STORYMIRROR

Nayanaben Shah

Drama

2.5  

Nayanaben Shah

Drama

સમજણનું સરવૈયું

સમજણનું સરવૈયું

8 mins
524


હવે થાક લાગે છે. આ શહેરનો ટ્રાફિક એટલે તોબા. એમાંય લોકોમાં ‘ટ્રાફિક સેન્સ’ નથી. અલય એકશ્વાસે બોલી ગયો. આ બોલતી વખતે એના મોં પર થાક વર્તાતો હતો. એ વાત સમજતા એની પત્ની ઉલૂપીને વાર નાં લાગી.

ઉલૂપી ઈચ્છતી હતી કે અલયની નિવૃત્તિની ઉંમર ક્યારનીય વીતી ગઈ છે. અરે, સરકારે પણ નિવૃત્તિની ઉંમર જે નક્કી કરી છે, એ સમજી-વિચારીને કરી છે. નહીં તો, મનુષ્યના લોભનો ક્યાંય અંત નથી અને પૈસાનું તો શું છે કે જેટલો હોય એટલો વપરાયા કરે.

ઉલૂપીને થતું કે એના પતિને કહી દે કે, તમે નોકરી છોડી દો, પરંતુ એને ડર લાગતો હતો કે એનું વક્તવ્ય કદાચ એના પતિને પસંદ નાં પડે તો શું ? કદાચ અલયનો સમય ઘરમાં પસાર ના થાય તો શું ? અત્યાર સુધી તો ઘર ભર્યું ભર્યું હતું. દિકરો અમેરિકા જતો રહ્યો અને દિકરી પરણીને સાસરે જતી રહી હતી.

ઉલૂપીએ પતિ સાથે પાંત્રીસ વર્ષ વિતાવ્યા હતા. છતાં પણ એને લાગતું હતું કે એ એના પતિને સમજી શકી નથી કારણ કે પતિ સાથે બેસી એકાંતમાં વાત કરવાનો સમય જ ક્યાં મળતો હતો ? કારણ કે દરેક વ્યક્તિનો સ્વભાવ દરેક વ્યક્તિ દીઠ બદલાતો હોય. ઘણી વાર વ્યક્તિ ઘરમા સિંહ બનીને ફરતો હોય, પરંતુ ઓફીસમાં ગરીબ ગાય જેવો હોય એનાથી ઊંધું પણ હોઈ શકે, પરંતુ અલયને સમય જ ક્યાં હતો - ન તો ગુસ્સો કરવાનો કે ન તો પ્રેમ કરવાનો.

જયારે બાળકો ઘરમાં હતા ત્યારે બાળકો ક્યારેક પોતાની મુશ્કેલી પૂછી અલય પાસે ભણવા બેસી જતા. ત્યારબાદ તરત અલય લેપટોપ લઈને બેસી જતો. એની પાસે સમયનો હંમેશ અભાવ રહેતો. ઓફીસનું થોડું ઘણું કામ પણ ઓનલાઈન કરી લેતો.

ઉલૂપીની જિંદગી જ જુદી હતી. સવારથી ઊઠીને એના નિત્યકર્મમાં એટલી તો ઓતપ્રોત થઇ જતી...જાણે કે એ બહારની દુનિયા જ ભૂલી જતી. સવારે પતિનો ડબ્બો તૈયાર કરવાનો, બાળકો જમીને જતા, પરંતુ ઉલૂપી નાહી-ધોઈને રસોડામાં જતી રહેતી. પતિના ગયા બાદ સેવાપૂજા અને રસોઈ કરી બાળકોને જમાડી પોતે સફાઈ કામમાં લાગી જતી.

