'Sagar' Ramolia

Children Stories Inspirational Children

4.5  

'Sagar' Ramolia

Children Stories Inspirational Children

શિક્ષક થયા ને ચોક સાથે વેર?

શિક્ષક થયા ને ચોક સાથે વેર?

2 mins
399


શાળામાં આચાર્ય બન્યા પછી થોડા દિવસ સુધી વર્ગમાં જઈ ન શક્યો. એટલે અંદર રહેલો શિક્ષક ઊંચો-નીચો થયા કરે. તેને મારી-મચડીને છાનોમાનો કરવો પડે. પણ એક દિવસ તો મારું ચાલ્યું જ નહિ. પેલો શિક્ષક જીતી ગયો. ગયો વર્ગમાં. ભણાવવા લાગ્યો. ઘણા દિવસનો ઊભરો હતો ને માંડયો ઠાલવવા. પણ મને એક ટેવ. ચોકથી પાટિયા ઉપર લખ્યા પછી થોડી-થોડીવારે હાથ સાફ કરી નાખતો. મારી આ ક્રિયાને એક બાળક ખૂબ પ્રેમથી જોયા કરે. મને તો એમ કે એ ભણવા માટે ઉત્સાહી છે. બે-ત્રણ દિવસ આવું થયું.

પરંતુ એક દિવસ...! હા, એ દિવસે તે બાળકથી રહેવાયું નહિ. મને કહે, એક પ્રશ્ન પૂછું ? મને તો ખૂબ આનંદ થયો. મનમાં થયું કે, ચાલો, કોઈ તો પ્રશ્ન પૂછવા આગળ આવ્યું. એટલે મેં તરત જવાબ આપ્યો, પૂછ, પૂછ ! તો તે બોલ્યો, ના, ના ! નથી પૂછવો. મેં પૂછયું, કેમ ? વળી શું થયું ? મનમાં પૂછવાનું મન થયું છે તો પૂછી નાખ ! તે કહે, રહેવા દિયોને ! વળી તમારું છટકી જશે તો ? મેં કહ્યું, બહાનું કાઢવાનું રહેવા દે ! હું તને કાંઈ નહિ કહું. તારે જે પૂછવું હોય તે પૂછ ! પછીનો સંવાદ કંઈક આવો થયો,

તમે શિક્ષક છો ?

મેં કહ્યું, હા.

તમે ભણાવો છો ?

મેં કહ્યું, હા. 

ચોકથી લખો છો ? 

મેં કહ્યું, હા.

ચોક વાપર્યા વિના ચાલે ? 

મેં કહ્યું, ના.

તો પછી વારંવાર હાથ કેમ સાફ કરી નાખો છો ? શિક્ષક થયા ને ચોક સાથે વેર ? તમે તો પહેલી કહેવત જેવું કર્યું, પાણીમાં રહેવું ને મગર સાથે વેર ?

મને એ બાળક પ્રત્યે માન ઊપજ્યું. જરાય ગુસ્સો કર્યા વિના તેની હિંમત માટે શાબાશી આપી. મનમાં થયું, દરેક બાળક અભ્યાસ પ્રત્યે આવી આતુરતા કેળવે તો શાળા એક શ્રેષ્ઠ શાળા બની જાય. સાથે સાથે મનમાં પેલા બાળકના શબ્દો ગુંજ્યા કરતા હતા, “શિક્ષક થયા ને ચોક સાથે વેર ?” આવી રીતે બાળક પણ શિક્ષકને શીખવી જાય છે.


Rate this content
Log in