Ashok Luhar

Children Stories Inspirational

4.1  

Ashok Luhar

Children Stories Inspirational

આત્મસાક્ષાત્કાર

આત્મસાક્ષાત્કાર

3 mins
204


"તમે અક્કલકોટ મહારાજનું આ ચરિત્ર વાંચ્યું છે...?"

નિવૃત્તિ બાદ કેટલાય પ્રયત્નો છતાં કોઈ નોકરી ન મળતાં, આખરે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતાં ગોપાળરાવ પોતાની પરિસ્થિતિ અને જીવનમાં આવી પડેલી આફતોથી કંટાળી જીવન ટૂંકાવી દેવાના આશય સાથે નિકળી પડ્યાં. કાળી અંધારી રાત, ગામથી કોસો દૂર, જંગલની વચમાં એક અવાવરું કૂવામાં પડવાં જ્યાં તેમણે પગ ઉપાડ્યો ત્યાં જ પાછળથી કોઈકના શબ્દો સંભળાયા.

ગોપાળરાવે આશ્ચર્ય સાથે અવાજની દિશામાં ઊભેલાં સજ્જન તરફ જોયું. સામાન્ય પહેરવેશ, માથા પર ખેસ, કપાળ પર ત્રિપૂંડ અને હોંઠો પર પ્રસન્નતા. ચહેરા પરના તેજને કારણે અંધારામાં પણ તેમના હાવ-ભાવ સ્પષ્ટ જોઈ શકાતા હતા.

ગોપાળરાવ કંઈ વિચારે તે પહેલાં તો આ સજ્જને તેમના હાથમાં એક પુસ્તક મૂકી દીધું અને પોતાનો પરિચય આપવાં માંડ્યાં.

"મારું નામ સગુણ નાયક." સજ્જન બોલ્યા.

"પણ અહીં આ જંગલમાં..." ગોપાળરાવના મનમાં વિચાર આવ્યો.

"આ પાછળ મારું ઘર છે અને પૂજન-સામગ્રીની નાનકડી દુકાન છે." ગોપાળરાવના મનનો વિચાર જાણી લીધો હોય તેમ સજ્જન પાછળની તરફ હાથ બતાવતાં બોલ્યાં.

"પૂજન-સામગ્રીની દુકાન...?!? અહીં....!?!" ગોપાળરાવના મનમાં પ્રશ્ન થયો અને તેઓ સજ્જને લંબાવેલા હાથની દિશામાં જોઈ રહ્યાં.

"આ ઉપર ટેકરી પર નાનકડું મંદિર છે, ગામનાં લોકો આવે છે અહીં..." સજ્જને પોતાના મકાનની ઉપરની તરફ હાથ બતાવતાં કહ્યું.

"ગામ...!?! અહીં જંગલમાં...?!?" ગોપાળરાવના મનમાં ફરી પ્રશ્ન થયો.

"આ સામેની પગદંડી સીધી ગામ તરફ જાય છે." સજ્જને ફરી ગોપાળરાવના મનમાં ઉઠેલાં પ્રશ્નના જવાબમાં સામેની તરફ હાથ બતાવતા કહ્યું.

ગોપાળરાવ હવે આશ્ચર્ય સાથે સજ્જને બતાવેલી દિશામાં જોઈ રહ્યાં.

"તમે આ ચરિત્ર જરૂર વાંચજો, મને વિશ્વાસ છે કે તમને તમારી સમસ્યાઓનું સમાધાન મળી જશે." સજ્જને ગોપાળરાવના હાથમાં આપેલાં પુસ્તક તરફ જોતાં કહ્યું.

"પુસ્તક...!?! અહીં...?!? આ અંધારામાં...???" ગોપાળરાવમાં મનમાં ફરી પ્રશ્ન થયો.

"અંધારું..!?! ક્યાં છે અંધારું...?!? આજે તો પૂનમ છે...!!!" સજ્જન ફરીથી જાણે ગોપાળરાવના મનમાં ઉઠેલાં પ્રશ્નને જાણી લઈ આકાશ તરફ જોઈને બોલ્યાં.

ગોપાળરાવે આકાશ તરફ જોયું તો વાદળોમાંથી બહાર નીકળતાં ચંદ્રને જોઈને આશ્ચર્ય પામ્યાં. હવે ગોપાળરાવની નજર સજ્જન તરફ ગઈ પણ ત્યાર સુધીમાં તો સજ્જન પોતાના ઘર તરફ આગળ વધી ગયા હતા.

ગોપાળરાવ હવે આ પુસ્તક વાંચવા માંડ્યું, જેમાં અક્કકોટ મહારાજના એક ભક્તની વાત હતી. અસાધ્ય રોગથી પીડાતો ભક્ત દુઃખ સહન ન થતાં આખરે કૂવામાં પડી આપઘાત કરવા તૈયાર થયો. પરંતુ અક્કલકોટ મહારાજે ત્યાં આવીને ભક્તનો હાથ પકડ્યો અને તેને બોધ આપ્યો.

"જો ભાઈ, તારા આ જન્મ અને પૂર્વજન્મના સારાં કે માઠાં કર્મનાં ફળ તારે જ ભોગવવાનાં છે. આપઘાત કરવાથી કંઈ વળવાનું નથી. આ જન્મ નહીં તો તારે બીજો જન્મ લેવો પડશે. માટે આપઘાત કરવાને બદલે થોડો વખત શા માટે આ પીડા ભોગવી નથી લેતો."

સંપૂર્ણ પૂસ્તક વાંચી ગોપાળરાવના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે આકાશ તરફ નજર કરી, સૂર્ય ઊગવાની તૈયારીમાં હતો, ચોમેર અજવાળું પથરાઈ ચૂક્યું હતું. પ્રસન્નભાવ સાથે તેમના મનમાં સજ્જનનો આભાર વ્યક્ત કરવાની ઈચ્છા જાગૃત થઈ. તેમણે સજ્જનના ઘર તરફ નજર કરી.

પરંતુ તે તરફ નજર કરતાં જ ગોપાળરાવની આંખો પહોળી થઈ ગઈ. અંધારામાં પ્રતિત થતું ઘર વાસ્તવમાં લાલ રંગના પુષ્પોનું વૃક્ષ હતું, ઘરની પાછળ દેખાતી ટેકરી એક તોતીંગ વૃક્ષ હતું અને તેની સૌથી ઊંચી ડાળખી મંદિર જેવા આકારનો આભાસ કરાવતી હતી. હવે તેમણે ઘરની સામેની દિશામાં નજર કરી, જ્યાં ગીચ ઝાડી-ઝાંખરામાં પડેલું વૃક્ષનું એક મોટું થડ જે અંધારામાં પગદંડી જેવું લાગતું હતું. ગોપાળરાવની નજર પોતાનાં હાથમાં રહેલાં પુસ્તક પર પડી, પણ આ શું પુસ્તકની જગ્યાએ તેમનાં હાથમાં વૃક્ષનાં સૂકા પાંદડાં હતાં. ગોપાળરાવ સમગ્ર પરિસ્થિતિ પામી ગયાં, તેમણે મનોમન ઈશ્વરનો આભાર માની પોતાના ઘર તરફ ડગલાં માંડ્યાં.


Rate this content
Log in