અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Tragedy

4.7  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Tragedy

શરણાઈનાં સૂર

શરણાઈનાં સૂર

5 mins
596


મેશ્વો નદીની નિકટ આવેલા અમરાપુર ગામમાં પાંચસો જેટલા ઘરની વસ્તી હતી. જેમાં રહેતા લોકોનું જીવન મેશ્વોના નીરની જેમ વહ્યા કરતું.

અહીં સુરજદાદા અને ચાંદતારા આવીને આળસ કર્યા વિના નિયમીત રીતે પોતાનું કામ કરી જતા. 

આવું જ કંઈક ઋતુઓનુંય હતું. નિયમિત આવતી અને જતી.

ગામની બહાર પાદરે એક વિશાળ તળાવ હતું. કૂવામાંથી વધુ પાણી ખેંચવું ના પડે, તેથી ઘરવપરાશના પાણી માટે આ તળાવ ગામની સ્ત્રીઓનો આશરો હતું. 

તળાવના કિનારાથી થોડેક જ દૂર વડવાઓએ બનાવેલી અમારી હવેલી હતી. 

હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. પિતાજી સરકારી કર્મચારી અને મા સામાજિક કાર્યકર હતી. તેઓ દિવસનો પૂરો સમય બહાર રહેતા. હું કોલેજ પતાવીને નોકરીની રાહમાં નવરાશની જિંદગી જીવતો હતો. મારો અભ્યાસ શહેરના છાત્રાલાયમાં રહીને પૂર્ણ કર્યો હોવાથી અહીં ગામમાં મને કોઈ ખાસ ઓળખતું નહિ. ગામમાં મારા કોઈ મિત્રો નહોતા. બાકી હતું તે વિશાળ હવેલીવાળું મારું જીવન ગામના યુવાનોને મારી સાથે સહજ બનતા અટકાવતું. જાણે-અજાણે અમારી હવેલી મારી એકલતાનું કારણ બની ગઈ હતી.  તેથી હું મોટેભાગે ઝરૂખે બેસીને આસપાસના વાતાવરણને જોતો, માણતો. બાકીનો સમય ચિત્રકામ અને લેખન કર્યા કરતો. હા, મને લખવું, ચિત્રકામ કરવું ગમતું. આમ, મારી પાસે મિત્રતાના નામે આ ઝરૂખો તેમ જ રોજનીશી, પેન, રંગબેરંગી પેન્સિલો જેવી કેટલીક નિર્જીવ વસ્તુઓ જ હતી. મને નિર્જીવ વસ્તુઓ ગમતી. 

આપણી લાગણીસભર ઊર્જા નિર્જીવ વસ્તુઓમાં ચેતના ભરી શકે છે એવું હું માનતો. વળી બીજો ફાયદો એ હતો કે આપણે જ્યાં સુધી ના છોડીયે ત્યાં સુધી નિર્જીવ વસ્તુઓ આપણો સાથ નથી છોડતી.

હું ઝરૂખે બેસીને મારી આ વસ્તુઓ સાથે જીવન જીવ્યા રાખતો. પણ હમણાંથી એક કૌતુક થયું હતું. મારી ઉદાસીન, એકલતાભરી અને અંધકારભરેલી જિંદગીમાં મેઘધનુષી રંગો પુરાવા લાગ્યા હતા. 

હા.. પગમાં રહેલ ઝાંઝરના રણકાર રેલાવતી એક યુવતી રુમઝુમ કરતી તળાવે પાણી ભરવા આવતી હતી.  આમ તો ઝરૂખે બેસવાનો મારો સમય થોડોક અનિયમિત હતો. પણ જયારથી મેં તેને જોઈ હતી, હું નિયમિત બની ગયો હતો.  હું સમયસર ઝરૂખે બેસી જતો અને એ યુવતીને જોઈ રહેતો.

શરૂશરૂમાં તે મારી તરફ જોતી નહોતી.

પણ પછી તે મને આડકતરી નજરે જોતી લેતી અને કયારેક તો મારી સામે હસી પણ લેતી. 

