Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ankita Mehta

Romance Others


4  

Ankita Mehta

Romance Others


મારા જીવનસાથીને

મારા જીવનસાથીને

4 mins 65 4 mins 65

માય ડિયર બેટર હાલ્ફ શ્યામ,

   આ સંબોધન યાદ જ હશે ને તમને... સત્તર વર્ષ પહેલા તમારા નામ ને બદલે હુ તમને ફક્ત શ્યામ થી જ સંબોધતી. પણ છેલ્લા કેટલા સમયથી આ સંબોધન ભૂલાઈ જ ગયું છે જાણે...

    આપણા સંસાર ને સત્તર વર્ષ વિતી ગયા.. લગ્નદિવસના ખૂબ ખૂબ અભિનંદન..હેપ્પી એનિવર્સરી ટુ બોથ ઓફ અસ. જાણે કે હજી કાલે જ મળ્યા હતાં. એ દિવસો વાગોળવાની કઈંક ઓર જ મજા છે. વડિલોની હાજરીમાં આપણુંં એ પહેલું મિલન, સામાન્ય વાત-ચિત બાદ જ આંખોથી મૂક સંમતિ. જાણે કે એક બીજા ને જ શોધતાં હતાં. વેવિશાળ થયુ અને વડિલો દ્વારા ગોઠવાયેલો આપણો પ્રણય પાંગરવા લાગ્યો. લગ્ન પહેલા ના એ દિવસો આહાહા !! જાણે કે સ્વર્ગ જમીન પર આવી ગયું હતું. રોજ મળવાનુંં, ખૂબ વાતો કરવાની અને પછી છૂટા પડતા ત્યારે એમ થાય કે હજી તો કેટલું કહેવા સાંભળવાનુંં રહી ગયું. એક બીજા ની ઈચ્છાઓ, ગમો-અણગમો બધુ જ જાણે એક સાથે જાણી લેવું હતું. છ મહિના માં તો અઢળક યાદો નો ખજાનો ભેગો કર્યો હતો એ અત્યારે સમજાય છે. સૂકાયેલા ફૂલો, ગીફ્ટ્સના ખાલી રેપર, કાર્ડસ અને એમાં લખેલી બે પંક્તિઓ. એ યાદ આજે પણ એ ક્ષણોમાં ખેંચી જાય છે.

       આપણે સાથે એ સાત પગલા ભર્યા, સાત વચનો દીધા અને જન્મોનાં સાથમાં બંધાઈ ગયાં. અને આપણા સપનાંથી સજાવેલા સંસારનો આરંભ થયો.

      પણ સપનાનાં સંસાર ને નભવાનુંં તો હકીકતની દુનિયામાં હતું. જવાબદારી વધી, હવે આપણે ફક્ત એક બીજાના જ ન હતાં રહ્યાં એમાં પૂત્રવધૂ, ભાભી, મામી કેટલાય સંબંધો ઊમેરાયા અને સાથે આશાઓ પણ. નવુ ઘર, નવા લોકો, નવા વાતાવરણમાં તમારા સાથ વગર કંઈ શક્ય ન બનત. તમે હંમેશા મારો હાથ પકડીને સંભાળી, હિંમત આપી, વિશ્વાસ આપ્યો. જવાબદારી વચ્ચે સમય પસાર થવા લાગ્યો. આપણા પ્રેમ ના પ્રતિક સ્વરૂપે 'દેવ' નું આપણી દુનિયા મા અવતરણ થયું. હવે એ જ આપણા જીવન નું મધ્યબિંદુ બની ગયો. એના ઊછેર મા સમય રેતી ની જેમ સરવા લાગ્યો. 'આપણી' વચ્ચે પ્રેમ તો હતો જ પણ એની અભિવ્યક્તિ ન રહી. પણ કદાચ હવે સમય જ નથી મળતો અને બાળક આવ્યા બાદ આવુ થાય એમ વિચારી મન મનાવી લીધું. ત્યાં આપણી જીંદગીમાં રૂમઝૂમતી 'ઈપ્સા' નું આગમન થયું. આપણો પરિવાર હવે પૂ્ર્ણ પરિવાર થયો. બાળકો સાથે સમય વહેવા લાગ્યો. ઊંમર, જવાબદારી વધતી ચાલી અને સમય ઘટતો ચલ્યો.

