'Sagar' Ramolia

Romance Fantasy Inspirational

4.0  

'Sagar' Ramolia

Romance Fantasy Inspirational

રેતીની દીવાલ

રેતીની દીવાલ

3 mins
1.2K


ખુશનુમા વાતાવરણ હતું. શાળાની ઓફિસમાં હું શાળાનું કામ કરી રહ્યો હતો. સાથે-સાથે વિચારતો પણ હતો, ખબર નહિ, પણ કેમ, પહેલા શિક્ષક તરીકે વર્ગમાં ભણાવતાં-ભણાવતાં પણ ઘણી વખત થાકનો અનુભવ થઈ જતો, જ્યારે હવે શાળાના આચાર્ય તરીકેની જવાબદારીની સાથે વર્ગમાં ભણાવવાની જવાબદારી વિના થાક પાર ઊતરી જાય છે. કામનો ઉત્સાહ જાણે પહેલા કરતા વધી ગયો હોય એવું લાગે છે. આવા વિચારો સાથે હું શાળાનું કામ કરવામાં મશગૂલ હતો. ત્યાં જ એક મધુર ટહુકો સંભળાયો, ‘અંદર આવી શકું ?’

મેં નજર ઊંચી કરી. એક યુવતી દરવાજામાં ઊભી હતી. હું તેને ઓળખી ગયો. આ યુવતી પોતાના બાળકનો શાળામાં પ્રવેશ કરાવવા માટે પહેલા આવેલ. મેં અંદર આવવાનું કહ્યું એટલે તે અંદર આવી.

મેં પૂછયું, ‘બોલો, કંઈ કામ હતું ?’

તેણે જવાબ આપ્યો, ‘મારા દીકરાનું સર્ટિ કઢાવવું છે.’

મને થોડો આંચકો લાગ્યો. પૂછયું, ‘કેમ ? અમે જે શિક્ષાણ આપીએ છીએ તે બરાબર નથી ? પ્રવેશ આપ્યાના દોઢ મહિનામાં જ સર્ટિ કઢાવવું છે ?’

તે કહે, ‘મૂવો એનો બાપ છૂટાછેડા પછી પણ શાંતિથી રહેવા દેતો નથી. એટલે રહેવાની જગ્યા બદલી નાખી છે. મૂવાને ખબર ન પડે એવી જગ્યાએ.’ આવી રીતે જાણે તેણે પોતાની હૈયાવરાળ કાઢી.

મેં થોડી વાત પૂછી ત્યાં તો તેણે પોતાની આખી વાર્તા કહી દીધી. તે બોલવા લાગી, ‘લગ્ન પહેલા કોઈ કામસર અમે મળ્યાં હતાં. આવું ઘણી વખત થયું. વાતચીત થવા લાગી. ધીમે-ધીમે પ્રેમમાં પડયાં. ત્યારે તો એ મને રાણી જેવું માન આપતો હતો. એટલે મને થયું કે આખી જિંદગી મને બરાબર સાચવશે. હું તેની સાથે સુખી જિંદગીનાં સપનાં જોવા લાગી. જાણે આભમાં વિહરવા લાગી. મારાં મા-બાપને મેં વાત કરી. પહેલા તો તેઓ ખચકાયાં, પણ મારી જીદને લીધે તેની સાથે મારું લગ્ન ગોઠવાયું. લગ્ન પછી થોડો સમય તો કોઈ વાંધો ન આવ્યો. પણ ધીમે-ધીમે પરિવર્તન આવવા લાગ્યું. જાણે મારા પ્રત્યેનો પ્રેમ ઓસરવા લાગ્યો. રાણી તરીકેનું મારું સ્થાન કામવાળી જેવું થઈ ગયું હોય એવું લાગવા માંડયું. મારી કોઈ વાત સ્વીકારે નહિ. કંઈ કહું તો ગુસ્સે થઈ જાય. એક દિવસ તો હાથ પણ ઉપાડી લીધો. ધીમે-ધીમે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા. એક દિવસ તો મારા સસરાએ પણ મને માર્યું. હવે મારી સહનશિકતની હદ આવી ગઈ અને હું ઘર છોડીને નીકળી ગઈ. મારા આ દીકરાને પણ સાથે લઈ લીધો. માવતરને બોઝારૂપ નહોતું બનવું, એટલે જુદી રહેવા લાગી. આટલેથી અટકયું નહિ. હું જ્યાં રહેતી હતી ત્યાં આવીને પણ માથાકૂટ કરતો. છેવટે અદાલતમાં કેસ કરીને છૂટાછેડા લઈ લીધા. દીકરો મારી પાસે રહ્યો.’

મેં પૂછયું, ‘તો હવે શી તકલીફ છે ?’

તે કહે, ‘હજી પણ ઘરે આવીને માથાકૂટ કરી જાય છે. એક વખત તો મેં ફરિયાદ કરીને તેને જેલમાં પૂરાવ્યો. છતાંયે જેલમાંથી છૂટીને ફરી ઘરે આવવા લાગ્યો અને માથાકૂટ કરવા લાગ્યો. હવે તે દીકરાને લઈ જવાની વાત કરે છે. સાહેબ ! જે માણસ મને રાણીની જેમ રાખતો અને પ્રેમ કરતો, એ માણસ આજે આવો કેમ બદલી ગયો હશે ! તેનો પ્રેમ કયાં જતો રહ્યો હશે ? પહેલા જેનું દિલ કોમળ ફૂલ જેવું હતું, આજે પથ્થર જેવું કેમ બની ગયું હશે ! પહેલાનો માનવતાભર્યો વ્યવહાર હવે પશુ જેવો કેમ થઈ ગયો હશે ! મને તો કંઈ સમજાતું નથી. એટલે મારે રહેવાની જગ્યા બદલવી પડી છે. તમે જ કહો સાહેબ ! તેનો પ્રેમ આમ કેમ તૂટી ગયો હશે ?’

મારાથી લાંબો નિસાસો નખાઈ ગયો અને બોલાઈ ગયું, ‘કદાચ તેના પ્રેમના સમુદ્રની દીવાલ રેતીની બનેલી હશે. એટલે કોઈના ચડામણીરૂપી પાણીના એક હળવા મોજાથી પણ તે કડડડભૂસ થઈ ગઈ હશે !


Rate this content
Log in

Similar gujarati story from Romance