હા, એ મારી સામે ધીમુ હસી લેતી. થોડાક સમય બાદ એ સ્મિત પણ નિયમિત બન્યું. યુવતી રોજે મને જોતાજોતા જ પાણી ભરવા જતી અને આવતી, તેમ જ મધુર સ્મિત રેલાવતી. 

તેના મધુર સ્મિતને કારણે મારો આખો દિવસ શાનદાર બની જતો. 

તે પાણી ભરીને જાય અને બીજા દિવસે આવે ત્યાં સુધી હું તેની વિવિધ મુદ્રાઓના ચિત્રો બનાવ્યા કરતો...બસ.

તેણે પહેરેલી ઓઢણીના રંગો પ્રમાણેના રંગો હું તેના ચિત્રોમાં પુરતો.

હું તેની ગેરહાજરીમાં મેં દોરેલા તેના ચિત્રોમાં તેને જોયા કરતો. 

પછી તો મારા સ્વપ્નોમાંય તેની હાજરી રહેવા લાગી..!

મને એનું નામ, ઠામ કંઈ જ ખબર નહોતી. એવું પૂછવાની હિંમત પણ નહોતી થઈ.

વળી, હું થોડો બેફિકર અથવા કહો કે વધુ પડતો આત્મવિશ્વાસુ હતો. તેથી મને હતું કે મારું આ ખુબસુરત સ્વપ્ન અને હકીકત હંમેશા આમ ચાલશે, ચાલ્યા કરશે.

એ ઝરૂખામાં બેસી રહીને તેની રાહ જોવી ગમતી.

માત્ર પક્ષીનો, પવનનો, પાણીનો, વૃક્ષપર્ણનો અવાજ અને તેની પાયલનો રણકાર... બસ...આટલા જ અવાજ મને ગમતા. એ સિવાયના અવાજો મને શોરબકોર લાગતા. 

પણ... 

આજે જાણે મારું મન સ્વપ્ન તૂટ્યું હતું. આજે હું રોજની જેમ ઝરૂખે બેઠો હતો. એ આવી નહોતી. સેંકડો વખત મારી દ્રષ્ટિ તળાવ પર જઈને એમ જ પરત ફરી હતી. અજીબ અકળામણ મારા તન અને મનને દઝાડી રહી હતી. આજે પક્ષી, પવન અને પાણીનાં અવાજોય જાણે શાંત હતા. પણ એ અવાજો દૂર ક્યાંક વાગી રહેલી એક શરણાઈના સૂરના લીધે મને નહોતા સંભળાતા એવું મેં ધારી લીધું. 

એ આખો દિવસ હું એમ જ ઝરૂખે બેસી રહ્યો પણ તે યુવતી ન જ આવી.

હું હતાશ થઈ ગયો. એની ગેરહાજરીના લીધે પ્રકૃતિનું સંગીત પણ જાણે મારાથી રિસાઈ ગયું હતું. કોઈ મધુર સ્વર મારા કર્ણને જાણે સ્પર્શતા જ નહોતા. એ પછીના દિવસોમાંય તે ના આવી. 

ઘેરી ઉદાસીનતા સાથે તેની રાહ જોતો હું ત્યાં જ બેસી રહેતો. દિવસો વિતવા લાગ્યા. એ યુવતી ફરી ક્યારેય ના આવી.

મારી એકલતાસભર ઉદાસ જિંદગી સાથે હું ઝરૂખે બેસીને ચિત્રો દોરવાના મિથ્યા પ્રયત્નો કર્યા કરતો.

પણ ચિત્રોય શું દોરું..? મારા હાથમાં રહેલી રંગબેરંગી પેન્સિલોમાંથીય જાણે કાળો જ રંગ નિતર્યા કરતો હતો. 

તેથી હું પેલા યુવતીના ચિત્રો જોયા કરતો. મારું જીવન બેરંગ થઈ ચૂક્યું હતું. મારા મેઘધનુષી રંગો કોઈ પાયલના રણકાર સાથે જ જાણે ગાયબ થઈ ગયા હતા. સ્વર અને રંગો સાથેની મારી મિત્રતા પણ તૂટી ગઈ હતી. હું વાસ્તવિક અને મનોવૈજ્ઞાનિક બંને રીતે અમિત્ર બની ચુક્યો હતો.

