STORYMIRROR

Vandana Patel

Fantasy Inspirational Others

3  

Vandana Patel

Fantasy Inspirational Others

સમયને લખું હું પત્ર

સમયને લખું હું પત્ર

3 mins
221

મારો વ્હાલો સમય,

કેમ છો ? મજામાં ને ? તને શું વાંધો હોય ? હું પણ તને હરસમય હરઘડી હરપળ યાદ કરતી ખુશી મજામાં છું. સમય ને હર સમય યાદ કરું છું એ વાંચીને હસવું નહીં હો. એમ 

તો પ્રહર, કલાક, મિનિટ, ઘડી, પળ - તારા જ અંગ છે. ભૂતકાળ તારામાં જ સમાયેલ છે. વર્તમાન પણ તું જ છે અને ભવિષ્યની આંગળી ઝાલીને પણ તું જ આવે છે. દરેકના જીવનની તને ખબર હોય, તું સૌનું ભવિષ્ય જાણે છે. કેમ, કોની ક્યાં પથારી ફેરવવી કે કેમ કોઈને તળિયાથી લઈ ટોચ પર બેસાડવા એ બધું તને આવડે. એમાં હરખાવવાની જરુર નથી હો. એમાં ઘણાંના શ્રાપ પણ તે લીધા છે બરાબર ને ?

તને ઓળખવો બહુ મુશ્કેલ છે. તારા વિતવાની સાથે ઉતમ તક પણ આવતી જતી રહે. ભાગ્યમાં હોય તો ઝડપાય એમ કહીને દોષ પણ તને જ આપીએ. સમય પાણીના રેલાની જેમ જતો રહે છે - એમ તારા માટે બોલીએ છીએ. અને સાચે જ જેવી રીતે ઢોળાયેલ પાણીમાંથી બધું પાણી ફરીથી પાત્રમાં ન લઈ શકીએ, છેલ્લે પોતું તો મારવું જ પડે. તેવી રીતે તારી સાથે ન ચાલીએ તો જિંદગી પૂર્ણતાના આરે હોય ત્યારે અફસોસરુપી પોતું જ ફેરવીએ છીએ. બરાબર ને ?

તું સારો કે ખરાબ બધાની સાથે રહે જ છે. તારો સાથ હોવાથી જ કોઈને સગાં સંબંધીઓથી, કોઈને ભાઈ-બહેનથી કોઈને મિત્રોથી એમ બધાને કયાંકથી ને કયાંકથી સાથ- સહકાર અને પ્રેમ મળી જ રહે છે. સાવ એકલવાયું જીવન તું કોઈને નથી આપતો. તારી કૃપાથી જ સફળતા, નિષ્ફળતા, આશા,નિરાશા, ઉત્સાહ, હતાશા, વગેરે મેળવે છે. તારી ઈચ્છાથી અમે પ્રગતિના પંથે પ્રયાણ કરી શકીએ છીએ. તારી કૃપાથી વૈરાગ્યને વધાવી શકીએ છીએ. બસ, જરુર છે તને ઓળખવાની..... બરાબર ને ?

 અમારામાંથી ઘણાં ફરિયાદનો ટોપલો લઈને બેઠા હોય કે સમય જ સારો નથી તો શું કરી શકીએ ? ઈશ્વરે શા માટે આવો સમય દેખાડ્યો ? પરિશ્રમથી સમયને બદલી શકાય છે, જીતી શકાય છે. જરુર છે આત્મવિશ્વાસ કેળવવાની....બરાબર ને ?

કર્મનો સરવાળો જે સાથે લાવ્યા છીએ એ મુજબ જ તું અમને ફળ આપવાનો ને ! એ તારી મર્યાદા છે. તું ભાગ્યથી વધારે અને તારી પહેલા કોઈને આપતો નથી. એટલે જ તારી સાથે ચાલવામાં ભલાઈ છે, એ હું સમજી ગઈ છું. અફસોસ કરતા બેસી રહીશું તો તું આગળ નીકળી જઈશ. પછી તને દોડીને પકડવો ખુબ મુશ્કેલ છે. જો તારી વાટ જોતા રહીશું તો પણ હાથ ઘસાતા જ રહી જશું. કેમ કે તને આકાર નથી કે ઓળખી શકાય. તારી સાથે જ રહેવામાં ભલાઈ છે. અમે તારો હાથ પકડ્યો છે, તારી સાથે છીએ, એ અનુભવથી સમજાઈ જશે. યોગ્ય સમયે લીધેલો નિર્ણય તને ગમશે એટલે તું યશ, કીર્તિ વગેરે અપાવી શકીશ પણ અમારા કર્મ અને ઋણાનુબંધના આધારે બરાબર ને ?

બીજુ તો શું કહું તને વધારે ? અમારી અપેક્ષાનો અંત નથી. તું બધાની બધી અપેક્ષા પૂરી કરવા માટે સક્ષમ છે. તો શું અમારી વધારે પડતી ઈચ્છાઓની તૃપ્તિ અહંકાર ન લાવી શકે ? અમારી માનવ સ્વભાવની મર્યાદા તું જાણે છે, જેને જરુર હોય એને તું પહેલા સાથ આપજે. તું તો સમગ્ર વિશ્વની આંગળી એકસાથે પકડીને ચાલે છે. તું કોઈનો હાથ છોડવા માગતો નથી. પણ અમે તને યોગ્ય સમજતા નથી, જ્યારે સમજીએ ત્યારે ઢસડાઈને ચાલીએ, પછી તાલ-મેળ ન બેસે તો ફસડાઈ પડીએ. બરાબર ને ? 

તારો સાથ મનગમતાનો સંગાથ મેળવી આપે ત્યારે પોતાનાથી વધારે સુખી કોઈ નથી એવી લાગણી થયા વગર ન રહે. તું જે લોકો પર તારી અમીદ્રષ્ટિ કરે તેઓ સુખ, સમૃદ્ધિ, શાંતિનો અનુભવ કરે છે. ત્યારે તને ગૌરવની લાગણી થતી હશે બરાબર ને ?

તું બધાને એકસરખું જ આપે છે. તારો ઉપયોગ કેવી રીતે થાય છે એ તું જુએ છે. તારો સદુપયોગ કરનાર તારી કિંમત જાણે છે. તારી પળેપળને સમયપત્રકમાં કંડારીને તેને અનુસરે છે. તારો દુરુપયોગ કરનાર ક્યાંથી તને ગમે ? છતાં તું એને મોકો કહો 

કે તક આપે જ છે. બસ, જરુર છે તને ઓળખીને તારી સાથે ચાલવાની....બરાબર,ને ?

આજે તો બરાબર ને બરાબર ને એમ વાંચીને તારુ માથું પાકયું હશે. બરાબર ને ? પણ શું કરું તને પૂછવું તો પડે બરાબર ને ? સારું ચાલ, તને સમય મળે એટલે કે તું ક્યારેક તારાથી ફુરસદ મેળવે તો વળતો પત્ર પાઠવજે. સમયનો સાથ એટલે અમારો વિકાસ બરાબર ને ? હા, હું સમજી ગઈ કે સમયનો સાથ એટલે તારો જ સાથ. બસ, તું ખુશ તો હું ખુશ. સદા મારી સાથે રહેજે. તારો સાથ મેળવીને જ હુ સફળ થઈશ બરાબર ને ?

લી. તારા સાથની અભિલાષા રાખતા  

સર્વ મનુષ્યનું પ્રતિનિધિત્વ કરતી, 

તારી જ એક ચાહક.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy