સમયાંતર -2
સમયાંતર -2
સાંજ ઢળી ગઈ હતી. પણ એ જ કોલાહલ..એ સીટી હોસ્પિટલનાં દસમા માળની બારીમાંથી બહાર જોતી હતી. લોકો જાણે ક્યાંક ને ક્યાંક પહોંચવાની ઉતાવળમાં હતાં. રોજ આટલું દોડ્યા પછી પણ બધા જ્યાં ના ત્યાં જ રહી જાય છે અને છતાં પણ દોડે છે.. ભાગે છે.. ક્યાંય ન પહોંચવા માટે. લગભગ સાડા આઠ થવા આવ્યા હતાં. આર્શી રાઉન્ડ પરથી પાછી ફરી પોતાની ચેમ્બરની બારીમાંથી એ પીળી ઝળકતી લાઈટોમાં ખોવાયેલી હતી. પેશન્ટના ચહેરા પરની ખુશી આર્શીના ચહેરા પર દેખાતી હતી. આર્શીનો આખા દિવસનો થાક ઉતરી જતો. કોઈને ડીસ્ચાર્જ કરવાનાં હતાં તો કોઈ ને હજુ રાખવા પડે એમ હતાં. સાથે ફરતી આસીસ્ટન્ટ સીસ્ટર ને એ સમજાવતી જતી હતી. બધી સલાહ અને સૂચના આપી દીધી હતી. અને એ કાચની બારીમાંથી આવતા ઘોંઘાટ થી કંટાળી ખૂરશી પર બેઠી ત્યાં યાદ આવ્યું કે આજે અનીરુધ્ધ સાથે નથી ઘરે જવા ટાઈમે. પોતાને એકલુ જવાનું છે.. બે પળ એ બેઠી અને એ ફોટા ને જોઈ રહી.. બંને ના ચહેરા પર ની ત્યારની ખુશી અને સ્મિત જોઈ અત્યારે પણ એના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. એ ઊભી થઈ અને પર્સમાં મોબાઈલ મૂકતી હતી ત્યા સિસ્ટર ડીસુઝા ઉતાવળે આર્શી ની ચેમ્બરમાં દાખલ થયા.
'મેમ, એક એક્સીડેન્ટનો ઈમરજન્સી કેસ છે.'
'હુ તો ઘરે જવા નીકળુ છું. તમે નાઈટ શીફ્ટ વાળા ડોક્ટરને વાત કરો. સીનીયર ડો. વિવેક આવી ગયા હશે.'
'મેમ, ડો. વિવેક પણ કોન્ફરન્સ અટેન્ડ કરવા સીડની ગયા છે અને ડો. મેહુલ આજે લીવ પર છે. કોઈ સીનીયર ડોકટર હાજર નથી.'
'પણ....'
'મેમ, સિરીયસ કેસ છે એટલે એકલા કોઈ જુનીયર ડોકટરનું કામ નથી.'
હજુ આર્શી કંઈ બોલે એ પહેલા બીજી એક નર્સ આવી..
'મેમ, કોઈ એન.આર.આઈ. સાહીલ પટેલનો એક્સીડેન્ટ કેસ છે. બહુ ઈન્જરી છે. પોલીસ કેસ છે. બહાર પોલીસ પણ હાજર છે. તમે આવો છો ને મેડમ?'
એ દરવાજે જ ઊભી આર્શી સાથે આવે છે એ વિચારમાં દરવાજો થોડો વધુ ખોલ્યો.
'શુંં નામ કીધું?' આર્શી નો અવાજ સહેજ ધ્રુજતો હતો.
'સાહીલ પટેલ... લંડન થી..'
આર્શીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એના હાથ-પગ ઠંડા પડી ગયા હતાં. એક સાથે હજારો વિચારોની ઘટમાળ ચાલુ થઈ ગઈ. એનુ મગજ સુન્ન થઈ ગયુ. સામાન્ય રીતે આર્શી આવી ઈમરજન્સી માટે ટેવાયેલી હતી એટલે એ એક ક્ષણ પણ બગાડતી નહી અને અત્યારે આર્શીનું આવુ વર્તન જરા અજીબ લાગતું હતુંં બંને સિસ્ટર ને. આર્શી તરફ થી કંઈ હલન ચલન કે જવાબ ન મળતા બહાર ઉભેલી નર્સે ફરી પૂછ્યું...
'મેડમ, આવો છો ને?'
આર્શી હજુ પણ વિચારોમાં ખોવાયેલી હતી. આવી ક્ષણ એણે ક્યારેય કલ્પી ન હતી.
'મેડમ...?'
બહાર ઉભેલી નર્સે જરા ઊંચા અવાજમાં કહ્યું. એ પ્રશ્ન સૂચક રીતે આર્શી ને જોતી હતી.
આર્શી ને અચાનક પોતે ક્યાં છે અને સ્ટાફ ની સામે આવા બેજવાબદાર વર્તનથી એને સહેજ શરમ આવી.
'હા..હા.. ચાલો જલ્દી... ક્યાં છે પેશન્ટ?' આર્શી બોલતા બોલતા ઉતાવળે ચાલવા લાગી. અને મગજ એનાથી પણ ઝડપી ચાલતું હતું. એનુ મગજ દલીલ કરતું હતું કે પોતે જે સમજે છે એ સાહીલ ન હોય શકે. કોઈ બીજુ હશે. દુનિયામાં એક જ સા
હીલ પટેલ થોડો હોય? પણ યુ.કે. થી આવ્યો છે.. તો શું થયુ.. ?
