Dilip Ghaswala

Romance

1.0  

Dilip Ghaswala

Romance

સ્મિત ખુશીનું

સ્મિત ખુશીનું

6 mins
464


આમ તો એનું નામ ખુશાલી પણ બધા એને લાડમાં ખુશી જ કહે.. ખુશી જયારે અઢાર વર્ષની થઇ,ત્યારે એના પિતા એ એને સ્માર્ટ ફોન ભેટમાં આપ્યો હતો. ખુશીની ખુશીનો પાર નહોતો. ભણવામાં ખુબ હોશિયાર, હર હંમેશ હસતો ચહેરો , આંખોમાં ઝીલમીલાતી આંકાંક્ષાઓ સાથે ખુશી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. માધ્યમ વર્ગમાં મોટી થયેલી ખુશાલી ખુબ ચંચળ અને અત્યંત મહત્વકાંક્ષી હતી. અત્યંત પ્રેમાળ કુટુંબમાં ઉછરેલી ખુશાલીના ઘરના તેમજ સગાવહાલા બધા જ સુશિક્ષિત અને ઘડાયેલા હતા. ઘરમાં માતા પિતા અને એક નાનો ભાઈ હતા. તેનો નાનો ભાઈ દસમાં ધોરણમાં ભણતો હતો. ખુબ ખુશીથી ખુશાલીનું જીવન વ્યતીત થતું હતું. 


રૂપરૂપના અંબાર એવી ખુશાલી ગૌર વર્ણ ઊંચું કદ, સુવ્યવસ્થિત ડ્રેસિંગ, લાંબા કાળા વાળમાં ખુબ જ સુંદર લાગતી હતી. તેના ગાલ થોડા ઉપસેલા અને હશે તો ખંજન પડે, નાક સપ્રમાણ અણીદાર, કાળી ઘાટી ભ્રમર અને એનો વળાંક તેની ખુબસુરતીમાં વધારો કરતા હતા. ગુલાબી અણિયાળા હોઠનું તો કહેવું જ શું ? એ બંને પાંખડીઓ અલગ પડે કે જાણે મોતીઓ ઝરે...ભણવામાં હોશિયાર એવી ખુશાલીની વાકચાતુર્યથી તેના દરેક મિત્રો અંજાય જતાં. કોલેજના પ્રથમ વર્ષમાં જ તેનું ઘણું મોટું મિત્ર વર્તુળ બન્યું હતું. બધામાં ખુશી કેન્દ્ર સ્થાને હતી. દરેક જણ જમાના સાથે અપડેટ થતા થતા વોટ્સ એપ પર એક મજાનું ગ્રુપ બનાવ્યું હતું. સ્મિત, હા સ્મિત પણ એ જ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એક દિવસ સ્મિતની નજર કોલેજ લાઈબ્રેરીમાં પુસ્તક વાંચતા ખુશાલી પર પડી. તેને જોતાં જ તે ખુશાલીના પ્રેમમાં પડી ગયો હતો. એક દિવસ તેણે હિમ્મત કરી ને ખુશાલીને રસ્તા વચ્ચે રોકી તેણે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. ગૌર વર્ણ, આકર્ષક શરીર સૌષ્ઠવ અને સિંહ જેવી ચાલ જોઈ ખુશી પણ આકર્ષિત થઈ ગઈ હતી. ખુશીએ પહેલા તો ઇન્કાર કર્યો પછી દિવસો વિતતા તેણે ક્યારે ઈકરાર કર્યો એની એને પણ ખબર નહોતી પડી. તે ગળાડૂબ સ્મિતના પ્રેમમાં હતી. બંને યુવાન હૈયાઓ એક સાથે ધડકતા હતા..!!! સ્મિત પણ ઘણો કૅરિંગ અને લવીંગ સ્વભાવનો હતો. ખુશીની દરેક નાની નાની વાતોનું એ ધ્યાન રાખતો હતો. એકબીજાના વોટ્સ એપ નંબરની આપ લે થઇ ગઈ. પછી તો પૂછવું જ શું? બંને રાત્રે મોડે સુધી ચેટ કરતા હતા. કદીક મોબાઈલ પર તો કદીક લેપટોપ પર મળતા રહ્યા, કદીક કોલેજ કેન્ટીન, તો કદીક કોલેજથી થોડે દુર આવેલા બગીચામાં મળતા રહ્યાં. પારિજાત અને રાતરાણીની જેમ બંનેનો પ્રેમ દિવસ રાત પાંગરી રહ્યો હતો. બંને યૌવનની પાંખો લઇ ગગને વિહરતા હતા. સ્પંદનો હવે બંનેના એક થઇ ચુક્યા હતા.


