શરમ
શરમ
મોટા ભાઈએ ખુશખબરી આપી અને પિતાજીના ચહેરા ઉપર ગર્વ અને અભિમાન છવાઈ આવ્યા. આરામથી જમી રહેલા મોટાભાઈ અને પિતાજી જાણે કશો ફેર પડતો ન હોય એમ પીરસાઈ રહેલા ગરમાગરમ જમણનો લ્હાવો માણી રહ્યા હતા. ઘરમાં હું સૌથી નાનો હતો. એટલે મને તો ફક્ત જાણ કરવામાં આવતી. મારા અભિપ્રાયની કોઈને કશી જરૂર ન હતી.
"કોલેજ કેમ ચાલે છે ?" મોટાભાઈએ પોતાના સંબંધનો રુઆબ જમાવતા મોઢામાં કોળિયો નાખી મને પૂછ્યું.
" સારી ચાલે છે. બધાજ વિષયો બરાબર ભણાવાય છે. માત્ર 'એ' વિષય યોગ્ય રીતે ભણાવતા નથી. "
સામે બેઠા મોટાભાઈની આંખોમાં આગ સળગી ઊઠી. પિતાજીના ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો.
" શરમ નથી આવતી ?"
'એ' શબ્દ કદાચ એ પચાવી ન શક્યા.
'શરમ ?' એ શબ્દ મારા મનમાં પુનરાવર્તિત થયો અને મારી નજર રસોઈ પીરસી રહેલી ભાભી ઉપર આવી પડી. એમણે એક ક્ષણ માટે મારી આંખોમાં જોયું અને પછી એ ત્રણ ત્રણ દીકરીઓની ડિલિવરી, બબ્બેવારના મિસકેરેજ અને આ વખતે તો દીકરાનેજ જન્મ આપવાની જવાબદારીનો શારીરિક અને માનસિક થાક પોતાની સાડીના પાલવમાં સમેટતી રસોડા તરફ ઉપડી.
એમણે પીરસેલી ગરમ રોટલી અને શાકને આદરપૂર્વક મોઢામાં મૂકી મેં કોઈ પણ પ્રકારની શરમ વિના જમવાનું ચાલુ રાખ્યું. સામે બેઠા બે કદાવર પુરુષોની અગનજ્વાળાઓથી મને કશો ફેર પડી રહ્યો ન હતો.
