શરમના શેરડા
શરમના શેરડા


પ્રેમની નિશાની એટલે લાલગુલાબ. . આ એ જમાનાની વાત છે જ્યારે નિલકંઠરાય કોલેજમાં ભણતા હતા, સુની ત્યારે સ્કૂલમાં છેલ્લા વરસમાં હતી. બન્નેના ઘર એકજ મહોલ્લામાં તેથી બન્ને એકબીજાને ઓળખતા હતા. સુની અગાશીમાં હોયતો નિલકંઠરાય પણ પોતાના વરંડામાં હોય. એક દિવસ સુનીની નજર વરંડામાં ખીલેલા સુંદર લાલ ગુલાબ પર પડી અને તેણે નિલકંઠરાયને ઈશારાથી ગુલાબ આપવા કહ્યું. નિલકંઠરાય ગુલાબ તો આપ્યું પણ મૃગનયની સુનીની આંખની શરારત તેમને દિલમાં મીઠા સ્પંદન જગાવી ગઈ. ચુપચાપ તેઓ પાછા ફરી ગયા.
ફૂલ થોડું રોજ કૂંડાને શોભાવી ને ખીલી ઉઠે,એટલે માળીકાકાને ત્યાં એક ગ્રાહક વધી ગયો. ફૂલ આપતા હાથના સ્પર્શમાં કંપન ને આંખોમાં મૂક આભાર ની આપ લે વધતી ગઈ. આમને આમ વાત ઘરના દરવાજે ટકોર કરી ગઈ. બન્નેના વિવાહ નક્કી થયા. બન્ને તે દિવસે હક સાથે મળ્યાને ગુલાબનું ફૂલ બન્નેના અધરોની મીઠાસ બની ગયું પેલા દિલીપકુમાર ને મધુબાલાના મોગલેઆઝમની જેમજ તો. નિલકંઠરાય પોતાના લગ્નની રાતે પણ સુનીને ભેટમાં ગુલાબનું ફૂલ આપ્યું. સુનીએ એના બદલામાં પોતાનું સર્વસ્વ અર્પી દીધું.
સુખ દુ:ખ,ઝઘડો સુલેહ, માંદગી સાદગી નું એ પ્રતીક બની ગયું. લગ્નની તિથિઓ આવીને ગઈ પણ ગુલાબનો સિલસિલો ન તૂટ્યો. સવારના આજે દાદીમા સરસ કપડાં પહેરી રસોડામાં રસોઈ કરી રહ્યા હતા. મુન્નો જોતો હતો કે દાદી કંઈક ગણગણી રહ્યા હતા. દાદા તો દૂરથી જોતા હતા કે દાદી એમની સામે નહોતા જોતા,,તે ઘીરે રહી દાદા પાસે ગયો ને હાથથી ઈશારો કરી પૂછી રહ્યો હતો ને દાદા હાથમાં ફૂલ લઈ દાદીને બતાવી રહ્યા હતા. મુન્નાએ ગુલાબ લઈ દાદા નિલકંઠરાયને પૂછ્યું,”શું આને મંદિરે ચઢાવાનું છે?”
દાદાએ તેને પાસે બોલાવી ગાલ પર વહાલ કરી કહ્યું,”ના બેટા આ દાદીને આપવાનું છે. ને તે પૂછે કોણે આપ્યું તો મારૂ નામ દેવાનું છે. ”
મુન્નાએ દાદાનું કામ માથે લીધું ને પહોંચી ગયો દાદી પાસે, દાદીની રસોઈ મધમધ થતી હતી. આજે નક્કી કંઈક છે એટલે જ સુનીદાદી ખુશ છે. તેણે દાદીની સાડી પાછળથી ખેંચીને ગુલાબનું ફૂલદાદી સામે ધર્યું. સુની વિચારમાં પડી કાં આજે જાતે ન આવ્યા? તેણે ફૂલ તો લઈ લીધું ને મુન્ના ના ગાલ પર વહાલ કર્યુ ને નિર્દોષ મુન્નો બોલ્યો,”દાદી પણ દાદાએ તો આ ગાલ પર બકી કરી હતી. ”
દૂર બેઠેલા નિલકંઠરાયે જોયું તો સુની પહેલીવાર ગુલાબનું ફૂલ લેતા શરમાય હતી તેવાજ શરમના શેરડા એ ગાલ પર આજે પચાસ વરસના વહાણા વિત્યા પછી પણ સુની ના ગાલને લાલ ગુલાબ જેવા કરી ગઈ.