Dina Vachharajani

Drama

4.7  

Dina Vachharajani

Drama

સમજણ

સમજણ

5 mins
95


મેગેઝીનના પાના અને ટીવીના રીમોટની વચમાં અટવાતી, અલસાતી બપોર માંડ પૂરી થઈ. સુસ્તી ઉડાડવા હાથમાં કોફીનો કપ લઈ ડાઈનીંગ ટેબલ પર બેઠેલી સોનાલીનું મન સાંજના ડીનર- મેન્યુ ની ભાંજગડમાં પડેલું પણ શું બનાવવું એ કંઈ સૂઝતું નહોતું.

શીટ્! સોહમ ની નવી જોબ લાગી ત્યારથી લાઈફ સાવ બોરીંગ થઈ ગઈ છે. એને એટલું કામ રહે છે કે આઉટીંગ પણ નથી થતું. પછી વેકેશન માટે આઉટ સ્ટેશન જવું તો બહુ દૂરની વાત છે ! હવે તો ગમે તેમ કરી ને એક -બે દિવસ માટે ફરવા જવું જ છે....આ બોરીંગ રુટીનમાંથી તો છુટ્ટી મળે.....સાંજે સોહમને પણ એણે અલ્ટીમેટમ આપી દીધું. પણ હજી એક અઠવાડિયું તો એમ જ વીતી ગયું. સોહમને રજા લેવી મુશ્કેલ જ હતી.

આજે સોહમ ઘરે આવ્યો ત્યારે એકદમ ખુશખુશાલ હતો. સોનાલીને હગ આપતા બોલ્યો " મેડમ, ખુશ થાઓ ..તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે...આવતા વીકનેન્ડ માં અમારી કંપનીએ પૂના પાસે એક સ્ટાર પ્રોપર્ટીમાં ઓવર નાઈટ પિકનિક પ્લાન કરી છે. બે દિવસ ખાણી-પીણી ને ધમાલ ...ને મારા જેવા એક્ઝ્યૂકેટીવ્સ માટે તો ત્યાંની વિલાનું બુકીંગ છે." સાંભળતા જ સોનાલી પણ ખુશ થઈ.જલ્દી-જલ્દી જમી બંને એ રીસોર્ટની વેબસાઈટ પર ગયાં.

જંગલમાં આવેલી આ સુંદર જગ્યા ને એના નદી કિનારે આવેલા સોહામણા વિલા જોઈ ને સોનાલી તો ગાંડી જ થઈ ગઈ.. બોલી..." સોહમ.....આ વીલાની ટેરેસ તો જો કેવી નમણી છે !! બોરસલ્લી ને ચંપો એમાં ઝૂકી જાણે ગુફ્તેગુ કરી રહ્યાં છે...રાત્રે તો આપણે અહીં જ બેસીશું...ફક્ત 'હું ' ને 'તું' ...."

સોહમ પણ એકદમ મૂડમાં હતો કહે "સોનાલી આ ગ્રુપ માં તું પહેલી વાર જ આવીશ ...યૂ હેવ ટુ લૂક યોર બેસ્ટ...જોઈએ તો નવા ડ્રેસીસ ખરીદી લે જે...."

પિકનિકને દિવસે બધાં પોતપોતાની રીતે રિસોર્ટમાં ભેગા થવાના હતાં. સોહમ-સોનાલી પોતાની કારમાં ત્યાં પહોંચ્યા ત્યારે ઘણાં કપલ્સમાં કે સીંગલ હોય તો તેમ પહોંચી ગયા હતાં. એમનાં પહોંચતા જ જે જુનિયર્સ વ્યવસ્થા સંભાળતાં હતાં, એ વેલકમ કરવા અને એમનાં વિલાની ચાવી દેવા પહોંચી ગયાં. સોહમ સાથે સોનાલીને પણ સૌ એ ઉમળકાથી આવકાર આપ્યો....એકે સોનાલીના હાથમાંથી બેગ લઈ લીધી. બીજો પણ વિલા સુધી મૂકવા આવવા તૈયાર થઈ ગયો.....મેડમ..મેડમ કરતાં બંનેની જીભ નહોતી સૂકાતી.

