શ્યામ ભક્તિ
શ્યામ ભક્તિ
તુમ્હી મેરી મંઝિલ, તુમ્હી મેરી પૂજા,
તુમ્હી દેવતા હો, તુમ્હી દેવતા.
આરાધનાને મન તો પોતાના પતિની સેવા એ જ પ્રભુ ભક્તિ હતી. એની સહિયરો ઘણી વખત એની મશ્કરી પણ કરતી હતી, "આખો દિવસ શું મારો શ્યામ, શ્યામ, કર્યા કરે છે ? તને તો શ્યામ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી." આરાધના એ બધાને કેમ સમજાવે કે જો શ્યામ ન હોત તો આજે આરાધના પણ ન હોત.
આરાધનાની નજર સામે આજથી પાંચ વર્ષ પહેલાંની ઘટના તરવરી ઊઠી. એ સાંજે ઑફિસથી ઘરે આવી રહી હતી. રોજ કરતાં આજે ઑફિસથી નીકળતાં મોડું થયું હતું. એટલે રોજની બસ અને સહયાત્રીઓ નીકળી ગયાં હતાં. શિયાળાનું અંધારું ઘેરાવા લાગ્યું હતું. મનમાં ફડફડાટ થતો હતો. છતાં હિંમત રાખી એ બસની રાહ જોવા લાગી. એટલીવારમાં એક બાઈક આવીને ઊભું રહ્યું. "ચલ, બૈઠ જા, તેરે કો ઘર પે છોડ દુંગા." આરાધના ફફડી ગઈ. પેલાએ જેવો એનો હાથ પકડી ખેંચી તેવો જ પાછળથી એક નવજુવાન આવ્યો. એણે આવીને બાઈકસવારને એક જોરદાર મુક્કો માર્યો. એ પણ હારે એવો નહોતો. એણે બાઈક પરથી ઉતરીને નવજુવાનને મુક્કો મારવા હાથ ઉગામ્યો, ત્યાં જ આરાધનાએ નજીકમાં પડેલો મોટો પથ્થર એના માથામાં ઝીંકી દીધો. બાઈકસવાર ત્યાં જ તમ્મર ખાઈને પડી ગયો.
"હલો, નમસ્તે હું શ્યામ. હું સામેની તરફથી જતો હતો. તમને અહીં એકલા ઊભેલા જોયા ત્યારે જ મને થયું કે આ સૂમસામ રોડ પર કંઈ પણ અજુગતું બની શકે છે. એટલે તમને મદદ કરવાના ઈરાદાથી જ હું ફરીને પાછો આવ્યો. ત્યાં આને તમારી છેડતી કરતાં જોયો એટલે મારાથી રહેવાયું નહીં અને મેં એને મુક્કો ઝીંકી દીધો. તમે ?"
"હું આરાધના, અહીં નજીકની ઑફિસમાં જોબ કરું છું. રોજ તો મારી નિયત બસ હોય પણ આજે મને મોડું થયું એટલે રોજની બસ અને સંગાથ બંને નીકળી ગયાં. આપનો આભાર, આપ જો સમય પર ન આવ્યા હોત તો ન બનવાનું બની ગયું હોત."
"તમને વાંધો ન હોય તો હું તમને તમારા ઘરે મૂકી જાઉં ?" થોડી વાર વિચાર કર્યા પછી આરાધના એની બાઈક પર બેસી ગઈ. પછી તો બંને વારંવાર મળવા લાગ્યા અને પ્રેમના બંધનમાં અને પછી ઘરના વડીલોની સંમતિથી લગ્ન બંધનમાં બંધાયાં. બંનેનો સંસાર સુખરૂપ ચાલતો હતો. લગ્નના બે વર્ષ પછી બંને બાળક માટે વિચાર કરતાં જ હતાં અને એક દિવસ ઑફિસથી પાછા ફરતાં એમની બાઈકનો અકસ્માત થયો. બંને જણાં નીચે પડી ગયાં. આરાધનાને તો સામાન્ય ઈજા જ થઈ પણ શ્યામને કરોડરજ્જુમાં વધુ ઈજા થઈ. એના કારણે એનું કમર નીચેનું હલનચલન બંધ થઈ ગયું.
હવે આરાધનાએ વર્ક ફ્રોમ હોમ કરવાનું શરૂ કરી દીધું. એની દુનિયા શ્યામની આગળપાછળ જ ફરવા લાગી. શ્યામની સેવા એ જ એના માટે પ્રભુભક્તિ હતી. શ્યામને ઘરમાં એકલો મૂકી એ ક્યાંય પણ જતી નહીં અને એટલે જ એની સહિયરો એને ઘણી વાર કહેતી, "આખો દિવસ શું મારો શ્યામ, મારો શ્યામ કર્યા કરે છે ?" એ બધાને શું ખબર કે પ્રભુભક્તિ કરતાં શ્યામ ભક્તિ વધારે જરૂરી છે. એ જ તો એનો પ્રાણ છે.

