સમોવડી
સમોવડી
આજે મોટાભાઈ જોડેની મારી સ્પર્ધા આખરે સમાપ્ત થઈ. જો કે એ સ્પર્ધા શરૂ મારા થકીજ થઈ હતી.
મોટાભાઈ મારાથી ઉંમરમાં બેજ વર્ષ મોટા. હું એમની એકની એક બહેન અને એ મારા એકના એક ભાઈ.
બાળપણથી જ મનમાં નક્કી કરી નાખ્યું હતું કે જે ભાઈ કરે એ હું પણ કરી શકું. તેથીજ કદાચ ઢીંગલીથી રમવાની જગ્યાએ હું ફૂટબોલ અને ક્રિકેટ બેટ જોડે જ રમી હતી. છોકરીઓના ટોળામાં નહીં હું હમેશા છોકરાઓના ટોળામાંજ રમતી મળતી. ભાઈ જીન્સ અને ટીશર્ટ પહેરે એટલે હું પણ એજ પહેરતી. ભાઈ જેવીજ હેરસ્ટાઈલ પણ. મારા લાંબા, ભરાવદાર વાળ કોલેજ સુધી પહોંચતા તો થોડાજ ઈંચના રહી ગયા હતા. ગર્લ થઈને બોયકટ ! વાળ નાના કપાવવા એ તો ક્રાંતિનું ફક્ત પહેલું પગથિયું હતું.
ત્યાર બાદ મારી આ ક્રાંતિ સ્ત્રીવાદના યુદ્ધમાં બદલાઈ ગઈ.
સ્ત્રીના અધિકારો માટે હું જાહેરમાં લડતા પણ ન અચકાતી. 'એક સ્ત્રી એ બધુજ કરી શકે જે એક પુરુષ કરે' એ મારો જીવનમંત્ર બની ગયો હતો. મારી ચાલવાની અદા, વાત કરવાનો લ્હેકો, ઘરેણાં ન પહેરવાની ટેવ... મમ્મી- પપ્પા ને તો એમજ લાગતું કે એમને એક નહીં બે દીકરા છે. અને એ વાતનો મને અત્યંત ગર્વ પણ. એ ગર્વને જાળવી રાખવા હું ભાઈ જોડે વધુ ને વધુ સ્પર્ધાત્મક બનતી ગઈ.
એણે કોમર્સમાં એડમિશન લીધું તો મેં પણ લીધું. એણે રમતગમતમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો તો હું રાષ્ટ્રીય કક્ષાએ લઈ આવી. એ ભારેભારે બાઈક ચલાવતા તો હું પણ શીખી. એમણે અન્ય શહેરમાં નોકરી લીધી તો હું પણ નોકરી કરવા મુંબઈ પહોંચી ગઈ.
સાડી કે ડ્રેસને તો હું અડતીજ નહીં. મારી ફોર્મલ પેન્ટ, શર્ટ, બોયકટ વાળ મેકપ વિનાનો ચહેરો ને આભૂષણો વિનાનું શરીર. હું ભાઈની તદ્દન કાર્બન કોપી બનીને જ જીવી. ભાઈએ લગ્ન ન કર્યા તો મેં પણ ન કર્યા. એક સ્ત્રી પુરુષ વિના આરામથી જીવી શકે છે એ પણ પુરવાર કરી નાખ્યું. સ્પર્ધા કેમ પણ કરી જીતવાની હતી. એટલે ભાઈનું આંધળું અનુકરણ આજીવન કરતી જ ગઈ.
પણ આજે ભાઈએ સ્પર્ધા છોડી જતા રહ્યા. હંમેશ માટે. ઘરમાંથી જ નહીં, શહેરમાંથી જ નહીં, આ વિશ્વમાંથી પણ....
હોસ્પિટલમાં જયારે એમણે દમ તોડ્યો ત્યારે એમનો હાથ મારા હાથમાંજ હતો. એ પ્રાણ વિનાનો હાથ પકડી હું વિચારતીજ રહી... સ્પર્ધા ક્યાં જઈ અટકી હતી ? શું હું પણ આમ જ..
'એક સ્ત્રી એ બધુજ કરી શકે જે પુરુષ કરે ' એ પુરવાર કરવા હું પણ ભાઈ જેમજ ચેન સ્મોકર બની ચૂકી હતી. એમના ફેફ્સાઓએ આજે જવાબ આપી દીધો હતો. હવે મારો વારો ? હું સ્પર્ધા જીતી કે......?
