STORYMIRROR

Kalpesh Patel

Comedy Classics Thriller

4  

Kalpesh Patel

Comedy Classics Thriller

ડખો

ડખો

2 mins
0

ડખો

(દસ્તુરજી અને ડોલી રંગવાલાની સસ્પેન્સ-હાસ્ય કથા)

મુંબઈના દાદર સ્ટેશન પાસે એક નાનું પણ અજબ ઘર હતું.
દરવાજા પર લખેલું:

“દસ્તુર ઈન્વેસ્ટિગેશન એન્ડ કૅટરીંગ સર્વિસ”

લોકો હસતા:

“આ પારસી બાવો ભારે માણસ…
ગુનાઓ ઉકેલશે કે લગ્નમાં ધનસાક પીરસશે?”

રવિવારની સવારે, ઘરના વરન્ડામાં બેઠેલા હતા દવાલ દસ્તુરજી.
ઉંમર વરસ સિત્તેર પૂરી.
મોટા ચશ્મા, સફેદ મૂછો, એક હાથમાં ચા અને બીજા હાથમાં બિલોરી કાચ.
ટેબલ પર ઈરાની ખારી બિસ્કિટ.

અને સામે ઊભી હતી તેમની નવી સહાયક—
ચિલબુલી ડોલી રંગવાલા.
રંગબેરંગી મેક્સી પહેરતી, સતત બોલતી અને દરેક વાતમાં શંકા કરતી યુવતી.

“દસ્તુરજી!”

ડોલી ધડાકાભેર આવી અને ઓલ ઇન્ડિયા રેડિયોના બુલેટીન જેવી ઝડપે બોલી:

“આપણા પડોશી સખારામ ગાયબ થઈ ગયો!”

દસ્તુરજી ચાના ટાઈમે બહુ શાંત રહેતા.

“તો પોલીસ પાસે જા ને.
અહીં મારું ભેજું કેમ ખાય છે?”

“બાવા, હું ગઈ હતી!”
ડોલી બોલી.
“પોલીસ કહે છે— સખારામ રોજ ગાયબ થાય છે અને રાત્રે ચૂપચાપ પાછો આવી જાય છે!”

દસ્તુરજીએ ચાનો કપ ધીમેથી મૂકી દીધો.

“હુંમ્મ… એટલે અહીં કંઈક ખીચડી પાકે છે.”

“હા!”
ડોલી બોલી,
“અને કદાચ રસોડામાં નહિ!”


---

બન્ને સખારામના ઘેર પહોંચ્યા.

ઘર અજબ શાંત હતું.

એક દીવાલ પર ચાર ઘડિયાળો—
પણ બધીમાં સમય ઊલટો ચાલતો હતો!

ડોલી ધ્રૂજી ગઈ.

“બાવા… અહિં ભૂત છે!”

દસ્તુરજી બોલ્યા:

“ભૂત નહિ…
આ ચાઈના ની સસ્તી ઘડિયાળનો જમેલો છે.”

ત્યાં જ એક ઘડિયાળમાંથી કુકડી બહાર આવી:

“કૂકૂ!”

અને સાથે અવાજ આવ્યો:

“કોણ છે?!”

બન્ને ચમકી ગયા.

ઉપરથી એક પાતળો માણસ ડોકાયો.
માથા પર ટુવાલ, હાથમાં બટાકા.

“એય! ધંધાના ટાઈમે ખટપટ નહિ!
ભાગો અહીંથી!”

“હું મકાન માલિક…
અહીં કોઈ ડખો-બખો નથી.”

દસ્તુરજીએ આસપાસ નજર ફેરવી.

અચાનક જમીન પર લાલ રંગ દેખાયો.

ડોલી ચીખી પડી:

“લોહી!!!”

દસ્તુરજીએ આંગળી લગાવી…
ચાખ્યું…

“કેચપ.”

ડોલી લગભગ બેભાન:

“બાવા! તમે કેચપ કેમ ચાખ્યું?!”

દસ્તુરજી ગંભીર થયા:

“ઈન્વેસ્ટિગેશનમાં આવું કરવું પડે.”


---

રાત્રે બન્ને કેમેરા લઈને ફરી આવ્યા.

આ વખતે બારીમાંથી અજવાળું દેખાતું હતું.

અંદરથી ધીમો અવાજ આવતો હતો:

“સત્ય બહાર ન આવવું જોઈએ…”

ડોલી બબડી:

“દસ્તુરજી… મને લાગે છે અહીં વિદેશી હાથનું કાવતરું છે!”

“ના,”
દસ્તુરજી બોલ્યા,
“મુંબઈમાં લોકો પાસે એટલો સમય નથી.”

બન્ને ધીમે અંદર ઘૂસ્યા.

અને જે જોયું એ જોઈ ડોલી લગભગ બેભાન થઈ ગઈ.

સખારામ જીવતો હતો!

અને તેની સાથે બે બીજા માણસો બેઠા હતા.

મધ્યમાં એક મોટું બોક્સ.

દસ્તુરજી બોલ્યા:

“આ શું છે?”

સખારામે છીંકણી સૂંઘતા કહ્યું:

“આ મારી સફળતાનું રહસ્ય છે… સત્ય.”

બોક્સ ખુલ્યું.

અંદર શું હતું?

જૂની રૂપિયાની નોટો ?
ખજાનો?
હીરા?
કોઈ ની વસિયત?

ના.

અંદર હતાં—

‘મુંબઈ સમાચાર’ના 1947 થી આજ સુધીના “અજમાવી જોજો” કોલમનાં કટિંગ!

ડોલી ચીસી પડી:

“આ માટે તમે દિવસભર છુપાઈ રહ્યા હતા?!”

સખારામ ગંભીર થયો.

“બેટા…
આ બહાર ગયું તો બધાને ખબર પડી જશે કે મારી ફેમસ ખારી બિસ્કિટની રેસીપી હકીકતમાં છાપાનાં કટિંગ આધારિત  હતી!”

રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

દસ્તુરજી બોલ્યા:

“બાવા… ચાલ તારી ખારી કાઢ.
હું મારી ચા લઈ આવું છું.”

પછી ડોલીને જોઈ બોલ્યા:

“ડોલી તે, મારો દીવસ બગડ્યો,
...અને નાહકનો ડખો કર્યો.

દરેક ઘરમાં કોઈ ને કોઈ સત્ય છુપાયેલું હોય છે.
ક્યાંક પ્રેમ…
ક્યાંક પૈસા…
અને ક્યાંક… રેસીપી.”

ડોલી બોલી:

“પણ એક વાત કહું?”

“શું?”

“આજના સસ્પેન્સ પછી મને તો ભૂખ લાગી ગઈ છે.”

સખારામ હસ્યો:

“ચા અને ખારી ખા…

આજે સખારામ તરફથી ફ્રી છે!”

દસ્તુરજી તરત ઊભા થઈ ગયા:
ધંધો ઝીરો..
આતો 
“ખાલી ખારી ખાઈ…
અને કેસ મફતમાં સોલ્વ્ડ!”



Rate this content
Log in

Similar gujarati story from Comedy