બોજો
બોજો
"ખબરદાર, જો હવે એકપણ શબ્દ આગળ બોલ્યો છે તો, તું શું એમ કહેવા માંગે છે કે હું ખોટું વિચારું છું ?"
"અરે બા, હું ક્યાં એવું કહું છું... તમે તો...."
"ના, ના, અગર એમ વિચારું કે મારા દીકરાના ઘરમાં પણ એક દીકરો આવે, તો હું ખોટું વિચારું છું. આપણાં કુળને આગળ વધારનારો આવે, તો હું ખરાબ છું." બા એ એક નિ:સાસો નાંખ્યો, "અરે, બંને દીકરીઓ તો પરણીને સાસરે જતી રહેશે, અને આગળ આપણાં કુળનું શું ? આપણાં કુળને કોણ આગળ લઈ જશે ? છે તારી પાસે કોઈ જવાબ ? બોલ ?"
બાનાં આ વેધક સવાલનો પ્રવિણ પાસે કોઈ જવાબ નહોતો. ઓરડામાં ક્યાંય સુધી શાંતિ છવાઈ રહી.
હવે પ્રવિણે ઊભા થઈ બા માટે એક ગ્લાસ પાણી લાવી આપ્યું. કેટલીક વાર પછી બા થોડા શાંત થયાં, એમણે બે ઘૂંટડા પાણી પીધું.
"બા, એક સવાલ પૂછું ?"
"...."
"બા, મારા પપ્પા મગનલાલ અને એમના પિતા એટલે કે મારા દાદા જગજીવનદાસ, પણ એમનાં પિતા ?"
"સેવંતીલાલ...." બાએ જવાબ આપ્યો.
"અને એમના પિતા ?"
"...હરગોવનદાસ..." બાએ સ્હેજ વિચારીને જવાબ આપ્યો.
"...અને... એમના પિતા ?"
બા કેટલીયે વાર સુધી વિચારી રહ્યાં.
"બા, આપણે આપણી પાંચ પેઢીઓનાં નામ પણ સરખાં યાદ નથી રાખી શકતાં ! તો શું આપણે આપણાં આખા વંશનો બોજો માથે લઈને ચાલવું જોઈએ ?"
