સખી
સખી
ગોમતી ઘાટે રંગબઝારની ગણિકા સારિકાની અનોખી રૂપની હાટ છે. ચોવીસે કલાક ગોમતીના નીર આ રંગ બઝારની ગલીઓના મેલ ગળી અવિરત વહેતા હતા. સંધ્યાનો સમય એટલે રંગ બઝારની સવાર. હવાની રૂખ બદલાઈ, તટ તરફ ફરેલી હોવાથી વાતાવરણમાં એક અનેરી ઠંડક પ્રસરી રહી હતી.
આજે શ્રાવણી પુનમની રાત. રંગબઝારની રાણી સારિકાએ, સમી સાંજથી સાજ સજવા દાસીઓને કામે જોતરી દીધી હતી. મોડી બપોરથી ચાલુ થયેલા ગુલાબના તેલથી અંગ મર્દન પછીના દૂધના દેઘડે સ્નાન પતાવ્યા પછી મલમલના અર્ધ પારદર્શક કપડામાં લપેટાયેલી તેની કાયા કંચન કરતાં અધિક ચળકતી હતી. આજે સોના ચાંદીની જરીનો પોશાક પહેરી તેની હાટડીની અટારીએ આવેલા ઝરૂખે બેસી માથામાં દાસી પાસે ચમેલીનું તેલ નંખાવી વાળ સંવાળતી હતી. હવે રાત્રીનો પહેલો પહોર થવાની તૈયારી હતી ત્યારે સારિકા પણ ઇંદ્રની કોઈ પણ અપ્સરાને શરમાવે તેવા રૂપ અને લટક ચાળા કરતી તેની ઊંચી અટારીએથી નીચે ગલીઓમાં તેના આજના મોઘેરા આશિકની રાહ જોઈ રહી હતી.
સારિકાની ચાંદની જેવી સફેદ કાયા, હરણજેવી આંખ, એકવડો બાંધો, પાતળી કમર, પાછો ત્રણ હાથનો કાળો ભમ્મર ચોટલો, આ અનુપમ રૂપ ઉપર સુખદેવની આણ ફરકતી હોવાથી સામાની માણસ માટે સારિકાના દર્શન પણ દોહયલા હતા. નીચે અન્ય નવાબો ઉપરાંત મહુડાનાં નશે નવાબીના તોરમાં ફરતા જાણતા હતા કે અહીં દાળ ગળવાની નથી, અને સારિકાનું મોટું મસ મો ભરવું. એ એમનું ગજું નથી. તેમ છતાય દબાયેલી આંખે સારિકાનો ઠસ્સો નિહારવાની લાલચ રોકી નહતા શકતા.
હકીકતમાં નવાબોનો શિરોમણી સુખદેવ બેસુમાર દોલતનો આસામી હતો. તેની મહેસુલની રોજીંદી આવક તેને દિન પ્રતિદિન વધુ સમૃધ્ધ બનાવી રહી હતી. આ રંગ બઝારમાં તેની ત્રીસ- ત્રીસ પાળેલી કે પોસેલી ગણિકાઓ હતી, પ્રત્યેકને ત્યાં મહિને એકવાર રાત્રિએ મુલાકાત લેતો, ઘણું ખરું બીજી ગણિકાઓને ત્યાં તેનું રોકાણ મિનિટો પૂરતું રહેતું. પણ રંગ બજારની સારિકાની વાત અલગ હતી, દર પૂનમે સુખદેવ પૂરી રાત વિતાવતો સારિકાના પાલવડે વિતાવતો. મળસ્ક્કે તેના ઘરે જવા પ્રયાણ કરતો, ત્યારે પણ તેને પ્રભાત ધૂકડું લાગતું. સારિકાએ જોયું તો સુખદેવની દાસીઓનો કાફલો માથે થાળ મૂકીને બઝારની ગલીમાં ઘૂસી ચૂકેલો હતો. એને અણસાર આવી ચૂક્યો કે, સુખદેવની સવારી હવે આવવામાં જ છે. એક નજર ગોમતી ઘાટે પશ્ચિમમાં શ્રાવણી વાદળપાછળ ઉગીરહેલા પૂનમના ચાંદ ઉપર નજર નાખી, હાથમાં રહેલા હાથીદાંતની ફ્રેમમાં જાડેલા અરિસામાં પોતાનું મુખડું નીરખી જમણા હાથની તર્જની આંગળીને ડાબી આંખમાંથી કાજલ વાળી કરી ડાબા કાન પાછળ કાળું ટીલું કર્યું.
દાસીઓનો કાફલો તેના દરવાજે આવી ચૂક્યો હતો. સામાન્ય રીતે દાસીઓ સુખદેવ તરફથી જે નજરાણું લાવી હોય તે માસીબાને સુપરત કરી બક્ષિસ લઈ ચલતી પકડતી આજે પહેલી વાત નીચે દેકારો હતો. કોઈ દાસી પોતાને મળવા માટે માસીબા સાથે મથામણ કરી રકઝક કરતી હતી. તેનો રણકાર સાથેનો આવાજ સારિકાના કક્ષ સુધી પહોચતો હતો
“માસી, મારી પાસે સમય ઓછો છે, મારી ઉપર રહેમ કરી મને સારિકા ગૌરીને એક વાર મળવા દો”.
સારિકાની હાટડીનો વહીવટ “માસી”ને હસ્તક હતો, જમાનાની ખાધેલ અને પૂરી ઝીંદગી જેણે કોઠે વિતાવી હોય તેના તાપ સામે કોઈ કેટલું ટકે ? આખરે દેકારો ધીમો પડતો હતો ત્યાં સારિકા એ ઉપરથી માસીને વિગત પૂછી,. મસીબાએ પાનને થૂંકદાનીમાં થૂંકતા કરડી આંખે બોલી.
મારી સુલુ, “ફાલતુ વાતોમાં તારા ધંધાનો મોંઘો સમય નાહક ન બગાડ. શું હોય ? આ તારા સુખદેવની નવી દાસી તને મળવાની રટ લઈને બેઠી છે, કે’છે મારે તો સારિકા ગૌરીના ગોરા પગ નિહાળી તેને પગે પડવું છે !"
સારિકાને ક્ષણીક પોતાના ઉપર ગર્વ થયો પણ લાગણીને હડસેલી બોલી
“માસી મોકલ તે મારા સુખદેવના હરમનું બૈરું છે, તો કોઈ વાર ઇનો હક બને, આમેય બૈરું આપણું શું બગાડશે. મોકલ તેની ઈચ્છા પૂરી કરવાનું સદકર્મ જતાવા દે."
ખુદ સારિકાનો આદેશ, કોણ ઉથાપે, માસીએ, કચવાતા મને, બીજી દાસીઓને કોરાણે ઊભા રહેવાનુ કહી પેલી હટે ચડેલીને સારિકા પાસે મોકલી.
સારિકાને બુરખામાં લપેટાયેલી દેહકૃતિ જોઈને સુખદેવ માટે માન થયું. આ સુખદેવ પણ ખરો. દાસી ઓને પણ ટકોરા મારી રાખે છે ને કંઇ ! તેની વિચાર યાત્રા વિરામ લે તે પહેલા તે, ઠસ્સા દાર ચાલવાળી દાસી તેની સન્મુખ આવી ચૂકેલી હતી. મોંઘા અંબરના અત્તરની મહેકથી સારિકાને લાગ્યું કે આવનાર બાઈ, દાસી તો ના જ હોઇ શકે !. તેણે ઈશારો કરી પોતાના કમરામાં બોલાવી, અને પોતે ઝૂલે બેસી. આવંગતુક બાઈ ઉતાવળમાં હતી. કદાચ પહેલાથી સમય ખરાબ થયેલો હોવાથી સમય બરબાદ કર્યા વગર ધીમા પણ નારાજગી ભર્યા અવાજે બોલી.
“અરે આ નાશવંત રૂપના ગર્વમાં ડૂબેલી, તું નારી થઈ બીજી નારીનું ઘર ઊજાડવા બેઠી છે ? પણ તને ખબર હોવી ઘટે, આ રસ ભ્રમરના ભમરા ક્યારેય ધરાતા નથી. કોઇની પણ જવાની પણ અવિચળ નથી. બસ ચંદ ચાંદની પૂરતી સિમીત હોય છે. કોઈક,‘સખી’ માટે સદભાવ રાખી, તારી ખરડાયેલી આબરૂને સુધારવાનો મોકો આજે તારે દરવાજે ટકોરા મારી રહ્યો છે. જલ્દીથી વધાવી લે”.
કહેતા તેણે પહેરેલા બુરખાની દોરી ખેંચી. તેનો પહેરેલો રેશમી બુરખો ગુલાબના ફૂલની પાંખડી પરથી ઝાકળ સરકે એમ સરકી ગયો. આવનાર બાઈનું મુખારવિંદ જોતાં જ સારિકાની આંખ ફાટી ગયી. આવું અદિત્ય સૌંદર્ય તે પહેલી વાર જોઈ રહેલી હતી. સામે ઊભેલી બાઈના તેજથી, ક્યારે તેના હાથ બાઈની સામે જોડાઈ ગયા તેનો અણસાર ત્યારેજ આવ્યો, કે જ્યારે તે બાઈએ સારિકાના હાથ પકડી પોતાની બાહોમાં જકડી.
ક્ષણિક આવેગ ઓસરતા, સારિકા તથા તે બાઈ અળગા થયા, તે બાઈ એ વાતનો દોર હાથમાં લીઘો અને કેડેથી બટવો કાઢ્યો. તેમાથી ચણી બોર જેવડા હીરા જડેલા સોનાના સંકળાની જોડ સારિકાના હાથમાં મૂકી, વિનંતીના સૂરમાં ટહેલ નાખી.
“લે સખી, આ ઘડીથી આ જોડ તારી, દર વરસે એક એક હીરો વેચજે, વગર કોઠે બેસે, તારો વૈભવ આમજ ચાલશે” તારી બાકીની આખીય જિંદગી આમજ એશો~આરામથી ગુજરશે” .
સારિકા તેના હાથમાં રહેલા ઝ્ગારા મારતા સંકળાની જોડ જોતા બોલી, “પણ કેમ ? તે મને સખી માનેલી છે, તો માંડીને વાત કર”.
સાંભાળ સખી, “હું માળવાના ધણી સારંગ દેવની દીકરી સુલક્ષણા, તારા આશિક સુખદેવની ઘરવાળી, પૂરા એકસો ઘોડાની જાન જોતરી મને પરણી આ તારો એક રાતનો આશિક, મને લખનૌ તેડી આવેલો.” આટલું બોલતા સુલક્ષણાને મોઢે ફીણ ઉમટી આવ્યા તેનો શ્વાશ ઊંચો થઈ ગયો. પાલવથી ફીણ લૂછતા તે કેડેથી એક “ચામડાની કૂપી” સારિકાને આપતા બોલી.
“હું ચંદ ઘડીની મહેમાન છું, મારી આ ઝહેરથી બદતર જીંદગીથી કંટાળીને તારા હાથમાં રહેલી “ચામડાની કૂપી”નું અડધું ઝેર મે મારા ધણી સુખદેવે પીધેલા દારૂના ગ્લાસમાં ભરી પીધેલું છે”.
“બાકીનું બચેલું છે તે, સુખદેવને પીવડાવાનું કામ તારું. ગોમતીમાં સુરજ ચાંદ તાપે ત્યાં લગી તારા રખોપા કરે એવા મારા તને આશિષ છે.“
“કોઈ તારી ઉપર આંગળી નહીં ચિંધે અને સુખદેવનું પણ કામ ચાર ઘડી પછી તમામ થઈ જશે. ચાલ સખી હું જાઉં છું. બસ એક ધડીની મહેમાન છું. મને હૈયે ખાતરી છે કે એક “સખી” બીજી સખીની અંતિમ ઈચ્છા જરૂર પૂરી કરશે”.
કહેતા બુરખો ચડાવી, પૂરા કક્ષમાં અંબરની ખુશ્બુ રેલાવતી, આવી હતી તેજ રીતે સડસડાટ નીચે ઉતરી વંટોળીયાની જેમ પાછી વળી ગઈ. ક્ષણ પહેલાનો સારિકાના રૂણે રુણે વ્યાપી વ્યાપી રહેલ ઉમંગ અને આનંદ ઉતારી ચૂકેલો હતો તેના રૂપનું , અને ગર્વનું ખંડન થઈ ચૂકેલું હતું. આજે જિંદગીમાં પહેલીવાર પોતાની જાત ઉપર ફિટકાર ઉપજતો હતો. અને બંને આંખોએ અશ્રુ ધારા વહેતી હતી.
“નવાબ સુખદેવજીને ઘણી ખમ્મા”
દરવાજે સેવિકાએ પોકારેલી છડી સાંભળી સારિકાએ પોતાની જાતને સંભાળી. સુખદેવની ચાર ઘોડાવાળી બગી, તેની હાટડીએ, આવી ચૂકેલી હતી. સારિકાએ આંખે આવતા આંસુ પરાણે રોક્યા ત્યારે સુખદેવ તેના કક્ષમાં આવી ચૂકેલો હતો. સારિકાના કક્ષમા પરિચિત સુવાસને સાથે સારિકાના મુખ ઉપર ઉદાસી જોઈ સુખદેવનો આવેગ ધીમો પડ્યો, તે બોલ્યો,
"આજે તો કઈ જુદા મહેકો છો ! કેમ આ મુખડું કરમાયેલું છે ? દિલબર કઈ ગુનો થયો છે, આ ગુલામથી ?”
“ના રે ના સુખદેવ, આ તો આજે જૂની યાદોની યાદ આવી અને મા યાદ આવી ગઈ છે, આજે તું મને એકલી ના મૂકી શકે ?
તેમ કરે તો આ સારિકા હંમેશ માટે આ દાસી તારી, અને હા હવે આજ પછી તારે મને કોઈ નજરાણું મોકલવાની જરરૂ નથી.”
"ઑ હો, આમાં શું મોટી વાત, બસ એકાદ જામ તારે હાથે પીવરાવી દે, લો આ હું ચાલ્યો, એક પુનમના ઉપવાસનું પુણ્ય તારે નામ."
સારિકાએ અસલ અફગાની દ્રાક્ષનો દારૂનો ચાંદીના ગ્લાસમાં જામ બનાવ્યો. પોતાના હાથથી સુખદેવને ખુબજ વહાલથી પીવરવી દીધો. ચાલ ઉપડ સુખદેવ હવે આ સારિકા તારી હવે જીંદગી ભરની તારી ગુલામ સમજ જે."
લોકોના અચંબા વચ્ચે સુખદેવ લથડિયા પગે તે સાંજે આવ્યો કે તરત, ટૂંકમાં પોતાની બગીમાં બેસી પરત ફરી ગયો.
સુખદેવના ગયા પછી, સારિકા, માસીને વળગી ખૂબ રોઇ, અને પોતે શ્રાવણી માસની વરસાદી ખુલ્લી હવામાં ફરવા માગે છે એમ કહી ગોમતી નદીના કોતરોમાં જાય છે. ગોમતીના કોતરોમાં વરસાદી વાદળની વીજળીને આછા અજવાળે સારિકાને આજે “સખી” ચિંધેલા સુલક્ષણ જતાવી સત્કર્મ કરતી હોવાથી ચારેકોર તેને પ્રકાશના પૂંજ દેખાતા હતા. ગોમતીના કોતરે આળોટતા અગણિત સાપ, ભેરુ બની તેની કેડીએથી દૂર હટી તેનો માર્ગ ખુલ્લો કરતાં જતાં હતા. હાંફે ચડેલી સારિકાએ એક એક કરી તેના બધા ઘરેણાં ગોમતી નદીના કોતરમાં ઉતારી વેરતી જતી હતી.
સારિકાએ તેની સખી સુલક્ષણા એ સોંપેલું કામ પર પડેલું હતું તેનો સંતોષ તેને હૈયે હતો, પણ હા, થોડી બદમાશી જરૂર કરેલી, આખરે તો સુલક્ષણાએ સારિકાને સખી માનેલી ને ! સુલક્ષણાએ આપેલ કૂપીનું કાતિલ ઝેર સુખદેવને પીવડાવાને બદલે પોતે પીધું હતું.
બીજે દિવસે હવેલીએ સુખદેવનો દિવસ ઊગ્યો ત્યારે ટૂંકા સમયમાં સખી બનેલા સુલક્ષણા સંગ સારિકાના ડૂબી ચૂકેલા સુરજે અનેરી રોશનીથી સુખદેવની બંધ આંખોને રોશની પ્રદાન કરેલી હતી.