એક દિવસ ખુશી ખુબ બેચેન હતી. તે દિવસે સ્મિત કોલેજમાં એને દેખાયો નહોતો. ન તો એનો કોઈ કોલ આવ્યો કે ન તો કોઈ મેસેજ. પહેલા તો મેસેજ મોકલતી તો એક કાળી ખરાની પહેલા ડબલ થતી અને પછી તરત જ ભૂરા રંગથી રંગાઈ જતી. અને એના મનમાં રંગીન પતંગિયા ઉડાઉડ કરવા લાગતા હતા. થોડા દિવસ પછી તો તે કાળી ખરાની એક જ નિશાની પહોચતી હતી. તો પછી ભૂરા રંગની થવાનો તો સવાલ જ નહોતો. એને લાગ્યું જાણે એમના પ્રેમના કેનવાસ પર કોઈએ કાળી શાહી ઢોળી દીધી. એ મનમાં વિચારતી હતી કે ક્યાં ગયો હશે મારો સ્મિત..વોટ્સ એપ પર મને બ્લોક કરી હશે ? શું એણે ફેસબુક મેસેન્જર જેવી તમામ સાઈટ અન ઇન્સ્ટોલ કરી હશે ? કોલ કરે તો એક જ વોઈસ મેસેજ સંભળાય , “ આ નંબર અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવ્યો છે”.

આમ કરતાં મહિનો થઇ ગયો હવે ખુશીની તમામ ખુશી છીનવાઈ ગઈ હતી. તે ખુબ જ બેચેન રહેવા લાગી. તે વારંવાર વોટ્સ એપ મેસેન્જર ચેક કરવા લાગી. અને કરગરતી રહી “પ્લીઝ સ્મિત hi ખુશી નો મેસેજ કર”. પરંતુ સ્મિત ના કોઈ મેસેજ કે સમાચાર મળતા નહોતા. દિવસે દિવસે એની માનસિક સ્થિતિ બગડવા લાગી. અર્ધ પાગલ જેવી થઈ ગઈ હતી. હવે તો તે અચાનક કોઈની રીંગ સંભળાય તો પોતાનો કોલ આવ્યો સમજીને દોડીને પોતાના મોબાઈલ પર સ્મિત સાથે કાલ્પનિક વાતો કરવા લાગી. ઘડીક મોબાઈલ તો ઘડીક લેપટોપ તરફ દોટ મુકતી હતી. તેનું દિલ એ સ્વીકારવા તૈયાર જ નહોતું કે તેના પ્રાણ પ્યારા સ્મિતે તેની સાથે પ્રેમ ભંગ કર્યો છે.


ધીરે ધીરે તેનું વર્તન અસામાન્ય બનવા લાગ્યું. કોલેજમાં પણ કોઈની સાથે બોલતી નહોતી. સુનમુન બેસી રહેતી. ધીમે ધીમે સહેલીઓનો પણ સાથ ગુમાવતી રહી. કોલેજની પરીક્ષામાં પણ અવ્વલ નંબર રહેતી ખુશી અનુત્તીર્ણ થવા લાગી. કોલેજના આચાર્ય એ ખુશીના માતા પિતાને બોલાવી એના વર્તનના પરિવર્તનથી વાકેફ કર્યા. આ સાંભળી તેઓ ખુબ ચિંતિત થઇ ગયા. આસપાસ પડોશમાં મિત્રવર્તુળમાં પણ ખુશીની સારી નરસી વાતો થવા લાગી. એક દિવસ તેના પિતાએ તેને ખુબ વહાલથી પૂછ્યું હતું. પરંતુ જવાબ આપવાની જગ્યા એ તેમની સામે અનિમેષ નજરે તાક્યા કર્યું. પછી તેના પિતાએ તેનો મોબાઈલ તેનું લેપટોપ ચેક કરતાં બધી હકીકત જાણી લીધી હતી. તેની માતા તો ગુસ્સાથી તેની પર પ્રશ્નો નો તોપમારો ચલાવ્યો. પણ ખુશી તો નિર્લેપભાવે તેને સાંભળી રહી. તેની માતા ખુબ ખીજાઈ ખુબ વઢી પરંતુ એક નિષ્પ્રાણ પત્થરની જેમ ખુશી તો પડી રહી. પણ તેના મનમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. તે જાત સાથે સતત મનોમંથન કરતી કે કેમ ?કેમ ? સ્મિતે મારી સાથે દગો કર્યો હશે?? જવાબ આપ સ્મિત ક્યાં છે તું ?? તારી ખુશી ની ખુશી છીનવાઈ ગઈ છે. મેસેજ કર સ્મિત મેસ્જ કર અને એના એક પણ સવાલનો જવાબ એને મળતો નહોતો. હવે તો એને આપઘાત કરવાના વિચાર આવવા લાગ્યા. નદીના પુલ પરથી છલાંગ મારવાના વિચારો, ઝેર ગટગટાવી જવાના વિચારો એવા તો સેંકડો વિચારો એની જાતને અજગર ભરડો લેતા હતા. અને એક દિવસ તો તેણે ગળે ફાંસો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. પ્રેમમાં નિષ્ફળ જનારની આવી જ દશા થાય છે એમ તેના માતાપિતા લાચાર થઈને વિચારી રહ્યાં હતા. તેમને ખુશી માટે ઘણી દવાઓ કરી દુઆઓ કરી. એની માતાએ તો બાધા આખડી પણ કરી. પરંતુ ખુશીને કોઈ દવા કે દુઆ અસર કરતા નથી.  


