સમય
સમય


"બેટા... પ્રશાંત..., ઓ... બેટા... પ્રશાંત...."
સિત્તેરની ઉંમરે પહોંચી ચૂકેલાં નિવૃત્ત પોલિસ કમિશ્નર યશવંત કદમ બંગલાના સૌથી છેલ્લા ઓરડામાંથી પોતાના દિકરાને પોકારી રહ્યાં.
"અરે... શું છે.... બાપુજી...!?!" ભારે અકળામણ સાથે પ્રશાંત રૂમમાં પ્રવેશ્યો.
"બેટા, કેટલાંય દિવસોથી કહું છું, આ ટૂટેલી બારી રીપેર કરાવવા માટે. બારી બંધ નથી થતી." બાપુજીએ આજીજી કરી.
"અરે બાપુજી, તમે પણ...! હવે હું મારું કામ છોડી ક્યાં આ બધાં નવરાં ધંધા કરાવા બેસું...?" પ્રશાંતે બેફીકરાઈપૂર્વક કહ્યું.
"અરે બેટા, બારીમાંથી ખૂબ પવન આવે છે અને આ કકડતી ઠંડીમાં...."
"ઠંડી....!?! ક્યાં છે ઠંડી બાપુજી....?!?" બાપુજીને અધવચ્ચેથી અટકાવી પ્રશાંત ગુસ્સામાં બોલ્યો, "આ બધા તમારા નખરાં છે, મને હેરાન કરવાના. બાપુજી નફ્ફટાઈ એ એક માનસિક બિમારી છે, હજી પણ સમજી જાવ. નહીં તો તમને આ ઘરમાંથી બહાર કાઢતાં મને જરા પણ વાર નહીં લાગે."
"પણ... બેટા..."
બાપુજી આગળ કંઈ બોલે તે પહેલાં તો પ્રશાંત પીઠ ફેરવીને રૂમના દરવાજા તરફ આગળ વધી ગયો.
બારીમાંથી પવનનું એક જોરદાર ઝોંકુ આવીને બાપુજીના આખા શરીરને ધ્રૂજાવી ગયું. લાચાર બાપુજી દીકરા પ્રશાંતને જતાં જોઈ રહ્યાં.
પણ આ શું...!?! આ પ્રશાંત નથી...!!! ખાખી વર્દી, તેના ઉપર જાડું વુલન સ્વેટર અને તેની ઉપર કોટ, માથે વુલન ટોપી ને ગળામાં જાડું મફલર. કોણ છે આ...?!? અરે, આ તો હું છું....!!! પોલિસ કમિશ્નર યશવંત કદમ...!!! અને આ શબ્દો...!?! આ શબ્દો પણ મારાં જ છે...!!! કોણ હતું એ...?!? હાં, ડ્રાઈવર ચંદનલાલ...!!!
* * *
"અરે ચંદુ..., ગાડી કાઢ... મિનિસ્ટર સાહેબના ઘરે જવાનું છે..." પોલિસ કમિશ્નર યશવંત કદમે રૂઆબભેર ડ્રાઈવર ચંદનલાલને કહ્યું.
"જી... સાહેબ..." સરકીટ હાઉસમાં નાઈટ-ડ્યુટી બજાવતો ડ્રાઈવર ચંદનલાલ ફટ દઈને તાપણાં પરથી ઊભો થઈ ગયો અને ગાડી કાઢી.
પવનના ભારે સુસવાટા ને ગાઢ ઘૂમ્મસ, તેની સામે શરીર પર નામમાત્રનું જર્જરીત સ્વેટર પહેરેલ ડ્રાઈવર ચંદનલાલ ધ્રૂજતા હાથે ગાડી ચલાવી રહ્યો હતો.
"ચંદુ, ગાડી જરા તેજ ચલાવ. એવું ન થાય કે પાર્ટી પતી ગયા પછી હું ત્યાં પહોંચું...!!!" કમિશ્નર સાહેબે આદેશ આપ્યો.
"સાહેબ, ગાડી આના કરતાં તેજ ચાલી શકે તેમ નથી, ગાઢ ધૂમ્મસને કારણે આગળ કશું જ દેખાતું નથી...!!! અને આ કકડતી ઠંડીને કારણે...."
"ઠંડી...!?! ક્યાં છે ઠંડી...?!?" ડ્રાઈવરને અધવચ્ચેથી અટકાવી કમિશ્નર સાહેબ ગુસ્સામાં બોલ્યાં, "સાલા હરામખોર, આ બધા તારા નાટક છે અધિકારીઓને હેરાન કરવાના. હું જાણું છું તારી નફ્ફટાઈ. હજી પણ સમજી જા નહીં તો તારા હાથમાં ટ્રાન્સફર ઓર્ડર આપતાં મને જરા પણ વાર નહીં લાગે. ઊભી રાખ ગાડી..."
ગાડી ઊભી રાખી પોલિસ કમિશ્નર યશવંત કદમ પોતે ડ્રાઈવીંગ સીટ પર ગોઠવાઈ ગયા અને ડ્રાઈવર ચંદનલાલ ગાડીની બહાર ઊભો તેમની સામે કરગરતો રહ્યો.