ તારી સાથે લાવજે. હું 'રવિવાર એટલે લેખનવાર' સ્પર્ધામાં ભાગ લેવાની છું એટલે હવે દર રવિવારે વ્યસ્ત હોઈશ. રવિવારે આખો દિવસ બસ લખ્યા જ કરીશ. બધાથી વધારે રચનાઓ હું લખીશ તેથી મને રસોઈ બનાવવાનો પણ સમય નહીં મળે. રસોડું તું સંભાળી લેજે અને ઝાડુ, લાદી, કપડાં સૂકવવા, કપડાની ગડી કરવી, ફર્નિચરની સફાઈ, કુંડાંમાં પાણી, બાથરુમ ઘસવું વગેરે તારા રોજના કામ કજરીને કરવા કહી દેજે. જેથી તને આધાર રહે."
કમળા માનસીબેનને,"મેડમ, પણ કજરી હજી ઘણી નાની છે." કમળાની વાત વચ્ચેથી જ કાપીને માનસીબેને કહ્યું,"પણ નહીં ને બણ નહીં. હવે જલ્દી કામે લાગ. મને લખવા મોડું થાય છે." માનસીબેન 'રવિવાર એટલે લેખનવાર' સ્પર્ધા અંતર્ગત આજનો પ્રથમ વિષય 'બાળમજૂરી' વિશે કવિતા લખવા પોતાના ખંડમાં જતાં રહ્યાં.