'લંડન નો છે.. ત્યાં તો કેવા બધા નિયમો અનુસરતા હોય પણ અહીં ઈન્ડિયા ને તો શું સમજતા હશે.?' નર્સ એનો ઉકળાટ કાઢતી હતી.
'આટલો દારૂ પી ને ગાડી ચલાવતી વખતે એને યાદ નહીં આવ્યું હોય કે દારૂ પી ને ગાડી ચલાવવી એ ગુનો છે.' સિસ્ટર ડીસુઝા એ પણ સાથ પુરાવ્યો.
'પણ એ સાઈકલવાળા ને બચાવવા જતા ઝાડ સાથે ભટકાયો અને ગાડી એટલી સ્પીડમાં હતી કે ઊંધી થઈ ગઈ. અને એના નસીબ સારા કે પેલા સાઈકલ વાળા ને બહુ લાગ્યું ન હતું. એટલે એણે જ મદદ કરી.' નર્સ બોલ્યે જાતી હતી. આર્શીનું ધ્યાન પણ એની વાતમાં હતું.
બંને અંદર અંદર વાત કરતા પોતાના અભિપ્રાય દેતી હતી. આર્શી ને હવે જલ્દી એ સાહીલ પટેલ ને જોવો હતો. દસમા માળ ની આખી લોબી ચીરી લીફ્ટમાં દાખલ થયા ત્યા સુધી ઓલી બંને નુ બોલવાનુ ચાલુ હતું. લીફ્ટમાં દાખલ થતા જ બંને ચૂપ થઈ ગઈ. પાંચમા માળે ઈમર્જન્સી વોર્ડ હતો.
લીફ્ટ પાંચમા માળે આવી અને ઓટોમેટિક દરવાજા ખુલ્યા ત્યારે ત્યાં બે કોન્સ્ટેબલ ઊભા હતાં. અને એક ઓફીસર થોડે દૂર ફોન મા વાત કરતા હતાં. ઈમર્જન્સીનો આ એક જ કેસ હતો અત્યારે એટલે કોઈ ખાસ માણસો ન હતાં. અને કદાચ આ સાહીલ ના પણ કોઈ સગા સંબંધી ત્યાં હાજર ન હતાં.
આર્શી ના મન મા એક ચિત્ર ઉપસતું જતું હતું.
મધ્યમથી ઉંચો કહી શકાય એવો એક છોકરો. ભૂરી અને પારદર્શક આંખો. કાળા વાળમાં થોડી ભૂરી ઝાંય પડતી હતી. જીમમાં જઈ બનાવેલું શરીર એનાં પહેરેલા કપડામાંથી પણ દેખાતું હતું. સપાટ પેટ, ગોળ ખભ્ભા, હાથ ના ડોલા, પહોળી છાતી. અને એનુ સ્મિત... હસે ત્યારે એક ગાલમાં પડતો ખાડો. અને એ રમતિયાળ સ્મિત કોઈ ને પણ આકર્ષિત કરવા માટે પૂરતું હતું.
શુંં આ એ સાહીલ હશે? એવુ શક્ય જ નથી.
પોતાની સાથે જ વાત કરતી એ આગળ ચાલતી હતી.
અંદર રૂમ દાખલ થઈ ત્યારે બીજા બે ઈન્ટર્નશીપવાળા ડોક્ટર એને ફર્સ્ટએઈડ આપતાં હતાં.
એક યુવાન સાવ અસહાય હાલતમાં બેભાન પડ્યો હતો. એના માથામાંથી લોહી વહેતું હતું અને એ લોહીના રેલા એના ચહેરા પર ઉતરતા હતાં. હાથ વાંકો થઈ ને એના પેટ પર હતો. એનુ સ્કાય બ્લુ શર્ટ લોહીથી ખરડાયેલુ હતું. સુકાઈ ગયેલા લોહી ના ધબ્બા એના પેન્ટ પર પણ દેખાતા હતાં. ખૂબ લોહી વહી ગયુ હતું એના શરીરમાંથી... શ્વાસ લેવામા એને તકલીફ પડતી હતી.
આર્શી એને એક નજરે જોઈ રહી. એણે ચેક અપ કર્યુ. એની નજર એ યુવાન પર જ હતી અને એ સૂચનાઓ આપતી જતી હતી. સ્ટાફ એની સૂચનાઓ ને અનુસરવા લાગ્યો.
'પહેલા આને ઓક્સિજન આપો... સિસ્ટર તમે એના ચહેરા પરથી લોહી સાફ કરો..... નર્સ તમે બ્લડ ગૃપ ચેક કરી અને નીચે બ્લડ બેંકમા બ્લડ અવેલેબલ છે ને.... સમીર તમે વોર્ડ બોય ને બોલાવી સ્ટ્રેચરમાં લઈ જઈ ને એક્સ રે અને સીટી સ્કેન કરાવો.. અને તમે ઓ.ટી. મા તૈયારી કરાવો... હું પોલીસ સાથે વાત કરી એના સગા ને જાણ કરવા કહી દઉં.... અને પંદર મિનિટમાં ઓ.ટી. મા મળીયે... હરી અપ...'
આર્શીની નજર હજી પણ એ બેભાન પડેલા વ્યક્તિ પર હતી. શુંં આ એ જ સાહીલ પટેલ છે કે કોઈ બીજો?