છેલ્લો તેલી
છેલ્લો તેલી
છેલ્લો તેલી
(એક માઈથોલોજીકલ વાર્તા)
રમજાનની છેલ્લી રાત્રે, બગદાદના મિનારાઓ પર દીવા ઝબૂકતા હતા.
મસ્જિદોમાંથી દુઆછેલ્લો તેલી
ઓનો અવાજ આવતો હતો.
પણ પશ્ચિમના સહારાના રણમાં એક શહેર એવું પણ હતું,
જ્યાં ત્રણસો વર્ષથી સવાર પડી નહોતી.
તે શહેરનું નામ હતું — ખલીફા.
લોકો કહેતા કે એક જ રાત્રે આખું શહેર રેતીમાં દટાઈ ગયું હતું.
પણ હકીકત કંઈક અલગ હતી.
લોકો ની જાણ વગર,દર વર્ષે રમજાનની એક ખાસ રાત્રે,
ખલીફા થોડા કલાકો માટે ફરી જીવતું થઈ જતું હતું .
બજારો ખુલતા.
હાટડીઓ મંડાતી.
દીવાઓ સળગતા.
અને મૃત લોકો ફરી ચાલતા દેખાતા.
બગદાદના લોકો તેને “પ્રેતશહેર” કહેતા,અને ત્યાં જવાનું ટાળતા.
---
આ બગદાદમાં અલી નામનો એક યુવાન રહેતો હતો.
અલી શહેર નો એક માત્ર “તેલી” હતો — રસ્તાઓના દીવાઓમાં તેલ પૂરનાર.
દિવસે તે ગલીઓમાં ફરતો બધા દિવા માં તેલ પૂરતો ,
અને રાત્રે એક પછી એક દીવા પ્રગટાવતો.
લોકો કહેતા:
“અલીના હાથમાં અજાણી રોશની છે.”
પણ અલીના પોતાના જીવનમાં ઘોર અંધકાર હતો.
પિતાના મૃત્યુ પછી તે એકલો પડી ગયો હતો.
અને અંદરથી ક્યાંક ખાલી થઈ ગયો હતો.
મૃત્યુ પહેલાં તેના પિતા વારંવાર એક જ વાત કહેતા:
“બેટા… લોકો ગમે તે કહે,
પણ ખલીફાની ચમક હજુ બુઝાઈ નથી.”
અલીને લાગતું કે વૃદ્ધાવસ્થામાં પિતા બકવાસ કરતા હતા.
---
એક દિવસ, જૂના સામાન ગોઠવતા તેને પિતાની સંદૂક મળી.
લાકડાની સંદૂક માંથી એક પીળો નકશો અને અડઘી સળગેલ વાટ સાથે પિત્તળનો દીવો નીકળ્યો.
દીવાના તળિયે અરબીમાં લખેલું હતું:
“જેને પ્રકાશની જરૂર હોય,
તે પહેલાં પોતાનો અંધકાર જુએ.”
એ શબ્દોએ અલીને અજીબ રીતે અશાંત કરી દીધો.
તે રાત્રે, બગદાદની રોશની પાછળ મૂકી,અલી એકલો સહારાના રણમાં નીકળી પડ્યો.
---
ત્રણ દિવસ પછી…
તે ખંડેર બની ગયેલા ખલીફાની હદમાં પહોંચ્યો.
ચારેબાજુ રેતી જ રેતી હતી.
તૂટેલા મિનારા.
ધૂળથી ઢંકાયેલા દરવાજા.
અને મૃત્યુ જેવી શાંતિ.
પણ જેમ રાત્રિ ઊંડી થવા લાગી,
તેમ કંઈક અજબ બનવા લાગ્યું.
રેતીની અંદરથી દીવાઓની જ્યોત દેખાવા લાગી.
ધીમે ધીમે આખું શહેર જીવતું થઈ ગયું.
બજારમાં અવાજો ગુંજવા લાગ્યા.
ઊંટોની ઘંટડીઓ વાગવા લાગી.
