JHANVI KANABAR

Drama

4.4  

JHANVI KANABAR

Drama

સમય

સમય

5 mins
358


`મને તો ઈ નથ હમજાતું કે, તારે કેટલુક ભણવું હવે ? ગામમાં આઠ ધોરણથી વધારે ઈસ્કુલ નો'તી તો તને મી બાર હુધી ભણવા આઘે મોક્લ્યો.. હવે બઈસ કઈર ભાઈ.. હવે જટ રોટલા રળવા માંડ... શેઠને મી વાત કરી સે... કાલે મારી હારે આવજે...’ હિંમતભાઈએ દિકરા માધવને સમજાવતા કહ્યું.

માધવે એક નજર માની સામે નાખી અને પિતાને સમજાવતા કહ્યું, `પણ બાપુ, આપણી પાસે હવે જમીન નથી રહી, વ્યાજ ના ચૂકવી શક્યા એટલે બધી જમીન જમીનદાર પ્રતાપરાયે લઈ લીધી. એમની જમીન પર ઢસરડા કરીને માંડ બે ટાઈમના રોટલા મળે છે. મને આગળ ભણવા દ્યો. હું શહેર જઈશ, કોઈ કામ શોધી લઈશ, મારો ખર્ચ કાઢીશ અને બચશે એ અહીં મોકલીશ. મારે કલેક્ટર થાવું છે. હું તમને બધા જ સુખ આપવા ઈચ્છું છું... તમારી જેમ વૈતરા કરીને હું તમને કંઈ નઈ આપી શકું.’

હિંમતભાઈએ ફરિયાદ કરતી એક નજર પત્ની રેવતીબેન પર નાખી, અને નિસાસો નાખતા ખાટલા પર લંબાવી દીધું. આકાશ તરફ મીટ માંડતા હિંમતભાઈ જાણે, દિકરાની જીદ આગળ હારીને બધું ઈશ્વર તરફ છોડી રહ્યા હતાં.

સવાર પડી, હિંમતભાઈ શેઠની હવેલીએ પહોંચી ગયા, મજૂરી કરવા. શેઠ પ્રતાપરાયની નજર હિંમતભાઈ પર પડી, તેમણે નજીક આવી કહ્યું, `કેમ લ્યા.. આજે તારા દિકરાને લઈને આવવાનો હતો ને?’

`હા શેઠ, પણ ઈને કુણ જાણે હું હુઝ્યું છે કે, શે’રમાં જવાની હઠ પકડી બેઠો સે... ઈને આગળ ભણવું સે. પેલું હું ક્યે ? હા, કલેકટર થાવું સે...’ હિંમતભાઈએ પડી ગયેલ મોંએ જણાવ્યું. ત્યાં તો પાછળથી કોઈનો મોટેથી ઠેકડી ઉડાડતા હસવાનો અવાજ આવ્યો. પાછળ જોયું તો પ્રતાપરાયનો દિકરો ઉદયપ્રતાપ હતો. ઉદયપ્રતાપ લગભગ માધવની ઉંમરનો જ હતો. ગામની જ શાળામાં આઠ ચોપડી ભણ્યો હતો. ઉદયપ્રતાપ અને માધવ આઠ ચોપડી સુધી જોડે જ હતાં. માધવ ભણવામાં હોંશિયાર હતો. ઉદયપ્રતાપને ભણવા કરતાં મિત્રો આગળ પોતાના રૂઆબનું પ્રદર્શન કરવામાં વધારે રસ હતો. જમીનદારની ધોંસથી આઠ ચોપડી લાગવગથી પાસ કરી ગ્યો હતો. આજે હિંમતભાઈની વાત સાંભળી તેને હસવું આવ્યું, અને પાસે આવી બોલ્યો... `કાકા, અમારા જેવા શેઠ્યાઓ શે’ર જાય તો વાત બરાબર છે, માધ્યા જેવાને તો ત્યાં કાંઈ ન હૂજે.. એને હમજાવો, અહીં રે અને મજૂરી કરી ખાય... ત્યાં તો ખોવાઈ જાહે તો ખબરેય નઈ પડે...’

`વાત તમારી હાચી નાનાશેઠ, પણ ઈયે ગરમ લોહી છે. હમજવા તૈયાર જ નઈ ને... ભલે જાતો.... બીજુ હું ?’ કહી હિંમતભાઈએ પ્રતાપરાયની રજા લીધી અને કામે લાગી ગ્યો.

