JHANVI KANABAR

Drama Others

4.2  

JHANVI KANABAR

Drama Others

શુભમંગલ સાવધાન

શુભમંગલ સાવધાન

7 mins
316


વસંતનો ઠંડો આહ્લાદક વાયરો કથાના સિલ્કી બ્રાઉન વાળને સ્પર્શતો હતો, જેના કારણે તેની ગોરી-કમનીય ગરદન સ્પષ્ટ દેખાતી હતી. સફેદ, ડીપનેક અને ચપોચપ પહેરેલા સલવાર કમીઝથી તેનું દેહ સૌષ્ઠવ કોઈને પણ આકર્ષે તેવું લાગતું હતું. હવામાં લહેરાતો રેડ બાંધણીનો દુપટ્ટો તેના પગ પાસે પડેલા પ્લાન્ટસને ઢાંકતો હતો. વારેવારે ગોરા ગાલ પર આવી જતી વાળની લટો પોતાના ડાબા હાથની આંગળીઓથી કાનની પાછળ ખોસતી કથાના જમણાં હાથમાં ગરમ ચાનો કપ હતો, જે તેને કડકડતી ઠંડીમાં ગરમાવો આપતો હતો. આજની આ સવાર કથા માટે જેટલી મોહક હતી તેટલી જ મૂંઝવણભરી પણ હતી.

`પ્રભા ! મારું માનવું છે કે, કથાને જ નિર્ણય કરવા દેવો જોઈએ. એને સમય આપવો જોઈએ.’ કથાના પપ્પા પ્રવિણભાઈએ પત્નીને સમજાવતા કહ્યું.

`મારી દીકરીને હું બરાબર જાણું છું. તેની પસંદ આદિ જ હોઈ શકે. નહિ કે તમારી બહેને બતાવેલ સારાંશ.’. પ્રભાબેને મોં મચકોડતાં કહ્યું.

`હું માત્ર એટલું જ કહું છું કે...’

`હા હા જાણું છું, તમારે શું કહેવું છે...’ પ્રભાબેને પતિની વાત વચ્ચેથી જ કાપી નાખતા કથાને બૂમ પાડી.

`આવી મમ્મી !’ કહેતી કથા ટેરેસ પરથી નીચે ઊતરી ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ ને નાસ્તો કરવા લાગી. કથાની મોટી-મોટી અણીયાળી આંખો મમ્મીના મોં પર ઊઠતા સવાલોની રેખા જોઈ શકતી હતી. પ્રભાબેને કથાના માથે હાથ મૂકતા કહ્યું, `બેટા ! શાંતિથી ખા. શું ઉતાવળ છે ? તે કંઈ વિચાર્યું કાલ...’

`મમ્મી ! આજે મારે પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે અને પછી સંગીત એકેડેમી પર જવાનું છે.’ કહી કથા મમ્મીના સવાલોને ટાળી ઝડપભેર બેગ ઊઠાવી નીકળી ગઈ.

કથાની મૂંઝવણ આદિ અને સારાંશ વચ્ચે ઝોલા ખાતી હતી તેથી તે સમય લેવા માંગતી હતી. અત્યારે મમ્મીના કોઈ જ સવાલનો જવાબ તેની પાસે હતો નહિ....

કથા પ્રભાબેન અને પ્રવિણભાઈની એકમાત્ર સંતાન હતી. કથાની કોઈપણ માંગ સંતોષવાનું, ઠાઠમાઠમાં રહેવાનું અને લાડકોડથી તરબતર રાખવાનું કામ પ્રભાબેન કરતાં, જ્યારે જીવનમાં સંતોષ, સાચુ સુખ અને સ્વાભિમાનના પાઠ પ્રવિણભાઈ ભણાવતાં. આમ, બંને પ્રકારની રીતભાત અને સંસ્કારનું પ્રતિબિંબ કથાનાં વ્યક્તિત્વ પર જોવા મળતું. કદાચ આ જ કારણે કથા મૂંઝવણ અનુભવતી હતી, આદિ અને સારાંશ વચ્ચે નિર્ણય લેવામાં...

