વરઘોડો
વરઘોડો
વરઘોડો
લાહોરની જૂની ગલીઓમાં, જ્યાં સૂકા મસાલાની સુગંધ અને ખસ, ગુલાબ, મઝમૂઆ જેવા અનેક અત્તરની મહેક હવામાં ભળી બજારના લોકોને બેહોશ કરી દેતી હતી, ત્યાં એક સાંકડી ગલીમાં મુસ્તફાની દુકાન હતી. બહારથી જોતા તે કોઈ સામાન્ય ઘડિયાળીની નાની દુકાન લાગતી, પરંતુ અંદર પગ મૂકતાં જ એવું લાગતું કે સમય પોતે જ થંભી ગયો હોય.
દીવાલો પર જૂની જર્મન ઘડિયાળો ટાંગેલી હતી—કેટલીક લાકડાની, કેટલીક ચાંદી જડેલી, તો કેટલીક પિત્તળની; અને કેટલીક એટલી નાજુક કે જાણે કોઈ રાજમહેલમાંથી આવી હોય.
દરેક ઘડિયાળની ટિક-ટિક અલગ હતી, જાણે દરેક પોતાની માલિકીની વાર્તા કહી રહી હોય.
મુસ્તફા, જેને લાહોરના લોકો “સમયનો સોદાગર” કહેતા, એ જ દુકાનનો માલિક હતો। તેની આંખોમાં અજબ ચમક હતી—જાણે તે ફક્ત ઘડિયાળો નહીં, પરંતુ લોકોની યાદો અને પળોને પણ સાચવી રાખતો હોય.
લાહોરના ગીચ બજારમાં તેની દુકાન એક જીવંત રહસ્ય જેવી હતી। કોઈ કહેતું કે તેની ઘડિયાળો ભૂતકાળના દ્વાર ખોલી દેતી, તો કોઈ કહે કે તે ભવિષ્યની હળવી ઝલક પણ દેખાડી શકતો.
એ જ ભીડભરેલા બજારમાં એક દિવસ મરિયમ આવી પહોંચી.
મરિયમ એક ચિત્રકાર હતી। તેની પીંછી રંગોમાં લાગણીઓ કેદ કરી લેતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેના ચિત્રોમાં રંગ હોવા છતાં જીવન નહોતું। તે પોતાની સ્મિત ક્યાંક ખોઈ આવી હતી.
કદાચ એ દિવસે, જ્યારે તેના જીવનના સૌથી સુંદર રંગો અચાનક ફિક્કા પડી ગયા હતા.
કોઈ ખાસ આશા વગર, માત્ર કુતૂહલવશ, તે ધીમે ધીમે મુસ્તફાની દુકાન સુધી આવી। થોડું રોકાઈ, અંદર પ્રવેશતાં જ તેને લાગ્યું કે આખા લાહોરની હવા પણ થંભી ગઈ હોય.
મરિયમ નિરાશાભર્યા અવાજે બોલી—
“શું તમારી પાસે એવો સમય છે, જેમાં હું મારી ખોવાયેલી સ્મિતાળી પળ શોધી શકું?”
મુસ્તફાએ તેની દાઢી પર હાથ ફેરવ્યો। થોડા ક્ષણો સુધી તેને નિહાળતો રહ્યો, જાણે તે મરિયમની આંખોની અંદર છુપાયેલી વાર્તા વાંચી રહ્યો હોય.
પછી તે મલકાયો અને ટેબલના ખાનામાંથી એક જૂની ઘડિયાળ કાઢી. ચાવી ભરી, અને તેની તરફ લંબાવી.
“દીકરી… આ ઘડિયાળ,” તેણે ધીમેથી કહ્યું, “તને એ પળ સુધી લઈ જશે, જ્યાં તારી પીંછી પહેલી વાર તારા મનના તરંગો સાથે રંગોમાં નાચી હતી.”
