Ankita Mehta

Romance

4.0  

Ankita Mehta

Romance

સમયાંતર

સમયાંતર

4 mins
180


'આર્શી... કેટલી વાર લાગશે?'

'બે મિનિટ અની... બસ આવી જ...'

આર્શી હાથમાં બે - ત્રણ ફાઈલ લઈ આવતી હતી અને એની પાછળ મંજુબેન હાથમાં ટિફિન લઈ ને ભાગતા આવતાં હતાં.

'આર્શી, બેટા ટિફિન તો લઈ જાવ.' ઘર સંભાળતા અને સાથે રસોઈ પણ બનાવતા મંજુબેન ઘર ના સભ્ય જેવા થઈ ગયા હતાં.

'હા,માસી થેન્ક યુ' કહેતી એ બહાર અનીરુધ્ધ સાથે ગાડીમાં બેઠી.

અનીરુધ્ધ અને આર્શી બંને ડોક્ટર હતાં. સર્જન હતાં. અને મુંબઈની સીટી હોસ્પિટલમાં સાથે જ કામ કરતા. આમ તો સાથે જ આવતાં જતાં. પણ ક્યારેક કોઈ ઈમરજન્સી હોય તો પોત પોતાની રીતે વહેલા મોડા આવતાં. લગ્ન ને પાંચ વર્ષ થઈ ગયા હતાં. અરેન્જ મેરેજ કરી અમદાવાદ થી મુંબઈ આવી ત્યારે આર્શી ને આ દોડા દોડીવાળી જિંદગી સમજમાં ન આવતી. પણ રહેતા રહેતા એ પણ મુંબઈની દોડતી જિંદગીમાં દોડવા લાગી.

લગ્ન પછી બે વર્ષ સર્જન બનવા માટે ભણી. અનીરુધ્ધ તરફથી એને પુરો સહકાર મળ્યો હતો. આમ પણ આર્શી જે માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈને આવી હતી એ અનીરુધ્ધ ખૂબ સારી રીતે સમજી શક્તો હતો. એણે આર્શી ને ખૂબ પ્રોત્સાહન આપ્યુ હતું.

આર્શી... ૫"૬' હાઈટ, એકદમ પરફેક્ટ કહી શકાય એવુ ફીગર, કથ્થઈ આંખો, ખભા સુધીના વાળ, ગોળ ચહેરો, ઉજળો વાન, અને નીચલા હોઠ ની નીચે ડાબી બાજુ નાનો એવો તલ. જે એને વધુ આકર્ષક બનાવતુ હતું. આંખોમાં તેજ અને આત્મવિશ્વાસ છલકતો. એની ચાલમાં એક જોમ હતું. નિર્દોષ અને માસુમ ચહેરો.. બોલે ત્યારે તો જાણે ફૂલ ઝરતા.. એને સાંભળી ને જ દર્દીઓનું અડધુ દર્દી મટી જતુ.

અનીરુધ્ધ.. ભીના વાને અને સામાન્ય દેખાવ. ૬' ફૂટ હાઈટ અને કસરત ની આદત ના કારણે કસાયેલુ શરીર. એક ડોક્ટર તરીકેની ગજબ પર્સનાલિટી. પણ મગજ થી પણ એવો.. સ્ટાફ હોય કે દર્દી.. વાત કરતા પહેલા બે વખત વિચારવું પડે એવો રૂઆબ.

હોસ્પિટલ પહોંચી આર્શી એની ચેમ્બરમાં અને અનીરુધ્ધ એની.

પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ભેગી ન કરવા નો અનીરુધ્ધ નો નિયમ હતો. એક બીજાના નિર્ણયોમાં દખલગીરી ન કરવી અને વણમાગી સલાહ પણ ન આપવી એ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ના નિયમો જે ચૂસ્તપણે પળાતા. આર્શી ને ક્યારેક આવા નિયમોથી કંટાળો આવતો પણ અનીરુધ્ધ એને સમજાવતો કે પતિ પત્ની છીએ, પ્રેમ કરીએ છીએ પણ એનો મતલબ એવો નહી કે સામા પાત્ર ઉપર માલિકી ભાવ રાખો. એ પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર છે. પ્રોફેશનલ લાઈફમાં સ્ટ્રીક્ટ લાગતો અનીરુધ્ધ પર્સનલ લાઈફમાં એટલો જ પ્રેમાળ અને સમજુ હતો. આમ આર્શી અને અનીરુધ્ધ બંને સાવ અલગ જ વ્યક્તિત્વ.

પણ જ્યારે આર્શી અને અનીરુધ્ધ એકબીજા સાથે લગ્ન માટે સહમત થયા ત્યારે એકબીજાથી કેટલા અલગ છે એ જાણતા હતાં. અને એ અલગતા ને બંને એ પૂર્ણ રૂપે સ્વિકારી હતી. 