આદિ ધનાઢ્ય પરિવારનો નબીરો હતો. દેખાવે હેન્ડસમ હતો અને વ્યક્તિત્વ ફિલ્મના કોઈ નાયકથી કમ નહિ. બસ એક જ પ્રોબ્લેમ હતો, 28 વર્ષનો આદિ આજ સુધી કંઈ કામ કરતો નહોતો. લખપતિ ગુણવંતરાયનો એકનો એક દીકરો ગ્રેજ્યુએશન માંડ પૂરુ કરી શક્યો હતો. પપ્પાની ઓફિસના પગથિયા પણ ભાગ્યે ક્યારેક ચડ્યા હશે. જરૂર જ નહોતી પડી. હંમેશા તેના પર્સમાં ક્રેડિટ કાર્ડ રહેતું જ અને તેનો ઉપયોગ કરનારા ફ્રેન્ડ્સ પણ રેડી જ રહેતા. હજુ એક દિવસ પહેલા જ પ્રવિણભાઈના ઘર આંગણે ધસમસતી બે કાર આવી હતી. એક કારમાંથી આદિના મમ્મી-પપ્પા અને બહેન ઊતર્યા તો બીજી કારમાંથી આ રણવીર કપુર.. ઓહ સોરી !.. આઈ મીન આદિ અને તેનો ફ્રેન્ડ ઊતર્યા. બંને પરિવાર મળ્યા. નાસ્તા અને ચા-ઠંડાની મહેફિલ જામી. આદિ અને કથાને એકલા વાત કરવાની પણ તક આપવામાં આવી. કથાને જોઈ આદિને લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું ફીલ થયું. આદિના મોં પરની રૂપરેખા જોઈ તેના મમ્મી-પપ્પા સમજી ગયા કે આદિને કથા ગમી છે. આવો-આવજોની ફોર્માલિટી પૂરી થઈ. બે ધસમસતી કાર પ્રવિણભાઈના આંગણેથી વિદાય થઈ કે, તરત જ પ્રભાબેને ગર્વિત નયને પ્રવિણભાઈ તરફ જોયું. કારણકે આ સંબંધ પ્રભાબેનની એક દૂરની બહેને બતાવ્યો હતો. બસ એ જ ઘડીથી પ્રભાબેનના મનમાં કથાનો નિર્ણય આદિ જ હોય, એ ભાવના બળ કરતી ગઈ. મનમાં યમનાષ્ટક ચાલુ થઈ ગયા ને કેટલીય માનતા માની લીધી.

સાંજ પડતા આદિના પપ્પા ગુણવંતરાયનો ફોન આવ્યો. `અમારા આદિને તમારી કથા પસંદ છે. બોલો સગાઈ ક્યારે કરવી છે ? કહો તો અમારા ગોરબાપા જોડે મુહૂર્ત કઢાવું....’ પ્રવિણભાઈએ આમતેમ વાતો કરી અને ફોન મૂક્યો. પ્રભાબેન બાજુમાં જ ઊભા રહી ઉત્સુક નયને પતિ સામુ તાકી રહ્યા.

પ્રવિણભાઈએ પ્રભાબેનને બાજુમાં બેસાડી સમજાવવાનો પ્રયત્ન કર્યો, `જો પ્રભા, આ તે કઈ રીતની વાત થઈ ? “અમારા આદિને કથા પસંદ છે. ક્યારે સગાઈ કરવી ?” એક પણ વાર એમણે આપણી કે કથાની મરજી પૂછી નહિ. એમનો નિર્ણય આપણા પર થોપી દીધો અને આપણે તેને વધાવી લેવાનો ? મારી ના નથી પણ કથાને પૂછ્યા વગર હું આ સંબંધમાં આગળ વધીશ નહિ. કથાને જો સમય જોઈએ તો એ પણ મળવો જોઈએ...

`એટલે તમે કહેવા શું માંગો છો ? તમારી લાડલીને સમય આપવાના ચક્કરમાં સંબંધ જતો કરી દેવો ? આવા ધનાઢ્ય પરિવારને સંબંધોની ખામી ન હોય. હાથમાંથી આવો છોકરો અને પરિવાર જતો રહેશે પછી રડતા રે'જો..’ પ્રભાબેન ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યા હતા.

`મમ્મી મારે વધારે સમય જોતો નથી. બસ એક જ ઈચ્છા છે, હું આદિને બહાર એકવાર હજુ મળવા ઈચ્છું છું પછી તરત જ મારો નિર્ણય તમને જણાવી દઈશ.’ ઘરમાં પ્રવેશતા જ મમ્મી-પપ્પાની વાતો સાંભળતી કથાએ કહ્યું.

`આ રીતની માંગ આપણે શી રીતે કરી શકીએ ? એકલા બહાર..’ પ્રભાબેન અને પ્રવીણભાઈ મૂંઝાયા.

કથાએ મમ્મી પાસેથી આદિનો નંબર લઈ ફોન જોડ્યો અને પોતાની ઈચ્છા જણાવતા કહ્યું, `મને લાગે છે કે આપણે હજુ એકવાર મળવું જોઈએ જેથી એકબીજાને સારી રીતે જાણી શકીએ. ઈફ યુ ડોન્ટ માઈન્ડ.... બહાર કોઈ કેફે ઓર રેસ્ટોરન્ટમાં ?’

`ઓહ શ્યોર.. કાલે મળીએ સાંજે સાત વાગે...’ આદિએ વળતો જવાબ આપ્યો.

