Ashok Luhar

Drama

4  

Ashok Luhar

Drama

લાવણ્યા

લાવણ્યા

4 mins
22.9K


 “વાવ લાવણ્યા ! નાઈસ ચણીયા-ચોલી. યુ આર લુકીંગ સો પ્રીટી !” દુલ્હનની સખીઓ જાનની રાહ જોઈને ટેરેસ પર ઊભી હતી, અને લાવણ્યા હમણાં જ તૈયાર થઈને સખીઓમાં જોડાવા ટેરેસ પર આવી, ત્યાંજ એક સખીએ ટકોર કરીને લાવણ્યાને આ શબ્દો કહ્યાં. જવાબમાં લાવણ્યાએ મોટી સ્માઈલ સાથે એક અદાથી થેંન્ક્સ કહ્યું.

“અચ્છા ! તો તું લાવણ્યા છે ! પ્રવિણની પત્ની. ખૂબ જ સુંદર નામ છે !” ટેરેસના એક ખૂણામાં ગોઠવેલ ચેર પર બેઠેલા આશરે પચાસેક વર્ષના એક આંટી બોલ્યા.

“અરે આંટી તમે અહીં ! નમસ્તે !” લાવણ્યાએ નમસ્કાર કરી નજીક આવતા કહ્યું, “તમે ખુશાલભાઈના મામી છો, રાઈટ? ખુશાલભાઈ અને પ્રવિણ ખૂબ સારા મિત્રો છે.”

“હા ! હું જાણું છું. અને હાં ! હું વરરાજાની પણ મામી થાંઉ છું, પણ દૂરની !” બાજુમાં પડેલ ચેર પર બેસવાનો ઈશારો કરતા આંટી બોલ્યા “પણ તે મને કેવી રીતે ઓળખી ? અગાઉ આપણે કદી મળ્યા જ નથી.”

“એક્ચ્યુલી આંટી ! ખુશાલભાઈના ફેમિલી આલ્બમમાં મેં તમારો અને અંકલનો ફોટો જોયો હતો. પણ તમે અહીં ટેરેસ પર એકલા ?” લાવણ્યા ચેર પર બેસતા બોલી.

“અરે બેટા ! આ દિલ્હીની ઠંડી હવે આ ઉંમરે ક્યાંથી સહન થાય ! એટલે વિચાર્યું જરા ટેરેસ પર તડકમાં બેસું.”

“અને અંકલ?”

“તારા અંકલ હજી તૈયાર થઈ રહ્યા છે.” “સાંભળ્યું છે તમારે એક સંતાન પણ છે ! છોકરો છે કે છોકરી ?” આંટીએ પૂછ્યું.

“હા ! છોકરો છે. આરવ. પાંચ વર્ષનો થયો !” લાવણ્યાએ આંખોમાં ચમક સાથે કહ્યું.

“સાંભળ્યું છે, પ્રવિણ કોઈક બીઝનેસ કરે છે ! શું બીઝનેસ કરે છે ?” આંટીએ આંખ ઝીણી કરીને પૂછ્યું.

“એમની અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક લોજીસ્ટીક કંપની છે.” લાવણ્યાએ કહ્યું.

“અચ્છા ! અને સાંભળ્યું છે કે તું એના કરતા વધારે ભણેલી છે ? અને જોબ પણ કરે છે કોઈક યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ?” આંટીએ ત્રાસી આંખે લાવણ્યા તરફ જોતા પૂછ્યું.

હવે લાવણ્યાનો ઉત્સાહ અલોપ થઈ ગયો અને સહેજ ખચકાટ સાથે ધીમા અવાજે બોલી, “હા, ગુજરાત યુનિવર્સિટીમાં.”

“સાંભળ્યું છે કે તું પ્રવિણ કરતાં વધારે કમાય છે અને ઘરની બધી અર્થવ્યવસ્થા તારા પર જ ચાલે છે !”

હવે લાવણ્યાનો ખચકાટ ઓર વધી ગયો. શું જવાબ આપવો તેની અવઢવમાં ચેરના હાથા પર નખથી કોતરવા માંડી. કેટલાક સમય બાદ જ્યારે એને ખ્યાલ આવ્યો કે આંટી હજી પણ તેના જવાબની રાહ જોતા તેની તરફ જોઈ રહ્યા છે, ત્યારે એ માંડ એટલા જ શબ્દો બોલી શકે કે, “નહીં આંટી ! એવું કશું જ નથી.”

 “તને વાંધો ન હોય તો એક વાત પૂછી શકું ?” લાવણ્યાની હાલત જોઈ આંટી જાણે એમની ફીરકી લેતા હોય એ અદાથી પૂછ્યું.

પણ લાવણ્યા કશું જ ન બોલી શકી અને આખરે લાવણ્યાના જવાબની રાહ જોયા વિના જ આંટીએ પોતની વાત શરૂં કરી દીધી.

“તું દેખાવે આટલી સુંદર અને પ્રવિણ દેખાવમાં સાવ એવરેજ ! તમારી જોડી પણ જામતી નથી, જાણે વહિદા રહેમાન સાથે અશોક કુમાર. તમારા તો નામેય મેળ ખાતા નથી, લાવણ્યા અને પ્રવિણ, જાણે કે આસમાન અને જમીન. પ્રવિણની વાત કરવાની સ્ટાઈલ અને બોડી લેંગ્વેંજ પરથી પણ એવું લાગતું નથી કે તે મેચ્યોર યા રિસ્પોન્સીબલ હોય. મને નથી લાગતું કે તમારો કોઈ મેળ બેસતો હોય. શું ખરેખર એવું છે ? હું તો એટલે સુધી સાંભળ્યું છે કે તમારા લગ્ન પણ તારી મરજી વિરુદ્ધ થયા છે !” લાવણ્યાની દુઃખતી રગ હાથમાં આવી ગઈ હોય અને સંપૂર્ણ બાજી પોતાના હાથમાં હોય એવી અદાથી આંટીએ પૂછ્યું.

શું જવાબ આપવો ? જવાબ આપવો પણ કે નહીં ? જવાબ નહીં આપે તો આ બધી જ વાતો સાચી છે એમ આંટી માની લે, અને જવાબ આપવાનામાં શિષ્ટાચાર ન જળવાય તો એક વડીલ વ્યક્તિને અપમાનની લાગણી પણ થઈ શકે છે. લાવણ્યાના મગજમાં અત્યારે વિચારોની દ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. એને લાગ્યું કે અત્યારે એનું મગજ ચકરાવે ચડી જશે.

હવે વધારે ટીખળભરી અદાથી આંટીએ પૂછ્યું, “શું તને લાગે છે કે પ્રવિણ તારા લાયક છે ? અને મેં તો સાંભળ્યું છે કે...”

“આંટી !”

આ વખતે આંટીને અધવચ્ચેથી અટકાવીને લાવણ્યા બોલી, “મને નથી ખબર આંટી ! તમે શું સાંભળ્યું છે અને ક્યાંથી સાંભળ્યું છે ! પણ જે કાંઈ સાંભળ્યું છે તેમાં કોઈ તથ્ય નથી. માફ કરજો આંટી ! તમે અત્યારે જે કરી રહ્યા છો તે કોઈકના શાંત અને સ્થિર જીવનમાં પથ્થર ફેંકવાનું જેવું જ કામ છે. તમને કદાચ અંદાજો નહીં હોય પણ તમારો એક કાંકરીચાળો કોઈકના જીવન પ્રત્યેના તેના અભિગમને બદલી શકે છે અને કદાચ અસ્ત-વ્યસ્ત પણ કરી શકે છે.”

“અને હા ! હું જોબ કરું છું કારણ કે મને જોબ કરવી ગમે છે, અને પ્રવિણ મને બધી રીતે સપોર્ટ કરે છે. પ્રવિણ એક કેરીંગ હસબન્ડ, લવીંગ ફાધર અને ઓનેસ્ટ પર્સન છે. પ્રવિણ દેખાવમાં ભલે એવરેજ શકે, પણ મારા માટે હી ઈઝ સ્પેશ્યલ, વેરી સ્પેશ્યલ !”

અને આ છેલ્લા શબ્દોની સાથે લાવણ્યા સાથે ઉભી થઈ સખીઓ તરફ આગળ વધી ગઈ. આ વખતે લાવણ્યા તરફ જોવાની આંટીની હિંમત ન ચાલી.


Rate this content
Log in

Similar gujarati story from Drama