આમ તો ઉલૂપીને પૈસાની ક્યારેય તકલીફ ન હતી. પતિની કમાણી ઘણી હતી. પૈસાની કમી ન હતી. પરંતુ ઉલૂપીને કામવાળીનું કામ ક્યારેય પસંદ ન હતું. અલયને તો એ વાતની ખબર પણ ન હતી કે ઉલૂપી બધુ કામ જાતે કરે છે. ઉલૂપીના મોંએ ક્યારેય ફરિયાદનો એક શબ્દ પણ ન નીકળતો. બાળકો અને પતિ બધાય ઉલૂપીથી ખુશ હતા. દરેકનો સમય સચવાતો હતો. દરેક જણ એનાથી ખુશ એટલા માટે હતું કે કોઈનેય ફરિયાદ કરવાની ક્યારેય તક મળતી ન હતી. કપડાને ઈસ્ત્રી પણ સમયસર થઇ જતી.

બાકી તો ઘરનો સામાન ખરીદવાનો હોય. ઓનલાઈન ન હતું ત્યાં સુધી ઘરનો વેરો, લાઈટ બીલ, ટેલીફોન બીલ પણ એ જાતે ભરવા જતી. લાઈનમાં ઉભી રહેતી તો પણ એ ક્યારેય ફરિયાદ ન કરતી હતી. માર્કેટ જઈને શાક લઇ આવવું કે કરિયાણું ખરીદવા જવું એ જાતે જ જતી. ઉલૂપીને તો કોઈ વાહન પણ આવડતું ન હતું. બસમાં જતી અને બસમાં આવતી ક્યારેય રીક્ષામાં જતી ન હતી. એટલું જ નહી, લગ્ન વખતે વહુનાં કપડા અને દાગીના પણ એ વહુને લઈને ખરીદી આવતી હતી. દિકરીનાં લગ્ન વખતે વહેંચણીનાં કવરો, સાડીઓ, દાગીના બધીય વ્યવસ્થા એ જાતે કરતી. કોઈનેય તકલીફ આપ્યા વગર એ એકલા હાથે બધુ કરતી.

અલયને તો પૈસા આપવા સિવાય ખાસ કંઈ કરવાનું જ ન હતું. લગ્નનાં થોડા દિવસ પહેલા જ અલયે રજાઓ લીધી હતી. પરંતુ ખાસ કંઈ કામ કરવાનું બાકી રહ્યું ન હતું. પરંતુ આટલી ઝીણવટભરી તૈયારી ઉલૂપીએ કઈ રીતે કરી એવો વિચારવાનો સમય અલય પાસે ન હતો. અલયે તો બંને લગ્નમાં લોકોની ‘વાહ વાહ’ મેળવી હતી. બધા અલયની વ્યવસ્થાના બે મોંએ વખાણ કરતાં હતા.

દીકરા-દિકરીનાં લગ્ન પતાવ્યા બાદ ઉલૂપીને ઘરમાં કામ ઘણું ઓછું રહેતું હતું. લગ્ન પછી તરત દિકરો અમેરિકા જતો રહેલો. દિકરી પણ ભણ્યા બાદ તરત નોકરી કરતી હતી ત્યારે ઉલૂપી એકના બદલે બે ટીફીન તૈયાર કરતી. એણે તો ક્યારેય દિકરી કે વહુની મદદની આશા રાખી ન હતી. એ પોતે પણ માનતી હતી કે, “અપેક્ષા એ બધા દુઃખનું મૂળ છે.” એણે તો પતિ કે દીકરા-દિકરીની મદદની આશા રાખી જ ન હતી. તેથી જ સુખી હતી. બધુ ચૂપચાપ સહન કરવું એ તો જાણે કે એનો સ્વભાવ બની ગયો હતો. એ પોતે પણ માનતી કે ઝગડવા માટે તો અનેક કારણો મળી રહે છે, પરંતુ નહી ઝગડવા માટે એક જ કામ કરવાનું હોય છે કે મૌન રહેવું. તેથી તો એ ઘણી જ સુખી હતી. પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું એથી વધું સારૂ શું હોઈ શકે ?

