સમજણથી શાણપણ આવે
સમજણથી શાણપણ આવે
ઘણી વખત માણસોની અણસમજને લીધે ખરાબ કાયોઁ થતાં હોય છે. ત્યારે કોઈક શાણો માણસ આવીને ત્યાં શાંતિ સ્થાપવાનું કામ કરે છે. કયારેક નાસમજ માણસો આવા શાંતિચાહકનું ન પણ માને અને પોતાના ઝનૂનને આગળ રાખે છે. ત્યારે નાસમજ લોકોને કાબૂમાં લેવા કાયદો પણ વાપરવો પડતો હોય છે.
આવો જ બનાવ દેશ આઝાદ થયો ત્યારે બન્યો હતો. સપ્ટેમ્બર, ૧૯૪૭માં દિલ્હીમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં. બધે મારામારી ને કાપાકાપી હતી. કોઈ બહાર નીકળી શકતું નહોતું. વાતાવરણ ડહોળાઈ ગયું હતું. જીવ બચાવવો મુશ્કેલ હતો. આવા વાતાવરણમાં આપણા ગૃહપ્રધાન ગાડી લઈને ત્યાં પહોંચી ગયા હતા અને લોકોને સમજાવ્યા. પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
તે વખતે દિલ્હીની સિવિલ પોલીસમાં ૬૦ ટકા અને હથિયારધારી પોલીસમાં ૮૦ ટકા મુસ્લિમો હતા. તેમાંથી રપ૦ જેટલા સશસ્ત્ર કોન્સ્ટેબલો ભાગીને મુસ્લિમ હુલ્લડખોરો ભેગા ભળી ગયા હતા. હવે ગૃહપ્રધાનની જવાબદારી આ હુલ્લડોને અટકાવવાની હતી. વિલંબ ચાલે તેમ નો'તો. જે નિર્ણય લેવાનો હતો તે તાત્કાલિક લેવાનો હતો અને ગૃહપ્રધાને નિર્ણય લઈ પણ લીધો. તેઓએ અર્ધલશ્કરીબળોમાંથી ગુરખા સૈનિકોને બોલાવી લીધા. હુલ્લડોને અટકાવવાનો આદેશ આપી દીધો. ગુરખા સૈનિકોએ બહાદુરી બતાવી હુલ્લડો બંધ કરાવી દીધા. હુલ્લડખોરો પકડાયા. તે વખતે દિલ્હીની અદાલતોના મોટાભાગના ન્યાયાધીશો પણ મુસ્લિમ હતા. તેમાંથી જે શંકાસ્પદ લાગ્યા તેઓમાં કેટલાકની બદલી કરાવી નાખી, તો કેટલાકને રજા ઉપર ઊતરી જવાની ફરજ પાડી.
તોફાનો શાંત થયાં. હવે તાકીદે પોલીસોની ભરતી કરી. જેમાં ૮૦ ટકા હિંદુ પોલીસોની ભરતી કરીને પોલીસમાં હિંદુ-મુસ્લિમ તફાવત ઘટાડી સમતોલ કર્યો. આમ તેઓએ શીઘ્ર અને યોગ્ય નિર્ણયો લઈ પરિસ્થિતિને શાંત પાડી. આવા નિર્ણયો લેનાર ગૃહપ્રધાન એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.
આજના સમયમાં પણ નેતાઓ દેશને ઉપયોગી આવો સચોટ નિર્ણય લઈ કામ કરે તો દેશમાં શાંતિ અને સમૃદ્ઘિ આવી જાય અને દેશ ફરી 'સોને કી ચિડિયા' બની જાય.
