જીદ
જીદ
"અરે દીકરી ! જવા દે, આ મને નથી ફાવતી. અકળામણ થાય છે."
"ના, બિલકુલ નહીં, આના વગર તો નહીં જવા દઉં."
"ચાલ લાવ, તું નહીં માને...!"
નાનકીની જીદ આગળ ઝૂકી, આખરે પ્રવિણભાઈએ હેલમેટ પહેરી અને કામે નિકળ્યાં. ચાર રસ્તા આગળ રાઈટ સાઈડ તરફ ટર્ન મારવા ગયા ત્યાં પાછળથી આવતાં ટેમ્પાએ તેમને અળફેટે લીધાં. પ્રવિણભાઈ ઉછળીને દસ ફૂટ આગળ ફંગોળાઈ ગયા અને બાઈકનું તો જાણે કચ્ચરઘાણ વળી ગયું. અચાનક ટોળું ભેગું થઈ ગયું. કોઈકે પ્રવિણભાઈના માથેથી હળવેકથી હેલમેટ કાઢીને એમના મોઢાં પર પાણી છાંટ્યું. પ્રવિણભાઈ તો ઝબકીને જાગ્યા જાણે સાક્ષાત યમરાજના દર્શન કરીને આવ્યા હોય એમ ગભરાઈને આમ-તેમ જોઈ રહ્યાં. અચાનક જ એમનું ધ્યાન હેલમેટ પર ગયું ને તેમને પોતાની નાનકી સાંભરી આવી.