આર્શી ચેમ્બરમાં જતાં જ ટેબલ પર ફાઈલ મૂકી. અને અનાયસે જ ત્યાં પડેલી ફ્રેમ પર એનું ધ્યાન ગયું. પોતાનો અને અનીરુધ્ધનો એ દિવસનો ફોટો હતો જે દિવસે આર્શી એ લગ્ન માટે અનીરુધ્ધ ને હા પાડી હતી. અને એ યાદ ને ફોટોમાં કંડારી હતી આર્શી ની બેસ્ટ ફ્રેન્ડ સિયા એ.. જે દરેક એ ક્ષણ ની સાક્ષી હતી જે આર્શીના જીવનમાં બનતી ગઈ. એને સિયા ની યાદ આવી ગઈ. એને કહેલા એ શબ્દો, 'તારા ચહેરા પર આ સ્મિત કેટલા મહીનાઓ પછી આવ્યું આર્શી અને એ સ્મિતનું કારણ અનીરુધ્ધ છે.. અને જેને તારા સ્મિતની, તારી ખુશીની ચિંતા હોય એ ક્યારેય તને દુઃખી નહીં કરે.. તારો નિર્ણય એકદમ સાચો છે..' કહેતા સિયા આર્શી ને ભેટી પડી હતી....

આર્શી એ સિયા ને ફોન કરવા મોબાઈલ હાથમાં લીધો ત્યા જ અનીરુધ્ધનું નામ એની સ્ક્રીન પર દેખાયું.. 

'આર્શી મારે આજ સાંજની ફ્લાઈટમાં સીડની જવું પડશે. એક કોન્ફરન્સ અટેન્ડ કરવા. '

અચાનક કેમ એવા સવાલની આર્શી ને જરૂર નહતી. આવી રીતે ઘણી વાર અનીરુધ્ધ ને જવાનું થયુ હતું..

'અની કેટલા વાગે નીકળવાનુ છે?'

'છ વાગ્યા ની ફ્લાઈટ છે. એટલે બસ હું અહીં થી નીકળુ જ છું. ઘરે જઈ પેકીંગ કરીશ અને થોડા પેપર પણ ભેગા કરવાના છે. અને ગાડી અહીં મૂકી ને જાવ છું. હું કેબ કરી લઈશ.'

'અની મારી જરૂર હોય તો હું થોડીવાર તમારી સાથે ઘરે આવુ..'

'ના ના આર્શી, તુ અહીં જ રહે. હું મેનેજ કરી લઈશ. 

બાય... એન્ડ ટેઈક કેર... પછી કોલ કરુ છું.'

કહી અનીરુધ્ધે ફોન મુક્યો. અને આર્શી એના કામમાં વ્યસ્ત થઈ ગઈ. આવી ને પહેલુ કામ એ હોસ્પિટલમાં એડમિટ દર્દીઓને મળવા રાઉન્ડમાં જતી અને પછી એનુ ઓ.પી.ડી. શરૂ કરતી. આર્શી દરેક દર્દી ને મળતી એની સાથે વાત કરતી. અને આ સમય એને ખૂબ ગમતો કેમકે એ દર્દીઓ ના ચહેરા પરનું સ્મિત અને રીકવરી જોઈ એને ગજબ સંતોષ થતો. એક ડોક્ટર તરીકે અને એક માણસ તરીકે પણ. આર્શી ખૂબ લાગણીશીલ.. કોઈ પારકા ના દુઃખમાં પણ એ દુઃખી થઈ જતી. ક્યારેક કોઈ કેસ ફેઈલ થાય તો એ ખૂબ દુઃખી થતી. મનમાં ને મનમાં શોષાયા કરતી. અનીરુધ્ધ ઘણીવાર એને સમજાવતો કે આપણા પ્રોફેશનમાં આવુ બધુ થતુ જ રહેવાનું. આપણી બનતી બધી જ કોશિષ છતાં પણ ક્યારેક એવું બની જતું હોય છે. આર્શી દલીલ કરતી કે અહીં આવનાર દરેક એ વ્યક્તિ આપણને ભગવાન માને છે.... 

અને અનીરુધ્ધ કહેતો કે એ બધા ના માનવાથી આપણે ભગવાન તો નથી બની જતાં.. આયુષ્ય ની દોરી આપણા હાથમાં નથી હોતી.. અને આર્શી નુ મન થોડી વાર માટે શાંત થઈ જતું.

અનીરુધ્ધ ની ગેરહાજરીમાં એના અમુક પેશન્ટ ને પણ આર્શી એ જોવાના હોય એટલે સમયનું ભાન ન રહે. 

અનીરુધ્ધ નો કોલ આવ્યો ત્યારે એ ફ્રી થઈ ટિફિન ખોલતી હતી.

'આર્શી હું એરપોર્ટ જવા નીકળુ છું. અને હવે પહોંચી ને વાત કરીશ.'

'ટેઈક કેર અની..' આર્શી થોડી ઈમોશનલ થઈ ગઈ. અનીરુધ્ધ ને પણ એ વાત ની ખબર હતી કે આર્શી ને ઘરમાં એકલુ નથી ગમતુ.

'યુ ટુ ટેઈક કેર...'

અનીરુધ્ધ ના પ્લેને સીડની તરફ ઉડાન ભરી અને આર્શીની જિંદગીમાં પણ એક નવો વળાંક એની રાહ જોતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance