આઘાત
આઘાત


“પાયલ....! પાયલ પ્લીઝ...! ફક્ત બે મહિના. નવું પોસ્ટીંગ, નવું શહેર અને નવી જવાબદારીઓ છે, બધું સેટ થતાં થોડો ટાઈમ તો લાગશે જ ને...!”
“બે મહિના, માય ફૂટ…! હું હવે તારી સાથે બે મિનિટ પણ રહી ના શકું...!” રવિવારની સવારે આકાશને ઓફિસમાં જવા તૈયાર થતો જોઈ પાયલનો પારો આસમાને હતો, “તને યાદ છે…? છેલ્લાં ત્રણ મહિનામાં આપણે માત્ર બે વાર બહાર ડીનર કર્યુ અને માત્ર એક મૂવી સાથે જોઈ છે...! ઈવન સન્ડે , તું આખો દિવસ ઓફિસમાં હોય છે.”
“થોડો સમય, એકવાર બધું સેટ થઈ જાય પછી...” આકાશ પાયલને સમઝાવવાનો પ્રયત્ન કરી રહ્યો.
“ઓકે તો તમે તમારું સેટ કરો. હું ચાલી મારા ઘરે...” આકાશને અધવચ્ચે અટકાવીને પાયલે છણકો કર્યો અને પગપછાડતી બેડરૂમમાં જઈ દરવાજો જોરથી બંધ કર્યો.
આકાશ થોડીક વાર તો બેડરૂમનાં દરવાજા તરફ તાકી રહ્યો પણ મોબાઈલની રીંગે તેનું ધ્યાન ભંગ કર્યું.
* * *
સાંજે જ્યારે આકાશે ઘરમાં પ્રવેશ કર્યો, પાયલનું બેગ તૈયાર હતું અને ગુસ્સો હજી પણ અકબંધ. આકાશ સોફા પર બેઠો ને પાયલ રસોડામાં ગઈ.
પાયલ રસોડાની સાફ-સફાઈમાં વ્યસ્ત હતી ત્યાં તેનો ફોન રણક્યો.
“હલ્લો, શું તમે આકાશ પટેલને ઓળખો છો...?” સામે છેડેથી કોઈ પુરુષ-અવાજ હતો.
“હા, હું એમની પત્ની બોલું છું. તમે કોણ....!....?” પાયલે જવાબ આપ્યો.
“મેડમ, હું મલાડ રેલ્વે-પોલીસ સ્ટેશનથી હવાલદાર વાનખેડે બોલું છું. મલાડ સ્ટેશન પાસે રેલ્વે-ટ્રેક પર અમને આકાશની લાશ મળી છે. તેમના વોલેટમાંથી અમને આધારકાર્ડ અને આ મોબાઈલ નંબર મળ્યો છે. તમારે મલાડ પોલીસ સ્ટેશને આવવું પડશે.”
પાયલ આ સાંભળીને રીતસરની હેબતાઈ ગઈ, તે દોડીને રસોડાની બહાર આવી ને સોફા પર જોયું, સોફો ખાલી હતો. હવે એણે બેડરૂમ તરફ જોયું, બેડરૂમનો દરવાજો ખૂલ્લો હતો. તે બેડરૂમ તરફ દોડીને અંદર પ્રવેશી પણ બેડરૂમ ખાલી હતો. પાયલ બેડરૂમનાં દરવાજા પર જ ફસડાઈ પડી અને મોબાઈલ તેના હાથમાંથી સરકીને વેર-વિખેર થઈ ગયો. પાયલે મોટેથી ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો પણ તેનું ગળું રૂંધાઈ ગયું.
“પાયલ...! મને લાગે છે આજે ટ્રેનમાં કોઈએ મારું વોલેટ તફડાવી લીધું.” ત્યાંજ આકાશ બાથરૂમમાંથી ન્હાઈને ટોવેલથી માથું લૂંછતો નિકળ્યો. બહાર નિકળી જેમ તેણે માથા પરથી ટોવેલ સરકાવ્યો પાયલને બેડરૂમના દરવાજા પર બેસેલી જોઈ અને તેનો મોબાઈલ તૂટેલી હાલતમાં પડ્યો હતો. આકાશ એ જોઈ સ્તબ્ધ રહી ગયો.
“પાયલ... શું થયું...?” હજી આકાશ પાયલને કંઈ પૂછવા જાય તે પહેલાં તો પાયલ દોડીને આકાશને વીટળાઈ ગઈ ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.
* * *