અત્તરની સુગંધ હવામાં તરવા લાગી.
પણ કંઈક અસ્વાભાવિક હતું.
લોકો જીવતા લાગતા હતા…
પરંતુ જાણે સમય અટકી ગયો હોય તેમ સ્થિર હતા.
કોઈ હાથ હવામાં જ અટકેલો.
કોઈ હાસ્ય અધૂરું.
કોઈ બાળક દોડતા દોડતા પથ્થર બની ગયેલું.
ખલીફા જીવતું પણ હતું…
અને લોકો મૃત.
---
એ નિર્જીવ શહેરમાં અલીએ એક યુવતી જોઈ,હાલતી ચાલતી.
સફેદ વસ્ત્રો.
માથા પર ચાંદીનો પડદો.
અને આંખોમાં અજાણી ઉદાસી.
અલીએ પૂછ્યું, બાનું આપ કોણ ?
“નૂર,” તેણીએ ધીમેથી કહ્યું.
અલીને આશ્ચર્ય થયું.
કારણ કે નૂર પણ તેને જોઈ શકતી હતી.
આ એક અજાયબી હતી.
બગદાદ માં લોકો કહેતા,ખલીફા માં બીજા શહેર નાં માનવો કાયમ અદૃશ્ય રહેતા હતા.
ધીમે ધીમે અલી અને નૂર વચ્ચે રોજ રાત્રે વાતો શરૂ થઈ.
નૂરને બંધ બજારો સામે ઊભાં રહેવાની આદત હતી.
તે ઘણી વાર સૂના રસ્તાઓ તરફ જોઈને અલી ને પૂછતી:
“શું બગદાદમાં હજુ પણ સવાર પડે છે?”
અલી પાસે તેનો જવાબ નહોતો.અને નૂર ની આવી વાત તેને મુંજવતી રહેતી, પણ નૂર નાં રૂપ થી મોહિત હતો.
---
દિવસના ઉજાસમાં,
અલી ખલીફા નાં એક જૂના મદ્રેસામાં ગયો.
ત્યાં ધૂળથી ઢંકાયેલી કિતાબોમાં તેને ખલીફાનું રહસ્ય મળ્યું.
ત્રણસો વર્ષ પહેલાં,
ખલીફાના રાજાએ પોતાની મૃત્યુ પામેલી માશુકાને જીવંત કરવા માટે દેવદૂત સાથે કરાર કર્યો હતો.
પણ માશુકાનાં મૃત્યુને હરાવવાનું મૂલ્ય ભયંકર હતું .
આખું ખલીફા શહેર સમયના ચક્રમાં કેદ થઈ ગયું.
ન દિવસ બદલાતો.
ન લોકો મુક્ત થતા.
સમય જ ખલીફાની કબર બની ગયો .
વર્ષો પછી, પ્રજા વિહોણા રાજાનો મોહભંગ થયો.
તે પોતાની માશુકાને છોડી, ખુદાની બંદગીમાં રણની રેતીમાં સમાઈ ગયો.
હવે એકલી પડેલી માશુકા — નૂર —
આ શાપમાં સદાકાળ માટે અટવાઈ ગઈ.
કહેવામાં આવતું હતું કે, નૂર નાં વિલાપે એક આકાશવાણી થઈ હતી:
“જ્યારે અધૂરો દીવો ફરી કોઈ પ્રગટાવશે ,
ત્યારે નૂર અને ખલીફાને મુક્તિ મળશે.”
પરંતુ…
એ દીવો સામાન્ય હાથોથી સળગી શકશે નહી .
માત્ર એવી વ્યક્તિ જ તેને પ્રગટાવી શકશે ,
જેણે પોતાના સૌથી પ્રિયજનનો ત્યાગ કર્યો હોય.
---
હવે અલી પાસે બે રસ્તા હતા.
મોહ માં નૂરને સદાકાળ માટે સાથે રાખવી…
અથવા…
દીવો પ્રગટાવી આખા શહેરને મુક્ત કરવું.
તે રાત્રે અલી ખલીફાના ચોગાનમાં ઊભો રહ્યો.
તેના હાથમાં સંદૂક માંથી મળેલો પિતાનો અધૂરો દીવો હતો.
નૂર તેની સામે શાંત આંખે જોઈ રહી હતી.
રણમાં પવન ધીમે ધીમે ગુંજતો હતો.
અલી સમજી ગયો —
કેટલાક પ્રેમો સાથે જીવવા માટે નથી હોતા .તેઓ બલિદાન શીખવવા આવે છે.
તેને દીવામાં તેલ પૂર્યું.
અને જ્યોત પ્રગટાવી.
---
એ ક્ષણે આખું ખલીફા ધ્રુજી ઊઠ્યું.
સ્થિર લોકોના ચહેરા જીવંત બન્યા.
હજારો દીવાઓ એકસાથે પ્રગટ્યા.
મસ્જિદોના મિનારાઓમાંથી અજાણી રોશની ફાટી નીકળી.
પછી…
ધીમે ધીમે શહેર રેતીમાં વિલીન થવા લાગ્યું.
નૂર અલીની નજીક આવી.
તેની આંખોમાં આંસુ હતા,
પણ ચહેરા પર અજબ શાંતિ.
તેણીએ ધીમેથી કહ્યું:
“કેટલાક લોકોને પ્રેમ હયાતીમાં નથી મળતો…તેઓને કોઈની મુક્તિમાં મળે છે.”
અને પળવારમાં નૂર, એક રોશની બનીને રણમાં ઓગળી ગઈ.
---
સવાર પડી.
સહારા નું રણ ખાલી ખમ હતું.
ન ખલીફા.
ન બજાર.
ન અવાજ.
ફક્ત રેતી…
અને અલીના હાથમાં બુઝાયેલો દીવો.
અલી પાછો બગદાદ ફર્યો.
બગદાદમાં કદાચ એ છેલ્લો તેલી હતો, કે તેનાં પ્રગટાવેલ દરેક દીવો અજબ રીતે વધુ પ્રકાશ આપતા હતા .
લોકો કહેવા લાગ્યા:
“અલી તેલીના દીવાઓમાં
કોઈ પ્રાચીન શહેરની રોશની વસે છે.”
અને ક્યારેક…
રાત્રે કોઈ દીવો ઝબૂકતો,
તો જ્યોતમાં ક્ષણભર માટે
એક ભીની આંખોવાળો ચહેરો દેખાઈ જતો.

ડિસ્કલેમર
આ વાર્તા “છેલ્લો તેલી” સંપૂર્ણપણે કાલ્પનિક છે.
વાર્તામાં દર્શાવાયેલ પાત્રો, શહેરો, ઘટનાઓ, લોકગાથાઓ, આધ્યાત્મિક માન્યતાઓ અને માઈથોલોજીકલ તત્વો લેખકની કલ્પનાશક્તિ અને સાહિત્યિક અભિવ્યક્તિ પર આધારિત છે.
“ખલીફા” નામનું શહેર, તેમાં દર્શાવાયેલ શાપ, દેવદૂત, પ્રેતશહેર તથા અન્ય રહસ્યમય પ્રસંગોનો કોઈ ઐતિહાસિક, ધાર્મિક અથવા વાસ્તવિક દાવો કરવામાં આવ્યો નથી.
વાર્તામાં ઉપયોગમાં લેવાયેલા અરબી-સૂફી વાતાવરણ, રમજાન, બગદાદ અને રણપ્રદેશના સંદર્ભો માત્ર કલાત્મક પૃષ્ઠભૂમિ સર્જવા માટે છે. તેનો હેતુ કોઈપણ ધર્મ, સંસ્કૃતિ અથવા માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ કૃતિ પ્રેમ, ત્યાગ, મુક્તિ અને આંતરિક પ્રકાશ જેવા માનવીય ભાવોને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે.
© કલ્પેશ પટેલ