હવે હું...

તેણે જે દિવસથી આવવું બંધ કર્યું હતું એ આખા દિવસની તમામ ઘટનાઓને મારા મનોજગત પર પરત બોલાવતો હતો, અને તેમાંથી શોધવા પ્રયત્ન કરતો હતો કે એ દિવસે એવું શું બન્યું હતું જેના કારણે તેણે આવવાનું બંધ કર્યું હતું ? કઈ ઘટના ઘટી હતી ? એ વાતાવરણમાં કંઇક તો બન્યું જ હતું, કંઇક અલગ બન્યું હતું, જેનાથી પોતે અજાણ હતો. હું રોજ મને પ્રશ્નો પૂછ્યા કરતો કે 'એવું શું બન્યું હતું જેના કારણે તે યુવતી મારા દ્રષ્ટિજગતમાં જોવા મળતી નહોતી ?'

પણ મને જવાબ ન મળતો. મહિનાઓ વિત્યા.

મોટાભાગે સમાજજીવનથી દૂર રહેનાર હું કયારેય સમજી જ ના શક્યો કે એ યુવતી ક્યાં જતી રહી હતી..!

મારી ઉદાસ જિંદગીના દિવસો વીતી રહ્યા હતા. 

આવા જ કોઈક દિવસે અચાનક..

કોઈક દિશામાંથી શરણાઈના સૂર રેલાયા. એ સૂરના અવાજથી હું ચમક્યો. 

મારા મગજમાં એક ચમકારો થયો. 

હા, આ જ સૂર...આવા જ સૂર એ દિવસેય વાતાવરણમાં રેલાયા હતા. કયા કારણે એ સૂર રેલાયા હતા ? શું મહત્વ હતું એ સૂરનું ?

હું ઝરૂખેથી ઉતરીને સૂરની દિશા તરફ દોડ્યો.

ત્યાં જઈને મેં જોયું કે એક કન્યા ડોલીમાં બેસીને વિદાય થઈ રહી હતી. 

ઓહ...મતલબ...એ દિવસે પણ આ કારણે જ સૂર વાગ્યા હતા.? શું તે યુવતી પણ..? 

ઓહ ઈશ્વર...

શું એ યુવતી પણ આ રીતે..? 

મને જવાબ મળ્યો હતો.

કોઈક જાણે મારા હૃદયને મુઠ્ઠીમાં લઈને દબાવી રહ્યું હોય એટલી ભયાનક પીડા થઈ આવી.

મહામુસીબતે ઘેર પહોંચેલો હું ઝરૂખામાં આવીને ફસડાઈ પડ્યો. મારો હાથ ઝરૂખામાં રહેલી ચારપાઈને વાગ્યો. ચારપાઈ પર રહેલા જગમાંથી પાણી રેલાયું. એ પાણીથી પેલા તમામ ચિત્રો પલળવા લાગ્યા. પલળેલાં ચિત્રોમાંથી નિતરેલ રંગમિશ્રિત પાણી ઝરૂખાના ખૂણે રહેલી નળીમાંથી નીચે નીકમાં જઈને ભળ્યુ. બાદમાં નીકનું પાણી તળાવમાં જઈને ભળી રહ્યું.

હું શૂન્યમનસ્ક બનીને એ ચિત્રોને જોઈ રહ્યો. પલળેલાં ચિત્રોમાં હવે માત્ર કોઈ શરીરનો આભાસ દર્શાવતા શ્યામરંગી લીટા જ દેખાઈ રહ્યા હતા. 

હજી સુધી વાગી રહેલી શરણાઈના એ સૂર મારા શરીરને જ નહીં, મારા આત્માને સુધ્ધાં દઝાડતા હતા...મને હવે રંગો અને અવાજો પર નફરત થવા લાગી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy