શિવ
શિવ


સૂરજ ઊગવાને હજી થોડીવાર હતી. રાત્રી દરમિયાન આવેલાં ઝરમર વરસાદથી ભીના અને લપસણાં થઈ ગયેલાં કાચાં રસ્તા પર ધીમી ચાલે સંભાળપૂર્વક ચલવાં છતાં હાથમાં પકડેલાં લોટામાંથી દૂધ ઘણે અંશે છલકાઈ જતું જેથી પંડિત ગૌરીશંકરનું મન વિચલીત થઈ જતું. બે ઘડી ઊભા રહ્યાં, સામે મંદિર દેખાતાં તેમને હાશકારો થયો.
"બે દિવસથી ભૂખ્યો છું, કંઈ ખાવા આપોને....!" પાછળથી કોઈ બાળસ્વર સંભળાયો. ગૌરીશંકરે પાછળ જોયું તો એક મેલું-ઘેલું બાળક કહી રહ્યું હતું.
"અત્યારે કંઈ નથી, ચલ જા અહીંથી..." ગૌરીશંકરે સ્હેજ ચીડાઈને કહ્યું.
"કંઈ નહીં તો, આમાંથી થોડુંક દૂધ આપી દો....!" બાળકે દૂધનાં લોટા તરફ ઈશારો કરતાં કહ્યું.
"આ કંઈ તારા માટે નથી. આ જો ભગવાન શિવ પર અભિષેક કરવાં માટે છે. ચલ જા અહીંથી...!" ગૌરીશંકર વધુ ચીડાયાં.
"પણ, ભગવાન શિવ ક્યાં છે...!?! ત્યાં મંદિરમાં તો ફક્ત એક મોટો પથ્થર છે...!!!" બાળકે મંદિર તરફ હાથ બતાવતાં સહજતાથી કહ્યું.
"મૂરખ બાળક....!" ગૌરીશંકર ક્રોધિત થઈ ગયા, "ભગવાન શિવ ફક્ત મંદિર પૂરતાં સિમિત નથી...!"
"તો...!?!" બાળકે ભોળા ભાવે પૂછ્યું.
"પથ્થર, ઝાડ, પાન, ધરતી, પર્વત, આકાશ દરેક કણમાં છે શિવ....!" ગૌરીશંકર અત્યંત ક્રોધમાં બોલી રહ્યાં હતાં, "પ્રાણી, પક્ષી, જીવ-જંતુ દરેક જીવમાં છે શિવ....!!!"
"તો શું હું જીવ નથી...!?! મારામાં શિવ નથી...?!?"
બાળકનો બદલાયેલો સ્વર સાંભળી ગૌરીશંકર બોલતાં અટકી ગયા, તેમણે બાળકને ધ્યાનથી જોયું.
ઊગતા સૂર્યના આછા અજવાસમાં બાળકનો તેજસ્વી ચહેરો, તેની આંખોની ચમક અને હોંઠો પરનું સ્મિત જોઈ ગૌરીશંકરની આંખો પહોળી થઈ ગઈ.
* * *