ઘરે આવી હિંમતભાઈએ દિકરાને પાસે બેસાડી કહ્યું, `જો હાંભળ, તારે જી કરવું હોય ઈ કર, હું ને તારી મા અહીં અમારું રોળવી લેહુ, તું તારે તારો ખર્ચ કાઢી લેજે અને ભણી લે તારે જેટલું ભણવું હોય એટલું. પણ બેટા, તું અમારું એક જ સંતાન છો. ધ્યાન રાખજે..’ કહેતા હિંમતભાઈના આંખમાં પાણી આવી ગયા. રેવતીબેન પણ મોં પર સાડલો રાખી રડી પડ્યા.

માધવે પિતાનો હાથ પકડી કહ્યું, 'બાપુ, વિશ્વાસ રાખજો. હું તમારા સંસ્કાર નઈ લજવું.’

`બસ, બેટા તો કર તૈયારી, ભોળાનાથની કૃપા રે તારી પર..’ કહી હિંમતભાઈએ અને રેવતીબેને આશીર્વાદ આપ્યા.

માધવ શહેર પહોંચી ગયો ને કોલેજમાં ભણવા લાગી ગયો. પાર્ટટાઈમ એક દુકાનમાં સેલ્સબોયની નોકરી ચાલુ કરી દીધી. રાતદિવસ એક કરી નાખ્યા. આઈ.એ.એસની તૈયારીઓ પણ સાથે સાથે ચાલુ કરી દીધી. તેના જીવનનું એક જ ધ્યેય હતું, કલેક્ટર બનવું. શહેરની ઝાકમઝોળ, રહેણીકરણી કે મોજમજાથી તેને કોઈ જ લેવાદેવા નહોતા.

આમને આમ પાંચ વર્ષ વીતી ગયા. પાંચ વર્ષમાં માધવના ગામમાં ઘણા ફેરફાર આવી ગયા હતાં. જમીનદાર પ્રતાપરાયની જમીનદારી ધ્વસ્ત થઈ ગઈ હતી. અંદરોઅંદરના કોઈ વેરને કારણે પ્રતાપરાય બધું જ ગુમાવી ચૂક્યા હતાં. હવેલી પણ રહી નહોતી. હિંમતભાઈને પણ મજૂરી કરવા પાસેના ગામના કોઈ જમીનદારને ત્યાં જવું પડતું, પણ તેણે આ પરિસ્થિતિની જાણ માધવને થવા દીધી નહોતી. માધવ જ્યારે પણ ફોન કરતો કે, ચિઠ્ઠી લખતો ત્યારે, `બધું જ હેમખેમ છે, અહીંની કાંઈ ચિંતા ન કરતો.' આ બે જ વાક્ય હિંમતભાઈ કહેતા, અને માધવને ટાઢક થઈ જતી.’

માધવે આઈ.એ.એસ.ની પરીક્ષા પાસ કરી, અને તેની બીજા શહેરમાં કલેક્ટર તરીકે નિમણૂંક થઈ. તરત જ માધવે બાપુને ફોન કર્યો અને ખુશખબર આપ્યા. હિંમતભાઈ અને રેવતીબેનના આનંદની કોઈ સીમા ન રહી. આખા ગામમાં હિંમતભાઈએ મિઠાઈ વેચી. માધવને બંગલો અને ગાડી પણ મળ્યા એટલે તેણે તરત જ હિંમતભાઈ અને રેવતીબેનને અહીં આવી જવા માટે જણાવ્યું. હિંમતભાઈએ બે મહિનાનો સમય માંગ્યો બધું આટોપવા માટે.

માધવને કલેક્ટરના હોદ્દા પર હજુ પંદરેક દિવસ થયા હતાં ત્યાં માધવની ઓફિસમાં બે-ત્રણ નવા પ્યુનની ભરતી થઈ. માધવે રોજની જેમ પોતાની કેબિનમાં પગ મૂક્યો કે, ચા આપવા માટે પ્યુન આવ્યો, `અંદર આવુ સા’બ ?’

`યસ’ માધવે ફાઈલમાં જ જોતા જોતા કહ્યું.