આ લોકો સોનાલી ને કંઈક વધારે ભાવ આપી રહ્યાં છે....વિચારતાં સોહમે, સોનાલી સામે ધ્યાનથી જોયું...લાઈટ બલ્યૂ જીન્સ, ખૂલતું સફેદ ટોપ, છુટ્ટા વાળ....સોનાલી સુંદર લાગી રહી હતી.

ફ્રેશ થઈ બંને બ્રેકફાસ્ટ માટે ગયા....ચીઝ સેન્ડવીચ, ગરમ -ગરમ ઢોસા આવી પોતાની ફેવરીટ આઈટમ જોઈ સોહમ તો તૂટી જ પડ્યો..સોનાલી ફ્રુટ્સ ને કોર્નફ્લેક્ષ લઈ લોકોને મળતી રહી..થોડીવારમાં તો એની ખાસ્સી ઓળખાણ થઈ ગઈ. નાસ્તો પતાવી બધા એ પુલમાં સ્વીમીંગ કરવાનું નક્કી કર્યું. સોનાલી તો કોસ્ચ્યુમ પહેરી તરત તૈયાર થઈ ગઈ. સોહમ નું પેટ ખૂબ ભરાયેલું હોવાથી એણે થોડીવાર પછી ચેન્જ કરી પુલમાં પડવાનું નક્કી કર્યું. હવે સોનાલી ને પણ એના વગર પુલમાં પડવાનો સંકોચ થતો હતો પણ સોનાલીના નવા -નવા થયેલાં ફ્રેંડ્સ એને હાથ પકડી ખેંચી જ ગયાં ને પછી શરુ થઈ ધમાલ-મસ્તી....મુક્ત મને લોકોની ચાહના મેળવી મજા કરતી સોનાલી ને સોહમ જોઈ જ રહ્યો...સુરેખ, પાતળું શરીર, સપાટ પેટ ને લીસ્સી ચમકતી ત્વચા.....અચાનક એનો હાથ પોતાના પેટ પર ગયો ને ગોળાકાર વધેલી ફાંદ સાથે અથડાઈ જાણે ભોંઠો પડ્યો.

થોડી-થોડી વારે સોનાલી એને કોસ્ચ્યુમ પહેરી પુલમાં પડવાનો આગ્રહ કરતી જ રહી પણ ખબર નહીં કેમ ? આજે એને મન જ ન થયું. એ તો લાઉન્ઝમાં બેસી મિત્રો સાથે ગપ્પાં મારતો જ રહ્યો. જો કે એનું મન તો સોનાલી ને પ્રશંસા ભરી નજરોથી નિહાળતી નજરોનો પીછો જ જ કરતું રહ્યું.

લંચ..ગેમ્સ ..અંતાક્ષરી પછી સાંજે પ્રોપ્રર પાર્ટી હતી...કંપનીના GM પણ આવવાના હતા. રેડ પાર્ટી ડ્રેસ માં સ્ટનીંગ લાગતી સોનાલી એ બધાના આગ્રહથી GM નું બૂકે આપી સ્વાગત કર્યું ને પછી શરુ થયો ડાન્સ નો દોર......સોનાલી-સોહમ બંનેને ડાન્સનો ખૂબ શોખ..એટલે ફ્લોર પર સૌથી પહેલાં એ બંને જ પહોંચ્યા ..પણ પછી તો છટાથી નાચતી સોનાલી સાથે તાલ મિલાવવા ઘણાં એ આગળ આવ્યા ને સોહમને "એસક્યૂઝ મી" કહી સોનાલી સાથે સ્ટેપ્સ લેવા લાગ્યા. ખુદ GM એ પણ થોડીવાર સોનાલી સાથે ડાન્સ કર્યો. સોહમના ઘણાં મિત્રો સીધી કે આડકતરી રીતે આટલી સ્માર્ટ -સુંદર પત્ની મેળવવા બદલ એને અભિનંદન પણ આપી ગયાં.....આખરે દિવસ પૂરો થયો.

