શ્રવણ
શ્રવણ
"મમ્મી..., મમ્મી.... મને આ વાર્તા સંભળાવો...!" બીજા ધોરણમાં ભણતો નાનકો ચોપડી લઈ સીધો રસોડામાં દોડી આવ્યો.
"બેટા, પપ્પાને વાર્તા સંભળાવતા ખૂબ સરસ આવડે છે, એમની પાસે જા." મમ્મીએ નાનકાના માથા પર હાથ ફેરવીને કહ્યું.
"પપ્પા..., પપ્પા... મને આ વાર્તા સંભળાવો...!" નાનકો હવે પપ્પા પાસે દોડી ગયો.
"હં... શ્રવણકુમાર..." પપ્પાએ ચોપડી હાથમાં લેતાં કહ્યું.
નાનકો ખૂશ થઈને સોફા પર પપ્પાની બાજુમાં બેસી ગયો.
"તો આ છે શ્રવણકુમાર, આ એના મમ્મી અને આ પપ્પા...!" પપ્પાએ નાનકાને ચોપડીમાં બતાવતાં કહ્યું.
"શ્રવણકુમારના મમ્મી-પપ્પા જોઈ શકતા ન હતા એટલે શ્રવણકુમાર તેમની ખૂબ સેવા કરતો. એક વખત શ્રવણકુમારના મમ્મી-પપ્પ
ાને ચાર-ધામની યાત્રા કરવાનું મન થયું."
"એટલે...?"
"...એટલે.... બહું બધા મંદિરોમાં જવાનું."
"તો શ્રવણકુમારે આ રીતે મમ્મી-પપ્પાને ઊંચકીને બધા મંદિરોના દર્શન કરાવ્યાં." પપ્પાએ નાનકાને ચોપડીમાં બતાવતાં કહ્યું, "એટલે એમના મમ્મી-પપ્પા ખૂબ ખુશ થયા અને સારા આશિર્વાદ આપ્યાં. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે પણ આપણાં મમ્મી-પપ્પાની શ્રવણકુમારની જેમ સેવા કરવી જોઈએ."
"તો... તું બનીશ ને અમારો શ્રવણકુમાર...?" મમ્મીએ રસોડામાંથી બહાર આવતા નાનકાને પૂછ્યું.
"હા... હા... હું બનીશ....!" નાનકાએ બંને હાથ ઊંચા કરતાં કહ્યું.
નાનકાના આ શબ્દો સાંભળીને પપ્પાને ઘરડાઘરમાં મૂકેલાં પોતાના બા યાદ આવી ગયા અને તેઓ નીચું જોઈ રહ્યાં.