પ્યુને આવીને ચા ટેબલ પર મૂકી, કે માધવની નજર તેના પર પડી, અને પ્યુનની નજર માધવ પર પડી. માધવ સ્તબ્ધ થઈ ગયો અને પ્યુન તો બિચારો પરસેવાથી રેબઝેબ....

`નાનાશેઠ તમે ?’ માધવથી બોલાઈ ગયું.

`માધવ તું ?’ પ્યુનથી બોલી જવાયું, પણ તરત જ વાક્ય સુધારતા કહ્યું, `સોરી સાહેબ !’ ઉદય શરમથી પાણી પાણી થઈ ગયો. તેનાથી માધવનો સામનો ન થયો અને કેબિનની બહાર નીકળી ગયો. માધવને કંઈ જ સમજાતું નહોતું, તેણે બાપુને ફોન કર્યો. હિંમતભાઈએ પ્રતાપરાયની હાલત વિશે બધું જણાવ્યું. માધવને મોડી રાત સુધી ઊંઘ જ ન આવી.

બીજે દિવસે માધવ ઓફિસે પહોંચ્યો. કેબિનમાં જતાં જ સામે ટેબલ પર એક કવર પડ્યું હતું. જોયું તો એમાં ઉદયનું રાજીનામું હતું. માધવ પરિસ્થિતિ સમજી ગયો. બાળપણથી જે માણસ પોતાની સુખસાહ્યબીનું પ્રદર્શન કરતો રહ્યો હોય, તેને સમયની આવી માર પડે એટલે ભલભલાનું સંતુલન હલી જ જાય... માધવે ઓફિસમાંથી ઉદયનું સરનામું લીધું અને સાંજે તેને મળવા ગયો.

દરવાજો ખોલતા જ ઉદયની નજર નીચી નમી ગઈ. તેણે માધવને અંદર આવવાનું પણ ન કહ્યું. માધવ પોતે જ અંદર આવીને ત્યાં રાખેલી લાકડાની ખુરશી પર બેસી ગયો. બે-ત્રણ મિનિટના મૌન પછી માધવે જ ઉદયને રાજીનામું બતાવતા કહ્યું, `આ શું છે ? નાના શેઠ...’

`મને નાનાશેઠ ના કહો.’ ઉદયે ગળગળા અવાજે કહ્યું.

`ઠીક છે. ઉદય.. બસ ?’ માધવે ઉદયના ખભે હાથ મુકતા કહ્યું.

`ભાઈ, મને ખબર જ નહોતી કે, ગામમાં તમારી જાગીરદારીનું શું થયું ? કાલે જ બાપુએ બધી વાત કરી.. તારે એમાં આમ કોચવાવાની જરૂર નથી. કામ કોઈ જ નાનુમોટુ નથી હોતું. તારામારા સંબંધો આપણી વચ્ચે જ રહેશે. તારે કોઈની સામે શરમાવા જેવું નહિ થાય.’ માધવે ઉદયને સમજાવવાનો કોશિશ કરી.

`માફ કરી દે મારા ભાઈ, એ સમય જ એવો હતો કે, મને મારા નસીબ પર ગુમાન આવી ગયું હતું. તને અને તારા બાપુને પગની જૂતી સમજી.. અમારે સમજવું જોઈતું હતું કે, સમય કોઈને છોડતો નથી. આજ આપણી છે તો કાલ એમની થશે. આજે મારા સમયે મારો સાથ છોડી દીધો. તારી ધગશે તને આ સ્થાને પહોંચાડી દીધો અને મારા અભિમાને મને પછડાટ આપી.’ કહેતા ઉદય રડી પડ્યો.

`સમયની ગતિ ન્યારી છે દોસ્ત, સમયની પહેલા ચાલનારને કે સમયની પછી ચાલનારને ક્યારેય સફળતા મળતી નથી. સમયની સાથે ચાલનારને જ સફળતા મળે છે.’ માધવે તેને શાંત્વના આપતા કહ્યું.

આજે માધવ કામમાં ખૂબ વ્યસ્ત હતો, ત્યાં જ તેને અવાજ સંભળાયો, `આવુ સા’બ ?’

માધવે સ્મિત કરતાં કહ્યું,`યસ’

આજે બંને ચેહરા પર આશ્ચર્ય નહોતું પણ આનંદ હતો. બે સમય આજે એક થઈ ગયા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama