સંબંધી
સંબંધી




આજે સવારથી જ એ અત્યંત ઉદાસ હતો. આખી રાત ઊંઘ પણ આવી ન હતી. મન અતિ વ્યાકુળ અને હ્ય્યુ ભારેખમ હતું. આજની સવાર નિયમિત સવાર કરતા કેટલી ભિન્ન હતી ! આજે આયુષ એની જોડે ન હતો. આયુષ વિનાનું ઘર લોકોની ભીડ વચ્ચે પણ સુમસાન ભાસી રહ્યું હતું.
દરરોજ સવારે આયુષ જોડેજ એની આંખો ખુલતી. આયુષ જાતે નાસ્તો કરતો અને એને પણ સાથેજ નાસ્તો કરાવતો. નાસ્તા પછી આયુષ જોગિંગ માટે નીકળતો અને સાથે સાથે એને પણ શુદ્ધ હવાનું સેવન કરાવતો. આયુષ જોડે અસંખ્ય સૂર્યોદય જોવાનો લ્હાવો એને મળ્યો હતો. અને એટલાજ સૂર્યાસ્ત પણ સમુદ્રના પાણીમાં ઉતરતા એકીસાથે બન્નેએ નિહાળ્યા હતા.જેમ એ આયુષ વિના ન રહી શકતો એમ આયુષને પણ એના વિના ચેન ન પડતું. બન્ને એકબીજાના શ્રેષ્ઠ મિત્રો હતા કે પછી પડછાયા એ નક્કી કરવું મુશ્કેલ હતું.
આયુષ એની દેખરેખ એક પિતા માફક કરતો. એનું જમવાનું , રહેવાનું , સ્વાસ્થ્ય .દરેક પાસાઓનો જીણવટ પૂર્વક ખ્યાલ રાખતો. પોતાના અતિ વ્યસ્ત જીવન વચ્ચે પણ દર મહિને તબીબ પાસે એનું સંપૂર્ણ ચેકપ કરાવવા લઇ જતો. આયુષના જીવનનો હિસ્સો બનવાની તક એ એના સદભાગ્યજ તો વળી. જો આયુષે એની ઉપર ઉપકાર કર્યો ન હોત , એને પોતાના ઘરમાં અને હૃદયમાં આશરો ન આપ્યો હોત તો આજે એ કોઈ ફૂટપાથ ઉપર ભટકતું જીવન પસાર કરી રહ્યો હોત.
આયુષે એને જે પ્રેમ અને આદર સન્માન આપ્યા હતા, સામેથી એણે પણ બમણી વફાદારી નિભાવી હતી. આયુષના જીવનની એકલતાની ખાલી જગ્યા એણે પોતાના પ્રેમ અને હૂંફથી છલોછલ ભરી દીધી હતી. એના જીવનમાં આવ્યા પછી આયુષનું જીવન પણ કેટલી હદે બદલાયું હતું ! સ્વાર્થી અને કપટી જગતમાં આયુષને એક ભરોસા પાત્ર સાથી આખરે એવો મળ્યો હતો, જેની મિત્રતા અને સહવાસ એની અધધ: મિલ્કત ઉપર અવલંબિત ન હતા. આખા વિશ્વમાં કોઈ તો એવું હતું જે આયુષના ધનને નહીં એના મનને પ્રેમ કરતું હતું.તેથીજ કદાચ આયુષ માટે એજ એનું કુટુંબ , એજ એનો મિત્ર અને એજ એનું સર્વસ્વ હતો.