તેના પિતાએ છેવટે કોઈ સારા મનોચિકિત્સક ને બતાવવાનો નિર્ણય કર્યો. શહેર ના એક ઉચ્ચકોટીના જાણકાર મનોવૈજ્ઞાનિક ડોકટરનો તેમણે સમ્પર્ક કર્યો. ડોકટરે ખુશીનું કાઉન્સેલિંગ કરીને એ નિદાન પર આવ્યાકે ખુશીને શોક ટ્રીટમેન્ટ ની જરૂર છે. પહેલા તો માતાએ વિરોધ કર્યો કે “મારી દીકરી ગાંડી થોડી છે કે ઇલેક્ટ્રિક શોટ આપવા પડે ?” પરંતુ ડોકટરે ખુશીના પિતાને પ્રેમથી સમજાવ્યું કે આના સિવાઈ કોઈ રસ્તો જ નથી..અને આ શોક ટ્રીટમેન્ટ તમે માનો છો એવું નથી..સરળ ને ઉપચારદાયક છે. પછી તેના માતા પિતા ઉપચાર કરાવવા તૈયાર થયા. અને ડોકટરે ખુબ જ સફળતા પૂર્વક શોક ટ્રીટમેન્ટ આપી ને તેઓ એમાં સફળ પણ થયા. 


હવે તે પાછી પહેલાની જેમ નોર્મલ રહેવા લાગી હતી. પણ હવે તે થોડી ગંભીર એવી વ્યક્તિ બની ચુકી હતી. હવે તેને તેણે કરેલી ભૂલ સમજાઈ હતી. અને એટલે જ હવે એ ફક્ત અભ્યાસમાં જ ધ્યાન આપતી હતી. હવે તેનું લક્ષ્ય કારકિર્દી જ હતું. તે અભ્યાસમાં તનતોડ મહેનત કરવા લાગી. હવે તે પ્રેમના વળગણમાંથી છૂટી ગઈ હતી. તેની હાર ને જીતમાં પલટાવી નાખી હતી.અને વાર્ષિક પરિણામમાં તે યુનિવર્સિટી માં ટોપ ટેનમાં આવી. 

અને એક દિવસ તે કોલેજથી ઘરે આવતી હતી ને અચાનક પાછળથી પરિચિત અવાજ સંભળાયો...” હાઈ ખુશી....!!!!! ” તેનું દિલ એક પલ માટે તો એક ધબકારો ચુકી ગયું....પાછળ ફરીને જોયું તો સ્મિત હતો.


ખુશી પોતાના સજળ નેત્રોને સ્મિત જુએ ના તે રીતે સાફ કર્યા. અને બિલકુલ સ્વસ્થ થઈ ને પ્રતિ પ્રશ્ન પૂછ્યો... “ આપ કોણ ? શું આપ મને ઓળખો છો ? હું નથી ઓળખતી આપને માફ કરશો...અને એક છણકો કરીને ત્યાંથી સરકી ગઈ..

અને સ્મિતની હૈયાની વાતો હોઠમાં જ ધરબાઈ ગઈ..અને એની આંખોમાંથી એક અશ્રુ ખરી ગયું..સ્મિતની ખુશીનું.


Rate this content
Log in

Similar gujarati story from Romance