શ્યામાપ્યારી
શ્યામાપ્યારી
"મેં ચાહ્યું હતું કે હું રાધા બનું, મારા શ્યામની રાધા. શ્યામાપ્યારી રાધા." મોહિનીએ મોહનને કહ્યું.
"પાવન પ્રેમની પરાકાષ્ટા એટલે રાધાકૃષ્ણનો પ્રેમ. પરંતુ આપણા પ્રેમને સમર્પણમાંજ જીવવું પડશે. મોહિની, જો.. આપણે સ્વાર્થી ન બની શકીએ. તારા પિતાજીને કપરા સંજોગોમાંથી ઉગારવા હોય, તો એકજ રસ્તો છે. તારા પિતાજીના મિત્રની શરત મંજૂર કરીને એમના પુત્ર મિલન સાથે વિવાહ કરી લે. પરંતુ, પિતાજીને આ વાતનો જરાપણ અણસાર ન આવે, એનું ખાસ ધ્યાન રાખવું પડશે. નહીંતર એમના સ્વમાનને ઠેસ પહોંચશે."
"મોહન, આપણા પ્રેમસંબંધની પરિવારે સ્વીકૃતિ આપી છે. કેટલી આતુરતા છે બધાને આપણા લગ્નની ? અને હું ? તારા વિયોગની કલ્પના પણ નથી કરી શકતી. અને મિલન સાથે લગ્ન ? હું તો મનથી તને વરી ચૂકી છું."
"તારાથી વિયોગ મારી માટે પણ અસહનીય છે. પરંતુ, આર્થિક રીતે હું એટલો સધ્ધર નથી કે પિતાજીનો ટેકો બની શકું. અને એમની તો મહાનતા છે કે બલિદાન આપીને પણ આપણી ખુશી માટે મિત્રની શરત માન્ય ન કરી, કોઈને આ વાત જણાવી નથી અને આપણા લગ્નની તૈયારી કરે છે. મિલનના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા, એના પિ
તાને સમજાવવામાં. મિલન આપણો શુભચિંતક છે, એના થકી જ હકીકતની ખબર પડી."
"મોહન, રાધા બનવું, એટલે વિયોગ અપનાવવાનો ? હસતા વદન પાછળ પીડાને છુપાવવાની ?"
"જો આપણા આ સમર્પણથી પિતાજીની આબરૂ સચવાઈ જતી હોય તો આપણે સંતાનધર્મ બજાવવો જોઈએ. અને આ વાત ફક્ત આપણા ત્રણ વચ્ચે રહસ્યજ રહેશે. હું વિદેશ સ્થાયી થઈ જઈશ અને મિલન તને આજીવન સાચવી લેશે. વચન આપ, મારી રાધા ક્યારેય ઉદાસ નહીં રહે, તારા સ્મિતમાં મારું અસ્તિત્વ રહેશે."
"મોહન, મારું મન સ્વીકૃતિ નથી આપતું. પરંતુ, તારા નિર્ણયનો સ્વીકાર તો કરવો જ પડશે ને ? મારા હદયના સિંહાસન પર તારું એકચક્રી શાસન રહેશે. હું તારી રાધા બનીને જીવન વ્યતીત કરીશ."
"મોહન, આપણે એકમેકના દિલમાં ધડકાર બનીને જીવીશું. અને મારી રાધા, આપણી સંગાથે વિતાવેલી ક્ષણો આપણી ધરોહર છે. તારું આ રૂપ મારા મનમાં અંકિત રહેશે. તું પનઘટ પર મારી રાધા બનીને બેડલું લઈને જળ ભરવા આવે છે, મોરપીંછ આપણા પ્રેમની સાક્ષી પુરે છે. અને તું બેસીને પ્રતીક્ષા કરે છે મારી વાંસળીની ધૂનની જેમાં વહે છે રાધાના સૂર."