વિલામાં પગ મૂકતાં જ સોહમ શાવર લેવા બાથરૂમમાં ઘૂસી ગયો...અડધા કલાકે બહાર આવ્યો એટલે સોનાલીએ એનો નાઈટ ડ્રેસ તૈયાર રાખેલો એ જોઈ ભડક્યો.." અરે ! આવી જગ્યામાં શોર્ટ્સ ને ટી શર્ટ લાવવાના હોય કે આવો ડ્રેસ? કંઈ પ્લાનિંગ જ ન આવડે..." સોનાલી એક ક્ષણ એને તાકી રહી ને પછી પોતે શાવર લેવા બાથરૂમ તરફ વળી કે સોહમ પાછો બોલ્યો ..." હવે તારી ટેવ મુજબ જોરજોરથી બાથરુમ સીંગીંગ અહીં ન ચાલુ કરતી.."

સોનાલી નહાઈને બહાર આવી ત્યારે સોહમ કોઈ બુક વાંચી રહ્યો હતો...એની પાસે જઈ એના વાળમાં આંગળા પોરવતાં બોલી..." હું મસ્ત કોફી બનાવું છું..એ લઈને ચાલ, આપણે ટેરેસમાં બેસીએ...પેલા ચંપા ને બોરસલ્લીની ......." વાક્ય પૂરું કરે એ પહેલાં તો સોહમ તાડૂક્યો " આટલું નાચી ને થાકી નથી? તે હજી ટેરેસમાં બેસવું છે ? આય અમ ટાયર્ડ..હું સૂઈ જાઉં છું...." સોહમની અજાણી લાગતી એ પીઠ ને તાકતી, સ્તબ્ધ સોનાલી પણ પછી પલંગને બીજે છેડે પીઠ ફેરવી ગઈ.

અઠવાડિયા પછી દીવાળી આવતી હોવા છતાં ભારજલ્લા વાતાવરણમાં જ થોડા દિવસ વીત્યા..ધનતેરસને દિવસે થોડે દૂર રહેતી બહેનને ત્યાં પૂજા હોવાથી સોનાલી સવારથી જ ત્યાં પહોંચી ગઈ હતી. સાંજે ઓફિસેથી ત્યાં પહોંચેલા સોહમે આટલા બધા લોકો અને આનંદ-મસ્તીથી ફેસ્ટીવ વાતાવરણમાં પણ ઉદાસ લાગતી સોનાલી ને જોઈ. નિસ્તેજ લાગતાં એના મુખને જોતાં જ સોહમનાં હૃદય માં જાણે એક ચીરાડ પડી..

એને થયું આજે આડત્રીસ વર્ષે પણ અઠ્ઠાવીસની લાગતી સોનાલીએ જીમ--હેલ્ધી લાઈફ સ્ટાઈલથી પોતાને કેટલી સુંદર રાખી છે...! !જ્યારે બેતાલીસે પહોંચતા જ, મોટા પેટ ને ભારે શરીર સાથેનો પોતે ?? .....તો પણ એ મને કેટલો પ્રેમ કરે છે!! પિકનિક ને દિવસે બધાં એનો સાથ ચાહતા હતાં એમાં એનો શું વાંક? એ છે જ એટલી સ્માર્ટ ને સુંદર!! મેં એને કેટલી હર્ટ કરી .......ને અચાનક ....પૂજા માટે કોડીયાં પ્રગટાવી રહેલી સોનાલી પાસે જઈ લાગણી નીતરતાં સ્વરે એ બોલી ઉઠ્યો..." સોનાલી...."

સોહમની આંખોમાં ઝાંકતી સોનાલીએ અસંખ્ય કોડીયાંનો ઉજાસ ત્યાં પથરાયેલો જોયો. એ ઉજાસમાં એણે સોહમનાં મનને વાંચી લીધું.

બીજી જ પળે ચંપા પર ઝૂકતી બોરસલ્લીની જેમ સોહમ પર ઝૂકતાં, સોનાલી નું મન જાણે કહેતું હતું ..

સમય ને સંજોગ તો તે દિવસે હતાં... પણ 'તું ' ને 'હું' ક્યાં હતાં !!??...

પ્રેમની શગ તો જ સંકોરાય જો તેમાં 'સમજણ' નાં ઈંધણ પૂરાય......

અને...બંનેએ સાથે મળીને પ્રગટાવેલ કોડીયાંઓથી આખું વાતાવરણ ઝગમગી ઉઠ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama