STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Classics

4  

Kalpesh Patel

Drama Tragedy Classics

જીત

જીત

3 mins
0




જીત

“મિત્રતા કે સંબંધો ક્યારેક શબ્દોથી નહીં, પરંતુ મૌનથી પણ જીવંત રહે છે.”

ભાર્ગવ વોરાએ આ વાક્ય પોતાની જૂની ડાયરીના પહેલા પાને વર્ષો પહેલાં લખ્યું હતું.
આજે, અનાયાસે એ જ ડાયરી ફરી ખૂલી હતી.

બપોરનો સમય હતો.
લહેંચી, કેરીનો રસ અને ભરેલા ભીંડાનું જમણ કરીને તેઓ બારણાં પાસેની આરામખુરશીમાં શાંતિથી બેઠા હતા. હાથમાં ચશ્માં હતાં અને સામે છાસ ગરમ થઈને પડી હતી.

બાજુના રૂમમાં હર્ષા ધીમે ધીમે ચાલતાં ફરતાં હતાં.
બન્નેની ઉંમર હવે પોતાની અસર બતાવતી હતી.

“દવા લઈ લીધી?”
હર્ષાએ પૂછ્યું.

“હા…”
ભાર્ગવે ટૂંકા જવાબમાં હુંકાર ભર્યો.

બન્ને વચ્ચે પ્રેમ હતો, કાળજી પણ હતી, લાગણી પણ હતી…
પણ વાતો હવે ઓછી થઈ ગઈ હતી.

જિંદગીભર પૈસા બચાવવા રાડો પાડનાર માણસો, જીવનના અંતિમ પડાવે આવીને શબ્દો બચાવવા લાગે છે.

ભાર્ગવ આજે ફરી “નિરંજન”ને યાદ કરી રહ્યો હતો.

નિરંજન તેનો લંગોટિયો મિત્ર.
શાળાથી લઈને નોકરી સુધી — બંનેની મિત્રતા આખા વડોદરામાં ઉદાહરણરૂપ ગણાતી.

એક જ સાયકલ પર ફરવું, એક જ થાળીમાં ખાવું, એકબીજાના ઘરમાં પોતાના માણસની જેમ આવજાવ…

અરે, બંનેએ તો બે સગી બહેનો સાથે એક જ દિવસે લગ્ન પણ કર્યા હતાં.મિત્રતા સાથે સબંધ નાં સુર ભર્યા...

પણ પછી…

એક દિવસ કંઈક તૂટી ગયું.

કારણ બહુ મોટું નહોતું.

ભાર્ગવે નિરંજનના દીકરાના લગ્નમાં ખૂબ કામ કર્યું હતું — કંકોત્રી લખવાથી લઈને મહેમાનોની વ્યવસ્થા સુધી.
પણ જ્યારે પોતાના ભત્રીજાના લગ્ન હતાં, ત્યારે ભાર્ગવ સુધી આમંત્રણ જ પહોંચ્યું નહીં.

ભાર્ગવને લાગ્યું —
“હવે મારું મહત્વ નથી રહ્યું.”

અને નિરંજનને લાગ્યું —આખરે 
“આટલી નાની વાત માટે વર્ષોની મિત્રતા ભાર્ગવે શંકામાં મૂકી દીધી?”

બન્ને ચૂપ થઈ ગયા.
નિરંજન વડોદરા શહેરના બીજા છેડે દૂર રહેવા જતો રહ્યો...
પહેલા ફોન ઓછા થયા.
પછી સદંતર બંધ.

ત્યારબાદ માત્ર સમાચાર મળતા રહ્યા —

“ભાર્ગવ હવે બહાર ઓછું નીકળે …”
“તેની તબિયત સારી નથી…”

નિરંજનને પણ પગની તકલીફ હતી.

પણ કોઈએ કોઈને ફોન ન કર્યો.

બંને ભણેલા, પણ એ વાત થી અજાણ કે,અહંકાર હંમેશા ધીમે, પણ મક્કમ ગતિએ માણસની અંદર પ્રવેશે છે.

એ ચીસો પાડતો નથી…
માત્ર સંબંધોને ધીમે ધીમે ખોતરીને સુકવી નાખે છે.

એક સાંજે હર્ષાએ થાકી ને પૂછ્યું:

“તમને હજુ નિરંજનભાઈ યાદ આવે છે ખરા?”

ભાર્ગવ ફિક્કું હસ્યો.

એવું હાસ્ય, જેમાં સ્વીકાર કરતાં વધારે પસ્તાવો હતો.

“યાદ તો સવાર-સાંજ આવે છે…
પણ હવે એ વાતનો શું અર્થ?”

હર્ષાએ કોઈ જવાબ ન આપ્યો.

બીજા દિવસે વહેલી બપોરે,લહેંચી- કેરીનો રસ જમી આરામ ખુરશી એ બેસેલા ભાર્ગવ ઉપર  ફોન આવ્યો.

“ભાર્ગવ… નિરંજન હવે નથી રહ્યા.
તેઓ ધામમાં ગયા.”

ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.

ભાર્ગવે ફોન ધીમેથી છાસનાં ગ્લાસની બાજુમાં મૂકી  દીધો.

થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં.

પછી ધીમેથી ઊભા થયા.
જૂના કબાટમાંથી પીળો પડી ગયેલો એક ફોટો કાઢ્યો.

ફોટામાં બે યુવાનો હસતા હતાં —
એકના ખભા પર બીજાનો હાથ હતો.

ભાર્ગવની આંખોમાં પાણી આવી ગયું.
બાજુના રૂમ માં સંભળાય તેમ બોલ્યા...
“હર્ષા…
અમે બંને કદી એકબીજાને ગાંઠતાં નહોતાં…
આ નીરુ, મને છોડી જતો રહ્યો..

પણ મન તો રોજ એને મળવા જતું હતું.”

હર્ષા, બાજુના નજીક આવીને શાંતિથી બેસી ગઈ.

“એમ લાકડીઓ વીંઝે, નદીના નીર થોડાં નોખાં થાય?”

સાચા સંબંધો કે મિત્રતા ક્યારેય તૂટતી નથી…

માત્ર વાતચીત બંધ થઈ જાય છે.

અને…

નિરંજનની અંતિમ વિદાય પછી ભાર્ગવને સમજાયું કે, એ દિવસે પોતાનું વલણ ખોટું હતું.

ઘરના માણસને આમંત્રણ થોડું હોય?
હક્કથી જવાનું હોય.

છૂટેલી મિત્રતા હજુ જીવંત હતી…

પણ જ્યારે હર્ષા સફેદ સાડી પહેરીને સામે આવી, ત્યારે ભાર્ગવ સંપૂર્ણ મૌન હતો.

રડતી હર્ષા જ જાણતી હતી કે.. મોડાં મોડાં,
મિત્રતાએ આખરે અહંકારને જીત્યો હતો.

© કલ્પેશ પટેલ



Rate this content
Log in

Similar gujarati story from Drama