ઘરમાં સાફસૂફી કર્યા બાદ પણ હવે ઉલૂપી પાસે ઘણો સમય વધતો હતો. એને તો પહેલેથી જ ટી.વી. કે કમ્પ્યુટરનો શોખ હતો જ નહી. પતિ હંમેશ લેપટોપ પર કામ કર્યા કરતાં હતા, પરંતુ એણે ક્યારેય પતિને કહ્યું ન હતું કે મારે પણ કમ્પ્યુટર શીખવું છે. જોકે પતિના કામમાં માથું મારવાની એની આદત ન હતી. વળી પતિએ પણ ક્યારેય પૈસાનો હિસાબ માંગ્યો ન હતો. એની પાસે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, એટીએમ કાર્ડ બધુ જ હતું, પરંતુ એ સમજી-વિચારીને ખર્ચ કરતી હતી.

બાળકો નાના હતા, ક્યારેક બીમાર પડે, કે ક્યારેક વાલીઓની મીટીંગ હોય, બધામાં એ એકલી જ જતી. એટલું જ નહીં, બાળકોને જાતે ભણાવી ટ્યુશન ખર્ચ પણ બચાવતી હતી.

ધીરે ધીરે ઉલૂપીને એકલું લાગતું હતું. મનમાં થતું પણ હતું કે પતિ નિવૃત્ત થાય તો એકબીજા સંગાથે જિંદગીનાં બાકીનાં વર્ષો વિતાવી શકીએ. પરંતુ એ નિર્ણય એના પતિએ લેવાનો હતો કે નિવૃત્ત થવું કે ના થવું.

આખરે જયારે અલયે નિવૃત્તિનો નિર્ણય કર્યો ત્યારે ઉલૂપી ઘણી ખુશ હતી. પતિ સાથે પાછલી ઉંમરમાં શાંતિથી રહી શકશે. જોકે ઉલૂપીને પોતાની ઈચ્છા બીજા ઉપર ઠોકી બેસાડવાની ટેવ ન હતી.

જયારે અલય ઘેર

રહેવા લાગ્યો ત્યારે એણે જોયું કે ઉલૂપી તો આખો દિવસ ઘરમાં કામ કર્યા કરે છે. પોતે તો અઠવાડિયે એક વાર રજા પણ ભોગવતો હતો. ત્યારે ઉલૂપી જાતજાતની વાનગીઓ બનાવી પતિને જમાડતી હતી અને ભારે ભોજન બાદ અલય સુખેથી સૂઈ જતો.

પરંતુ હવે તો અલય જોતો કે આ બધી વાનગીઓ બનાવવામાં પુષ્કળ મહેનત પડે છે. અને આ બધુ કર્યા બાદ પાછળથી સાફસૂફી કરવી પણ અઘરી હતી. થોડા દિવસો સુધી તો અલય નિવૃત્ત થયો એટલે મળવા આવનારની સંખ્યામાં પણ વધારો થતો ગયો ત્યારે પણ ઉલૂપીએ બધાને ચા-નાસ્તો પ્રેમથી કરાવ્યા હતા. થાક શબ્દ તો જાણે કે એના જીવનનાં શબ્દકોષમાં હતો જ નહી, પરંતુ અલયને આટલાં વર્ષોમાં જે નહોતું સમજાયું એ હવે આ નિવૃત્તિનાં સમયમાં સમજાયું. મનમાં થતું હતું કે પોતે તો આરામદાયક નોકરી કરી. જિંદગીમાં બધી જાતની જે સગવડ ભોગવી એ બધુ આ આદર્શ પત્નીને કારણે જ થયું છે. પરંતુ આ વાત એને હજી હમણા લગ્નનાં આટલા વર્ષો બાદ સમજાઈ હતી. કારણ કે ઘર સંસારમાં અલયે ક્યારેય માથું માર્યું ન હતું તથા ઉલૂપીને જેટલા પૈસા વાપરવા હોય એટલા વાપરવાની છૂટ હતી.

