દાદાજીની વાર્તા 65
દાદાજીની વાર્તા 65
મયંક કહે, 'આ કેળવણી તો કામની છે.'
દાદાજી કહે, 'મનુષ્યને જીવન જીવવામાં બીજા પ્રકારની મુશ્કેલી નડતી હોય તો તે સામાજિક મુશ્કેલી છે. સામાજિક મુશ્કેલીઓ પણ ત્રણ પ્રકારની હોય છે. રાજકીય, ધાર્મિક અને આર્થિક. આ મુશ્કેલીઓને કેળવણી કેવી રીતે નિવારી શકે? સૌ પ્રથમ આર્થિક મુશ્કેલીની જ વાત કરીએ. સમાજની અદનામાં અદની વ્યક્તિને પણ એટલું મળવું જોઈએ, જેટલું સમાજની સુખી વ્યક્તિને મળે છે. આ વાત ગાંધીજીએ સર્વોદયની કેળવણીની ફિલસૂફી સમજાવતી વખતે કહી છે. એ ફિલસૂફી વ્યવહારુ બનાવવા એમણે એવી વાત કરી કે, કેળવણી ઉદ્યોગ દ્વારા આપવી જોઈએ. એ રીતે 'નયી તાલીમ'નો જન્મ થયો. આથી સમાજમાં શ્રમ પ્રત્યેની સૂગ જતી રહે છે.'
મયંક કહે, 'હું મારી તૈયારી પછી ઝડપથી કરી લઈશ. અત્યારે તમે આગળ વાત કરો.'
દાદાજીએ વાતને આગળ વધારી, 'જે કામ આપણને નથી ગમતું તે કરનારા પણ આપણને નથી ગમતા. આથી સમાજમાં વર્ગભેદ ભણેલા અને અભણ ઊભો થયો. શ્રમજીવીઓ નીચા પડયા. ગાંધીજીએ કેળવણી દ્વારા સ્વાવલંબનની વાત કરી. આથી શ્રમ પ્રત્યેની સૂગ ઓછી થશે. અને તેથી જ શ્રમજીવીઓ પ્રત્યેની ઉપેક્ષા પણ ઓછી થશે. પછી નિર્મશે
શોષણવિહીન સમાજરચના. આજે તો જેમ શિક્ષણ વધારે, તેમ કામ ઓછું અને વેતન વધુ, અને શિક્ષણ ઓછું, તેમ કામ વધારે અને વેતન ઓછું. આ દીવાલને બુનિયાદી શિક્ષણ તોડી શકે. રાજ્યનો પ્રત્યેક નાગરિક રાજ્યના ખર્ચે જીવવા ઈચ્છતો હોય છે. પણ એ ભૂલી જાય છે કે રાજ્ય નાગરિકોના ખર્ચે જીવતું હોય છે. ફ્રેડરિક બાસ્ટિયાનું આ કથન પૂર્ણ છે. ગાંધીજીની કેળવણીથી રચાયેલા સમાજમાં આવો સવાલ નહીં ઊઠે. એવી જ રીતે ગાંધીજીએ અને વિનોબાજીએ શાસનવિહીન સમાજરચનાની વાત કરેલી. એ પણ કેળવણી દ્વારા શકય છે.'
મયંક કહે, 'ભણવામાં પણ આવી બાબતો રાખી જ છેને !'
દાદાજી કહે, 'સામાજિક વિજ્ઞાનના શિક્ષણ દ્વારા સારા નાગરિકો પેદા થઈ શકે છે. ઇતિહાસ એ સામાજિક વારસો છે. તેમાં સમાજના પુરુષાર્થ અને પરિબળોની છાપ ઊઠતી હોય છે. ભૂતકાળના ઇતિહાસને તપાસીને તમે વર્તમાનને ઘડી શકો છો. ભૂતકાળના દીવાથી વર્તમાનને જોવો એ ઇતિહાસનો મૂળ હેતુ છે. દરેક વર્તમાનમાં ભૂતકાળના અવશેષો અને ભાવિનાં બીજ પડેલાં જ હોય છે. એને શોધવાં એ કેળવણીનો વિષય છે. પછી કેળવણી સમાજને માટે હંમેશાં કલ્યાણકારી જ નીવડવાથી.'
(ક્રમશ:)