દાદાજીની વાર્તા 69
દાદાજીની વાર્તા 69


દાદાજી કહે, 'હા, ઉત્તમ પ્રકારના માનવો નિત્ય યુવાન હોય છે. દેહ ભલે વૃદ્ઘ થાય, છતાં એમનો આત્મા તો હંમેશાં યુવાનીના જુસ્સાથી થનગની રહ્યો હોય છે. આ પ્રકારના સદાબહાર માનવીને મતે યુવાનીનો સંબંધ શરીર સાથે નથી, મન સાથે છે, તેઓ માનતા હોય છે કે, 'શરીર પરની ચામડી પર કરચલી પડવાથી કોઈ વૃદ્ઘ થતું નથી, પણ જ્યારે આત્મા ઉપર કરચલી અંકાય છે, અર્થાત ઉત્સાહનું અવસાન થાય છે, એ જ વૃદ્ઘત્વની સાચી નિશાની છે. 'જિંદગી ઝીંદાદિલી કા નામ હૈ!' એ ન્યાયે એમના જીવનમાં સદા ઉત્સાહ ઉછળતો હોય છે, એમની અદમ્ય ઈચ્છા- શક્તિ આગળ ઈશ્વરને પણ ઝૂકવું પડે છે. એમના આદર્શો મહાન હોય છે. 'નિશાન ચૂક માફ, પણ નહિ માફ નીચું નિશાન' એ એમનો જીવનમંત્ર હોય છે, એ ન્યાયે જગત જેવું છે તેવું કદી' એમને સંતોષ આપી શકતું નથી. અપૂર્ણ વર્તમાન જગતમાંથી કોઈ પૂર્ણ જગત સર્જવાની નિત્યની લગની હોય છે. જગત જે કાંઈ પ્રગતિ કરી શકે છે, જગતમાં જે કાંઈ નવું ઉમેરાય છે, તે આ યુવાન સદાબહાર ભગીરથ પુનિત પ્રયત્નોને લીધે જ.'
મયંક બોલ્યો, 'આવા લોકોએ જ નવી-નવી શોધો કરી છે.'
દાદાજી બોલ્યા, 'જગતમાં જે વૈચારિક પરિવર્તનો થાય છે. તેમાં પ્રેરક બળ આવા યુવાન આત્માઓનું જ હોય છે. કયે ખૂણે લપાઈને સલામત જિંદગી જીવી શકાય છે, એમ નહીં પણ જીવનને કયે મોરચે ઝઝૂમીને હું મારું જીવન સાર્થક કરું, એ જ એની લગની હોય છે.'
મયંક કહે, 'આવા લોકોમાં ભેદ પાડી શકાય ?'
દાદાજીએ જવાબ આપ્યો, 'આવા યુવાનોના પણ બે વર્ગો પાડી શકાય. એક છે આ જગત કઈ રીતે બન્યું અને બને છે, એ શોધવા અને સિદ્ઘ કરવાની મથામણ કરનારા અને બીજા છે શા માટે, શા હેતુથી, કયાં મૂલ્યોને લક્ષમાં રાખીને આ બધું ચાલે છે કે ચાલવું જોઈએ તે ખોજનારા અને કહેનારા પહેલા પ્રકારના યુવાન આત્માઓ તે વૈજ્ઞાનિકો અને બીજા પ્રકારની આત્માઓ તે તત્વજ્ઞાનીઓ.'
(ક્રમશ:)