ઉલૂપીતો પોતાની રીતે ઘડાયેલી જ હતી. એણે તો અલયની નિવૃત્તિ બાદ શાક લેવા માર્કેટ જાય ત્યારેય પણ અલયને કહ્યું ન હતું કે તમે હવે નિવૃત્ત છો તો તમે મને સાથે લઇ કારમાં ચલો; જલદી પાછા આવી જવાશે.

પરંતુ જયારે ઉલૂપી થેલો ભરીને શાક લઈને આવી ત્યારે અલયે કહ્યું, “ઉલૂપી, તું છેક ત્યાં ગઈ હતી તો મને કહેવું હતું ને માર્કેટ જવું છે, તો હું તને કારમાં લઇ જાત. હવેથી તારે મને કહેવાનું, આવી રીતે તડકામાં આટલું બધુ વજન ઊંચકીને આવવાનું નહી.” ઉલૂપી પતિ સામે જોઈ જ રહી. ક્યારેય એના પતિએ એના વિશે વિચાર્યું ન હતું અને હવે તો જાણે કે પતિને ઉલૂપી સિવાય કંઈ વિચારવાનો સમય જ ન હતો. એવામાં થોડાક જ દિવસો બાદ ઉલૂપીને ચાલવામાં થોડીક તકલીફ હોય એ વાત જોનારને તરત ખબર પડી જાય એવી હતી. તો પણ ઉલૂપીએ એ વિષે પતિને ફરિયાદ કરી નહીં. કારણ ફરિયાદ કરવાનું એના સ્વભાવમાં જ ન હતું.

પરંતુ એક વખત અલય જ ઉલૂપીને આગ્રહ કરી ડોક્ટર પાસે લઈ ગયો ત્યારે ખબર પડી કે ઉલૂપીને ઘસારાની અસરને કારણે દુઃખાવો થાય છે અને એના કારણે જ એ બરાબર ચાલી શકતી ન હતી. ડોકટરે દવા ઉપરાંત ઘણાં બધા સૂચનો આપેલા કે, ‘હવેથી પલાંઠી વાળવાની નહીં, નીચે બેસવાનું નહીં, નીચા વળીને કામ કરવાનું નહીં. બને તેટલો આરામ કરવાનો. દરરોજ ચાલવા જવાનું વગેરે...વગેરે...’ એ રાત્રે અલયે જ યાદ રાખી ઉલૂપીને દવા આપી. બીજે દિવસે ઉલૂપી જે પાંચ વાગે સવારે ઉઠવાની ટેવવાળી એ રાત્રે ઊંઘની દવાને કારણે સવારે છ વાગ્યા સુધી સૂઈ રહી હતી. એ જયારે નિત્યકર્મથી પરવારી ત્યારે ડાઈનીંગ ટેબલ પર ચા તૈયાર હતી. એ સમજી શકતી ન હતી કે દૂધ, ચા, ખંડ ક્યાં મુક્યા છે એ પણ પતિને ખબર ન હતી તો ચા ક્યાંથી તૈયાર થઇ ?

અલય ઉલૂપી સામે જોઈ હસીને બોલ્યો, “આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. હવે ઈન્સ્ટન્ટ ચાનાં પેકેટ મળે છે. ગરમ પાણીમાં નાંખીને હલાવી કાઢવાના, ચા તૈયાર. તારે ઉઠીને તરત ચા જોઈએ છે અને મને પણ એ જ ટેવ છે. કાલે જ હું થોડા પેકેટ લઇ આવેલો.”