પણ આજે આયુષ વિનાના આ ઘરમાં એ એકલો અટૂલો પડી ગૂંગળાઈ રહ્યો હતો. પેટમાં જમવાનો એક કોળિયો પણ ઉતાર્યો ન હતો. આજે એને જમણ પીરસનાર હાથ હાજર ન હતા. માથા ઉપર સ્નેહથી હાથ ફેરવનાર કોઈ ન હતું. શહેરના રસ્તાઓ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જોગિંગ પર સાથે લઇ જવા આજે આયુષ આવવાનો ન હતો. હવે પછી કોઈ સૂર્યોદય કે સૂર્યાસ્ત આયુષના સાનિંધ્યમાં ઊઘવા કે આથમવાના ન હતા. એના સ્વાસ્થ્ય અંગે ચિંતા ધરનાર કે તબીબ પાસે નિયમિત ચેકપ માટે લઇ જનાર સધિયારો છીનવાયો હતો. એક મિત્ર અન્ય મિત્રથી વિખૂટો પડ્યો હતો. એક શરીર પડછાયાથી જુદું થયું હતું. જાણે એક દીકરાના માથેથી પિતાની છત્રોછાયા ઉઠી ગઈ હતી. એ આજે ફરી અનાથ બન્યો હતો. એનો એકમાત્ર સંબંધી જીવનમાંથી જતો રહ્યો હતો.
પીડા અસહ્ય હતી. અશ્રુનો ધોધ ક્યારનો અવિરત વહી રહ્યો હતો. જેનાથી આસપાસનું જગત તદ્દન અજાણ હતું. એના મનને આશ્વાસન આપનાર એ ભીડમાં કોઈ હાજર ન હતું. કારણકે એનું અસ્તિત્વ બધા માટે શૂન્ય મહત્વ ધરાવતું હતું.
ધીરે રહી એ ડાઇનિંગ હોલમાં પ્રવેશ્યો. જે ડાઇનિંગ ટેબલ ઉપર દરરોજ ફક્ત એની અને આયુષની હાજરી રહેતી , એ ડાઇનિંગ ટેબલની દરેક ખુરશી આજે ભરેલી હતી. આયુષના સંબંધીઓ સફેદ વસ્ત્રોમાં સજ્જ ડાઇનિંગ ટેબલ ઉપર જમણનો આસ્વાદ માણતા માણતા એની મિલ્કત અને વારસા અંગેના નિર્ણયો લઇ રહ્યા હતા. આટલા સંબંધીઓ હોવા છતાં પોતાના જીવન સંઘર્ષમાં એકલી જાતે ઝઝૂમનાર આયુષની તસ્વીર ડાઇનિંગ ટેબલના સામેની દીવાલ ઉપર સુશોભિત હતી. એ નિર્જિવ તસ્વીર પણ એની જેમજ રંગ બદલતા સંબંધોની હકીકત નિહાળવા વિવશ હતી. તસ્વીર ઉપર ચઢેલી હારમાળા આયુષના અક્સ્માતની જેમજ એક દિવસ જૂની હતી.
ડાઇનિંગ હોલના દ્રશ્યથી નિરાશ અને હૃદય ભગ્ન એના ડગલાં ઘરની બહાર તરફના પ્રાંગણમાં આવી અટક્યા. ભરાયેલું હય્યુ ઉભરાઈ પડ્યું અને આખરે મોઢામાંથી વેદનાએ સ્વરનો માર્ગ કાઢી લીધો. ડાઇનિંગ ટેબલ ઉપર ઉપસ્થિત સંબંધીઓ એ સ્વરથી વિચલિત થયા. બધાનું ધ્યાનનું અને વાતનું કેન્દ્ર ક્ષણ ભર માટે સ્થળાંતરિત થયું.
"આનું શું કરવાનું છે ? "
"કરવાનું શું ? એના ભરણપોષણનો નકામો ખર્ચ કોણ ઉપાડશે ?"
"રસ્તા ઉપરથી આવ્યો હતો. રસ્તા ઉપર જતો રહેશે."
" અરે નહીં.આયુષે આટલો ખર્ચ કર્યો છે એની ઉપર.સમાચાર પત્રમાં અને વ્હોટ્સેપ ઉપર ફોટો મૂકી દઈએ. સારી એવી કિંમત મળશે. "
ડાઇનિંગ ટેબલ ઉપર ફરી રહેલી દરેક આંખોમાં લાલચની ચમક સ્પષ્ટ સહમતી દર્શાવી રહી. એ વાતથી અજાણ પ્રાંગણમાં ઉભો આયુષનો કૂતરો હજી પણ પીડા જોડે જોર જોરથી ભસી રહ્યો હતો.