 આજે કોલેજ જવાનું કથાએ મુલતવી રાખ્યું હતું, તે છતાં સવારે વહેલી ઊઠી પોતાની દિનચર્યા પતાવી દીધી અને ઘરકામમાં મમ્મીને મદદ કરવા લાગી. બપોરે જમ્યા પછી તે પોતાના રૂમમાં જઈ બુકરેક ગોઠવવા લાગી. અચાનક બુક જોતા તેને સારાંશ સાથેની મીટિંગ યાદ આવી. દેખાવમાં સોહામણો, વ્યક્તિત્વમાં સાદગી અને વાતચીતથી મન મોહી લેનારો. મહત્ત્વકાંક્ષી હોવાની સાથે લાગણીશીલ પણ ખરો. આઈ.ટીમાં સારી પોસ્ટ પર જોબ. સાધારણ પરિવારમાં ઉછરેલો સારાંશ જાત મહેનત અને કાબેલિયતથી અહીં સુધી પહોંચેલો. પિતા ચાર વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતાં. સારાંશે પાર્ટ ટાઈમ જોબ કરી ભણતર પૂરુ કર્યું. નાની બહેનને પણ ભણાવતો અને વિધવા માતાનો સહારો પણ બન્યો હતો. માત્ર ત્રીસ જ મિનિટની એ મુલાકાતમાં તે સરળ સ્વભાવ ધરાવતા સારાંશને ઘણો સમજી શકી હતી. પોતાની આવક, જવાબદારી અને શોખ જણાવવાની સાથે સારાંશે કથાની કારકીર્દી તેના શોખ અને ઈચ્છાઓ વિશે પણ પૂછ્યું હતું. એટલું જ નહિ લગ્ન પછી દરેક સ્ત્રીએ જવાબદારી નિભાવવાની સાથે સાથે પોતાના શોખ અને ઈચ્છાઓ પણ પૂરી કરવી જોઈએ. લગ્ન એ કોઈપણ સ્ત્રી માટે શોખ કે કારકીર્દીનું પૂર્ણવિરામ નથી. સારાંશના ઉદાર વિચારો જાણી પોતે ત્યારે જ જાણે કે મનોમન નિર્ણય લઈ ચૂકી હતી. સારાંશને સમજવા માટે હવે તેને આવી કોઈ મિટિંગની જરૂર ન હતી પણ આદિ.. આદિને પરાણે મનમાં ઉતારવા કે તેને ગમાડવા માટે હજુ એક મિટિંગ કરવી પડે તેમ હતી. અચાનક મોબાઈલની રીંગ વાગતા કથા બધા વિચારોને ખંખેરી વાસ્તવિકતામાં આવી. આદિનો જ કોલ હતો. કથા ઝડપથી તૈયાર થઈ નક્કી કરેલા કેફે બાર પર પહોંચી.

આદિ ત્યાં કાર પાર્ક કરી, કથાની જ રાહ જોતો ઊભો હતો. બંને કેફેમાં પ્રવેશ્યા. કોફીના ઓર્ડર આપ્યા અને વાતચીતનો દોર ચાલુ થયો.

આદિ : કથા ! આજની મીટીંગનું કારણ હું સમજી શક્યો નહિ. આપણે મળ્યા ત્યારે પૂરતી વાતચીત થઈ હતી.

કથા : હા, એ તો થઈ હતી, પણ ત્યારે મેં તમારા સવાલના જવાબ આપ્યા હતાં. આજે મારે તમને કેટલાક સવાલ પૂછવા છે.

આદિ : ઓહ ! તમે મને સવાલ પૂછશો એમ ? તો પૂછો. બાય ધ વે હું કહી દઉ કે, તમને ખુશ રાખવાના તમામ સાધન-સંપતિ હું ધરાવુ છું. નોકર ચાકર, દાગીના-કપડા, બ્રાન્ડેડ સેન્ડલ-પર્સ વગેરે વગેરે.. એક છોકરીને બીજુ શું જોઈએ ?

કથા : હા, પણ મારા સવાલ થોડા જુદા છે.

આદિ : ઓકે... પૂછો.

કથા : તમે તમારા પપ્પાના બિઝનેસમાં ઈન્ટરેસ્ટ ધરાવો છો કે જોબમાં ?

આદિ : (હસતા હસતા) મારે આમાંથી કંઈ જ કરવાની જરૂર નથી. સાત પેઢી સુધી ન ખૂટે તેટલું છે. હું મારા મા-બાપનું એક જ સંતાન છું. એમના પછી આ બધુ જ મારુ છે.

કથા : ઓકે. બટ હું ઈકોનોમિક્સમાં પ્રોફેસરની જોબ કરવા માંગુ છું.

