સમય સામે સહુ નિ:સહાય
સમય સામે સહુ નિ:સહાય
સમય સામે સહું નિર્બળ અને નિ:સહાય બની જતાં હોય છે. એવા જ એક અતિ ગોઝારા સમયમાંથી સમગ્ર વિશ્વને પસાર થવું પડ્યું હતું. સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. લાખો પરિવારો વિખરાઈ ગયાં અને કેટકેટલાંય હસતાં રમતાં જીવન કોરોના જેવી મહામારીનો ભોગ બની રોળાઈ ગયાં.
પૈસાથી બધું જ ખરીદી શકનાર અહમથી ભરેલાં લોકોને પણ કોરાનાએ સમજાવી દીધું કે એની સામે અબજોની સંપત્તિ પણ પાંગળી છે. ટંકનું કમાઈને ટંકનું ખાતાં લોકોની હાલત તો સૌથી વધુ કફોડી થઈ ગઈ હતી. અને સૌથી વધુ તકલીફ તો મધ્યમ વર્ગીય પરિવારોની હતી, નાનો વેપાર કરતાં વેપારીઓ ના તો કોઈ પાસે હાથ લાંબો કરી શકતાં હતાં ન તો પરિવારને પૂરતું ભોજન આપી શકતાં હતાં. બધાં પોત પોતાની તકલીફોથી ઘેરાયેલાં હતાં. આવામાં પોતાનાં સ્વજનોને આ વિષાણુંની ઝપટમાં આવી જતાં ગુમાવવાનું દુઃખ તો અલગ જ હતું.
કોરોના પોઝેટીવ લોકોની માહિતી મળતાં જ લોકો એ એરિયામાંથી પસાર થવાનું પણ બંધ કરી દેતાં હતાં. પાડોશી હોય કે પરિવારનાં સદસ્યો કોઈ કોઈની મદદ ન કરી શકે એવી દયામણી પરિસ્થિતિનાં ભોગ બનતાં માનસિક રોગોનાં શિકાર પણ લોકો થવાં લાગ્યાં હતાં. ખરેખર કુદરતે જાણે પોતાની સાથે મનુષ્ય દ્રારા થયેલાં અત્યાચારોનું બમણું વળતર લેવાનું શરૂ કર્યું હતું.
આવાં દિવસો ઈશ્વર ફરી ન બતાવે તેવી બસ પ્રાર્થના કરી શકીએ. પણ આ મહામારીએ ઘણું બધું શીખવાડ્યું છે. ક્યાંક માનવતાં મહેંકી હતી તો ક્યાંક લોકો આ મહામારીને પણ હથિયાર બનાવી નોટો છાપવામાં લાગી ગયાં હતાં.
એવાં ગોઝારા દિવસો કે મોબાઈલ હાથમાં લેતાં જ દરેક જગ્યાએ આપણાં સગાં સંબંધીઓનાં, મિત્રોનાં સ્વજનોનાં સ્વર્ગવાસનાં સમાચાર જ દેખાતાં હતાં. ૐ શાંતિ, ૐ શાંતિ લખતાં લખતાં આંગળીનાં ટેરવાં સાથે હૃદય પણ છોલાઈ રહ્યું હતું. પણ પરિસ્થિતિ જ એવી સર્જાયેલી હતી કે તેની સામે સમગ્ર દુનિયાં મજબૂર હતી.
સમય સાથે ઘણાં બધાં જખ્મો રૂઝાય જાય છે પણ કોરોનાકાળે તો એટલાં જખ્મો આપ્યાં છે કે એનાં નિશાન આવનારી પેઢીઓ પણ અનુભવી શકશે. પણ આ વિકટ સમયે આપણને જે ગહન શીખ આપી છે તેને ક્યારેય ભૂલવી ન જોઈએ. ફરી આવી પરિસ્થિતિનું નિર્માણ જ ના થાય તેથી હર હંમેશ આપડે સતર્ક રહેવું એજ સહું માટે હિતકારી રહેશે. બાકી રાત ગઈ બાત ગઈ જેવું વલણ માનવીમાં સમાયેલું છે તેથી સમય જતાં ફરી એજ લાપરવાહી સાથે જીવન નિર્વાહ કરતાં એ ચૂકશે નહીં એમાં પણ મને બે મત નથી લાગતો.