મરિયમે ધ્રૂજતા હાથોથી ઘડિયાળને સ્પર્શી અને આદરપૂર્વક કાંડે બાંધી.
અચાનક તેની આંખો સામે એક દૃશ્ય ઝબૂકી ઊઠ્યું.
એક નાની બાળકી પોતાના આંગણામાં બેઠી કાગળ પર રંગો ફેલાવી રહી હતી। તેના કપડાં તો ઠીક, ગાલ પર પણ રંગ લાગેલા હતા। છતાં તે એટલી નિર્દોષ રીતે હસી રહી હતી, જાણે દુનિયામાં કોઈ દુઃખ જ ન હોય.
મરિયમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
“આ… તો હું જ છું, ચાચા…” તેણે ધીમેથી કહ્યું.
મુસ્તફાએ શાંત અવાજે જવાબ આપ્યો—
“સ્મિત ક્યાંય ખોવાતું નથી, મરિયમ દીકરી… તે તો ફક્ત યાદોની ધૂળ નીચે છુપાઈ જતું હોય છે.”
મરિયમે ઘડિયાળને કાને લગાવી, ટિક-ટિક સાંભળતાં જ તેને સમજાયું કે તે પોતાની ખુશીની પળોને રોકવા મથતી હતી, જ્યારે એ પળો તો હંમેશાં તેના અંદર જ જીવતી હતી.
એ દિવસ પછી મરિયમે ફરી ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.
પરંતુ હવે તેના રંગો અલગ હતા.
દરેક ચિત્રમાં સમયની નાની નાની પળો ઝગમગતી— બાળપણની હાંસી, વરસાદની ટીપાં, માની મમતા ભરેલો અવાજ, અને જીવનની નાની ખુશીઓ.
થોડા મહિનાઓ પછી લાહોરની એક કલા પ્રદર્શનમાં મરિયમની નવી ચિત્રમાળા પ્રદર્શિત થઈ.
એ શ્રેણીનું નામ હતું—
“રંગો અને પળોની જાન”
લોકો એ ચિત્રોને જોઈ સ્મિત કરી ઊઠતા, જાણે તેમને પણ પોતાના ભૂલાયેલા પળો ફરી યાદ આવી ગયા હોય.
એક સાંજે મરિયમ ફરી એ જ ગલીમાં પાછી આવી। તે મુસ્તફાનો આભાર માનવા માગતી હતી.
પરંતુ ત્યાં પહોંચતાં જ તે ચકિત રહી ગઈ.
ત્યાં કોઈ દુકાન જ નહોતી.
પાસેના દુકાનદારે કહ્યું—
“અહીં આ ખાણીપીણીના બજારમાં તો વરસોથી કોઈ ઘડિયાળની દુકાન જ નથી.”
મરિયમ થોડા ક્ષણો માટે મૌન રહી.
પછી તેણે પોતાની કલાઈ પરની ઘડિયાળ તરફ જોયું— એ જ જૂની ઘડિયાળ, જે મુસ્તફાએ તેને આપી હતી.
તેના કાંટા સ્થિર નહોતા। ટિક-ટિક હજી પણ ચાલી રહી હતી.
મરિયમ હળવેથી મલકાઈ.
હવે તે સમજી ચૂકી હતી— સમય ક્યારેય અટકતો નથી। તે અવિરત ચાલે છે.
પરંતુ સમય આપેલી યાદો… એ હંમેશાં અવિચળ રહી જાય છે.
કદાચ મુસ્તફા ખરેખર ઘડિયાળો વેચતો જ નહોતો.
તે તો લોકોને સમયની કિંમત યાદ અપાવતો હતો.
અને એ ક્ષણે મરિયમને સમજાયું કે જીવન ખરેખર શું છે—
યાદોના રંગો અને પળોનો એક અનંત વરઘોડો, જે દરરોજ આપણા મનના દ્વાર પાસેથી પસાર થતો રહે છે.
