દિલ
દિલ


"એ રામી અહીં શરબત લાવ તો. શરબત આપ્યા પછી પાછું નાસ્તા માટે તને યાદ ન કરાવું પડે. ધ્યાન રાખજે." મેઘાબા તેમના એકના એક દીકરા કુંવરપ્રતાપસિંહના લગ્નમાં અત્યંત ઉત્સાહિત થઇ દરેક નાના-મોટા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. અને રામીના પગે જાણે પૈંડા મુકાવ્યા હોય તેમ ચલક-ચલાણી રમતી ચારે દિશામાં કોઈની બૂમની રાહ જોયા વગર દોડતી હતી.
જમીનદાર બહાદુરસિંહના અવસાન પછી તેમના એકમાત્ર વારસદાર કુંવરપ્રતાપસિંહનો ઉછેર રાજકુમારથી જરીકે ઉતરતો ન થાય તેની મેઘાબાએ કાળજી રાખી હતી. કુંવરપ્રતાપનું રૂપ અને વાન જમીનદારના ઘરની શાખામાં વધારો થાય એવા. ઓસરતી જતી જાહોજલાલી કુંવરપ્રતાપની નજરે ચડી. એટલે ભણી કોઈ સારો ધંધો કરી આર્થિક સધ્ધરતા કેળવાય અને સાથે નામને જરાપણ આંચ ન આવે એ હેતુથી અમેરિકા ભણવા ગયા. અમેરિકાથી "વેસ્ટ વોટર મેનેજમેન્ટ" ની માસ્ટર્સની ડિગ્રી લઈને આવ્યા. ગામમાં ગંદા પાણીને શુધ્ધ કરવા માટે મોટો પ્લાન્ટ નાંખ્યો ત્યારથી તેમની શાખ તો ગામથી આખા દેશમાં પ્રસરી ગઈ. છોકરીઓના માગાની અગણિત વર્ષા થવા લાગી. પણ મેઘાબા લગ્નની વાત માંડે એટલે કુંવરપ્રતાપ બે દિવસ ઘરે આવવાનું ટાળી દેતા.
એકાદવાર મેઘાબા સાથે રકઝક થઇ ગઈ. "તને કેવી છોકરી ગમે છે? હવે મારાથી ઘર સંભાળાતું નથી. કામ થતું નથી."
"રામી છે ને? એને આખો દિવસ રાખી લો ? " કહી કુંવરપ્રતાપે વાત ટાળવા કામનું બહાનું બતાવી ઉભા થઇ ગયા.
આખરે મેઘાબાની જીદ સામે કુંવરપ્રતાપે નમતું મૂક્યું. પાંચ ગામ દૂર આ વર્ષે આયુર્વેદિક ડોક્ટરની ડિગ્રી મેળવેલા તેજલ એટલે કે તેજકુંવરબા સાથે લગ્ન નક્કી કર્યા. તેજકુંવરબા પણ જમીનદારનું તેજસ્વી ફરજંદ. રૂપાળા, ગુણિયલ અને સમજુ. પણ તેજકુંવરના પિતા મહેન્દ્રસિંહ આગતા સ્વાગતામાં ટૂંકા પડે તો મહેમાનો આગળ ઈજ્જત જાય એ બીકે મેઘાબાએ લગ્ન કરવા માટે છોકરીવાળાને સામા બોલાવ્યાં.
&nb
sp;આજે લગ્નની લગભગ બધી વિધિ સંપન્ન થવા આવી હતી. મેઘાબા વારેઘડી આ જોડીને જોઈ મલકાઈ રહ્યાં હતાં. બહાદુરસિંહને યાદ કરી ભીની આંખે આકાશે જોઈ બબડ્યાં ,"જુઓ મેં મારી બધી જવાબદારી પૂર્ણ કરી છે. દીકરાને લાયક બનાવી ઘરને છાજે એવી વહુ લાવી દીધી. હવે કોઈ ફરિયાદ નથીને?"
નવ દંપતીને પગે લગાડવા ગોરબાપા મંદિરે લઇ ગયા.
મહેમાનો પાછા વળવા લાગ્યાં. આવેલું કોઈ ખાલી હાથે ન જાય તેની કાળજી રાખવાનું કામ પણ મેઘાબાએ વિશ્વાસુ રામીને જ સોંપ્યું. સવારથી દોડતી રામી થાકી હવે ધીમી પડી ખાલી મંડપના એક ખૂણે બેઠી. છપ્પનભોગ સામે હતાં પણ સવારથી તેણે કઈ ખાધું નથી. "હટ્ટ કેવું નસીબ?" વિચારતી ઓઢણીથી આંખોની ભીનાશ લૂંછી ઉભી થઇ. પાછી દોડવા સ્તો !
"રામી ફાર્મ હાઉસ પર બધી તૈયારી થઇ ગઈ છે ને? મંદિરેથી આવી વહુ-દીકરા સીધા ત્યાં જ જશે. મેઘાબાના પ્રશ્નોના રામીએ માથું હલાવી જવાબ આપ્યો.
નવ દંપતી મંદિરેથી આવી પહેલા મેઘાબાને પગે લાગ્યાં. ઓવારણાં લેતા "ઘણું જીવો, ફૂલોફાલો" ના આશીર્વાદ આપી મેઘાબાએ બંનેને સાચા મોતીના હાર ભેટમાં આપ્યાં. મહેમાનોનો આભાર માની નવ દંપતી ફાર્મ હાઉસ પર જવા માટે ગાડીમાં ગોઠવાયું.
ભર..ભર.. કરતી ગાડી ઉપડી ગઈ. મેઘાબા આરામ માટે ઘરમાં પ્રવેશ્યા. રામીને હજી આરામ ક્યાં? બધી વસ્તુઓને ઠેકાણે પાડતી મેદાન ફરતી હતી ત્યારે પગે કંઈક અથડાયું. ગાડી પર થર્મોકોલના લગાવેલા બે દિલમાનું એક દિલ પડી ગયું હતું.
દિલને હાથમાં જાળવીને ઉપાડ્યું. થર્મોકોલનું લાલ ચટ્ટક દિલ કોઈકના પગ નીચે આવતાં ઘાયલ થયું હતું. આંખમાં આંસુની વાદળી છવાઈ ગઈ. દિલને દિલ સાથે લગાવ્યું. પાંસળીઓમાં એવો સળવળાટ થયો કે જાણે હમણાં દિલ કૂદીને બહાર આવી જશે. કાશ મેઘાબા સમજી શક્યા હોત આ દિલને!
હજી રામલી જાતને સંભાળે તે પહેલા પેટમાં સળવળાટ થયો અને પછી બસ થઇ આંસુઓની અનાધાર વર્ષા!