સમર્પણ
સમર્પણ
"આઉટ... સિક્સ... નોટ આઉટ... નોટ આઉટ.." બોલતાં બોલતાં નવનીત ક્યારેક નાચવા મંડી પડતો, તો ક્યારેક કૂદકા મારતો.
"નીલમ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારા વગર હું એક મિનિટ પણ ન રહી શકું." બોલતાં બોલતાં પોતે નીલમને લખેલા પ્રેમપત્રોનું બંડલ ખોલી ગીત ગાતો,"યે મેરા પ્રેમપત્ર પઢકર તુમ નારાઝ ના હોના...."
"નીલમ, મારું મોતિયાનું ઓપરેશન થયું છે ને, મારા કાળા ચશ્મા આપ, પહેરી લઉં."
નવનીતભાઇ ક્યારેક બાલ્યાવસ્થા તો ક્યારેક યુવાવસ્થા, ક્યારેક પ્રૌઢાવસ્થા તો ક્યારેક વૃદ્ધાવસ્થાની યાદોમાં ખોવાઇ જતાં, અને એ પ્રમાણે એમનું વર્તન બદલાતું રહેતું.
બાજુવાળા કુસુમબહેનથી આજે બોલ્યા વગર ન રહેવાયું,"નીલમબહેન તમને કંટાળો નથી આવતો ?તમે પણ ઘડીક બાળક તો ઘડીક યૌવના, ઘડીક પ્રૌઢ તો ઘડીક વૃદ્ધા બની જાઓ છો. નવનીતભાઈને ક્યાં કશું ખબર પડવાની છે. તમે આટલો ત્યાગ ન કરો તો પણ ચાલે ને."
"એમને અલ્ઝાઈમર થયો છે. મને તો નથી થયો ને. મને તો યાદ છે ને રોજ હું શું શું કરું છું."
નીલમબહેનનો જવાબ સાંભળીને અને એમનું સમર્પણ જોઈને કુસુમબેન નતમસ્તક થઈ ગયાં.