આદિ : જોબ ? તમે જોબ કરવા માંગો છો ? શી જરૂર છે ? અમારા પરિવારમાં સ્ત્રીઓ જોબ કરતી નથી. માત્ર ઘર, પતિ અને સંતાનો તરફ જ ધ્યાન આપે છે. લાખોનો બિઝનેસ છે અમારે એમાં તમારી પ્રોફેસરની જોબ ક્યાં આવે ?

કથા : માત્ર જોબ જ નહિ, હું સંગીતમાં પણ રસ ધરાવું છું.

આદિ : અમારા ઘરમાં નૃત્ય-સંગીત અલાઉડ નથી. પપ્પાને બિલકુલ પસંદ નથી.

કથા : તો તમે મારા માટે તમારા પપ્પાને કન્વીન્સ ન કરી શકો ?

આદિ : નો કથા.. નેવર. તમને ખબર નથી કથા પણ આજે આવી રીતે તમે મને મળવા માંગો છો એ વાત પણ ઘરમાં કોઈને ગમી નહોતી પણ મારી ઈચ્છા હતી એટલે પપ્પા વધુ ના ન પાડી શક્યા. બાકી પપ્પાને કશું ના કહેવાય. મારાથી પણ નહિ અને મમ્મીથી પણ નહિ. 

કથા : શા માટે ના કહેવાય ? એમાં કંઈ ખોટું નથી.

આદિ : મને એ જ નથી સમજાતું કે, તમને સ્ત્રીઓને આટલી સુખ-સગવડ મળવા છતાંય નોકરી કેમ કરવી છે ? સંગીત-નૃત્ય જેવા શોખ તો દરેક સ્ત્રીઓએ લગ્ન પછી છોડવા જ પડે છે.

કથા : 'સેલ્ફ રિસ્પેક્ટ' આ શબ્દ કદાચ નહિ સમજાય તમને. ઈટ્સ ઓકે મિ. આદિ. આ કેફેની બાજુમાં જ એક ટોય શોપ છે, સુંદર સુંદર ડોલ પણ મળે છે. ઘરે લેતા જજો..

આટલુ કહી કથા ત્યાંથી નીકળી ગઈ. આદિ ખુલ્લા મોંએ કથાની પીઠ તરફ તાકતો રહ્યો. કથાએ એક્ટિવા સ્ટાર્ટ કરી ઘર તરફ પ્રયાણ કર્યું. ઘરમાં પ્રવેશતા જ પ્રભાબેનની સવાલોની હારમાળા શરૂ થઈ ગઈ. બે મિનિટ કથા આશ્ચર્ય અને ગુસ્સાથી મમ્મી તરફ જોઈ રહી. તેણે આદિ જોડે થયેલી વાતચીત મમ્મી પપ્પાને કહી.

હા, તો એમાં એણે શું ખોટું કહ્યું ? શી જરૂર છે તારે ? પ્રભાબેને કથાને ઠપકો આપતા પૂછ્યું.

બસ મમ્મી.. તારા ને મારા વિચાર આ બાબતે થોડા અલગ છે. સોરી બટ મને આદિ જીવનસાથી તરીકે બિલકુલ મંજૂર નથી. આટલુ કહી કથા પોતાના રૂમમાં જતી રહી.

ડિનરનો ટાઈમ થયો ગયો હતો. કથા રૂમમાંથી આવી ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ. પ્રવિણભાઈ, પ્રભાબેન અને કથા જમી રહ્યાં હતાં પણ કોઈ વાતચીત નહોતી થઈ રહી. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો. પ્રભાબેન ઊદાસ હતા. એટલામાં પ્રવિણભાઈના મોબાઈલની રીંગ વાગી. પ્રવિણભાઈએ (ફોન પર) `હા હા. બિલકુલ. જરૂર મળીએ. આવજો.’ કહી ફોન મૂક્યો. પ્રભાબેન અને કથા જીજ્ઞાસાથી પ્રવિણભાઈ તરફ જોઈ રહ્યા..

પ્રવિણભાઈએ બંનેની ઉત્સુકતાને સંતોષતા કહ્યું, `સારાંશના પપ્પાનો ફોન હતો. કહેતા હતા કે, સારાંશની તો હા છે. કથા દીકરીની શું ઈચ્છા છે. જો તમને યોગ્ય લાગે તો આગળ વધીએ...’

પ્રભાબેન મોં મચકોડીને ઊભા થઈ ચાલ્યા ગયા. પ્રવિણભાઈ અને કથા એકબીજાની સામે જોઈ ખડખડાટ હસવા લાગ્યા. બાપ-દીકરીને ખબર નહોતી પણ તેમને હસતા જોઈને રસોડાની ભીંત પાછળ સંતાયેલા પ્રભાબેન પણ હસી પડ્યા.

ચિ. કથા અને ચિ. સારાંશના શુભલગ્નમાં આશીર્વાદ આપવા જરૂરથી પધારશો.


Rate this content
Log in

Similar gujarati story from Drama