અલયનું આ નવું સ્વરૂપ હતું. ત્યાર બાદ ઉલૂપી નાહીને નીકળી કે તરત એના નવા બુટ તૈયાર હતા. અલય બોલ્યો કે, “ઉલૂપી, ડોકટરે તને ચાલવાનું કહ્યું છે એટલે કાલે બજારમાં જઈ હું તારા માટે સ્પોર્ટ્સ શુઝ લઇ આવ્યો. તારા ચંપલ જોડે લઇ ગયેલો એટલે એ માપેમાપ લઇ આવ્યો. હું તો તૈયાર જ છું ચલ. આપણે બંને સવારના ઠંડા પહોરે ચાલવા જઈએ. નજીકમાં મંદિર પણ છે, દર્શન પણ કરતા આવીશું.” જયારે ઉલૂપી ચાલીને આવી ત્યારે એનો પૂજાપાઠનો સમય તો થઇ ગયો હતો. એ પૂજાની રૂમમાં ગઈ તો એના આશ્ચર્ય વચ્ચે મંદિરમાં નાનું ટેબલ મુકવામાં આવેલું. અલયે કહ્યું, “ઉલૂપી, હવે તું આ નાના ટેબલ પર બેસીને જ પૂજા કરજે. પલાંઠી વાળીને નહીં, હવે આ ટેબલ આપણી પૂજાની રૂમમાં જ રહેશે.”

ઉલૂપી જમીને ઊઠી કે તરત કામવાળી બાઈ આવી ગઈ. ઉલૂપીએ કહ્યું, “મેં કામ નથી બંધાવ્યું.” ત્યારે અલયે કહ્યું, “હવેથી તારે કચરા-પોતા કે વાસણ કરવાના નથી. કપડા તો વોશિંગ મશીનમાં ધોવાય જ છે ને ? તેથી જ મેં બાજુવાળાને કહેલું કે તમારી કામવાળી હવેથી અમારે ત્યાં કાયમ માટે કામ કરશે. હવે આપણે એને છોડવાની નથી.”

ઉલૂપીની આંખમાં આંસુ આવી ગયા. એનો પતિ આટલો બધો પ્રેમાળ હતો એની એને અનુભૂતિ થવા લાગી. પોતે તો પતિના વિશે એમ જ વિચારતી હતી કે એનામાં મસ્ત રહેનાર માણસ છે, પણ એ આટલો બધો પ્રેમાળ છે, એવી એને ક્યાં ખબર હતી ? 

ઉલૂપીની આંખમાં આંસુ જોઈ એનો પતિ બોલી ઊઠ્યો, “ઉલૂપી, તું મનમાં કંઈ પણ ઓછું ના લાવીશ. હું તારા માટે કંઈ પણ કરું છું એ કંઈ ઉપકાર નથી. નિવૃત્તિ બાદ હું સતત જોતો રહ્યો કે તું ઘરમાં કેટલું કામ કરે છે અને આખી જિંદગી તે મારા માટે કેટકેટલું કર્યું. હું તો આંકડાનો માણસ છું. હું તો દર વર્ષે નફા-નુકશાનનું સરવૈયું બનાવતો હતો, પરંતુ જિંદગીમાં જયારે મેં જિંદગીનું સરવૈયું બનાવવાનું વિચાર્યું ત્યારે ખબર પડી કે મેં તો તારા માટે, તારા સમર્પણના બદલમાં કંઈ જ કર્યું નથી. હવે ઉલૂપી, મારે તારા માટે જીવવું છે, તને ભરપુર સુખ આપીને જીવવું છે. સરવૈયામાં બંને બાજુ સરખી હોવી જોઈએ. તેં તો જિંદગીમાં બધાંને બધુ જ આપ્યું છે. માત્ર અમે જ તને કંઈ આપ્યું નથી. મારી નિવૃત્તિએ તો મને સમજાયું કે સરવૈયું બનાવવા માટે બંને પક્ષે સમજણ હોવી જોઈએ. હવે મારે બંને બાજુ સરખી કરવી છે અને હવે મારે બનાવવું છે સમજણનું સરવૈયું.” 


Rate this content
Log in

Similar gujarati story from Drama