       બાળકો મોટા થવા લાગ્યા.. ભણવા, રમવા, મિત્રો વચ્ચે દોડવા લાગ્યા.. પણ ધીમે ધીમે આવેલો એ સામાન્ય બદલાવ સામાન્ય ન હતો. જ્યારે પાછું વળી ને જોવુ છું ત્યારે એ ઘણું બધું ખૂટતુ લાગ્યું. હા, હવે એક બીજા ને સમજવા શબ્દો ન જરૂર નથી. ફક્ત અવાજ પરથી અથવા જોવા માત્ર થી ઈચ્છાઓ, જરૂરિયાત સમજી જાય છીએ. આ પ્રેમ જ તો છે. પણ, એ અભિવ્યક્તિ, એ અનૂભૂતિ ખૂટી ગઈ. સંબંધ હંમેશા લાગણીનો જ ભૂખ્યો હોય છે. આપણે વાવેલો સંબંધ, આપણે ઊછેરેલો સંબંધ સાવ નિરસ અને શુષ્ક થઈ ગયો અને આપણે કઈ સમજી જ ન શક્યા.?? સાત વચનો સાથે આઠમુ વચન પણ આપેલું યાદ છે તમને? 'આપણું નવું જીવન કાયમ આમ જ લીલુછમ રાખશું આપણે' 

 તો કેમ આટલી શુષ્કતા વ્યાપી ગઈ?

      એક પલંગમાં સાથે સૂવાથી પણ અમૂક અંતર નથી કપાતું. હજી પણ મારે તમારા હાથ ને ઓશીકું બનાવી સૂવુ છે, હજી પણ તમે મારા વાળમાં હાથ ફેરવો એ ગમે છે મને, હજી પણ જ્યારે સાડી પહેરુ છું ત્યારે તમારી નજર મારા પર રહે અને એ શરમના શેરડા મારે માણવા છે, દરિયા કિનારે તમારો હાથ હાથમાં લઈને ચાલવવું છે, તમારા ખભે માથું ઢાળી કલાકો બેસવું છે, એ પહેલા વરસાદ માં તમારી સાથે જ તો મારે ભિંજાવુ છે, કોઈક અમસ્તી સાંજે એમ જ તમારી સાથે ફરવું છે, તમારી સાથે ઘરડુ થઈ એ ઘડપણ ને પણ ખૂબ માણવું છે, નાની નાની વાતો પર મીઠો ઝગડો કરી પછી ખૂબ હસવુ છે.

     ક્યારેક એ ભય મારી ઊંઘ ઉડાવી દે છે કે ક્યાંક આ જીવન જીવતા પહેલાં જ હુ ખૂબ દૂર ન નીકળી પડુ કે જ્યાં થી કોઈ પાછા નથી ફરી શક્તા. તમારાથી વિખૂટા પડવાનો ભય મને હચમચાવી નાખે છે.

     તો ચાલો ને આજે જ જીવી લઈએ, જિંદગી ને પૂરેપૂરી માણી લઈએ, શબ્દોથી નહી તો મૌનથી કલાકો એક બીજામાં પસાર કરી દઈએ. ચાલો ને ફરીથી અજાણ્યા બની જઈએ અને ફરીથી પ્રેમમાં પડીએ. ફરી થી હાથ પકડીને સપ્તપદીના એ સાત વચનો સાથે સાત સાત ફેરા પણ ફરી લઈએ. ચાલો ને પતિ પત્ની બની ફરીથી નવી જિંદગી શરૂ કરીએ. બહુ મોડું થાય તે પહેલાં ફરી થી એકમેક ના થઈ જઈએ. ચાલો ને ફરી મિત્ર બની જઈએ.

 તમારી અર્ધાંગિની.....


Rate this content
Log in

More gujarati story from Ankita Mehta

Similar gujarati story from Romance