શ્રાપ
શ્રાપ
"અલ્યા સંજુ..ઓ સંજુ.. બેટા જરી અહીં આવ ને ! આ બેડું ઉતારવામાં મદદ કરને !"
"એ આયો..મા.." કહેતાં સંજુ આવ્યો. માથેથી બેડું ઉતારવા હાથ લંબાવ્યો.
ઊનો ઊનો હાથ...દાઝી જવાય તેવો ! તેણે બેડું ઉતારી, પાણીયારે મૂક્યું પણ..
" સંજુ, શું થયું બેટા ?" લક્ષ્મીએ કેડે મૂકેલું અને માથે મૂકેલું બીજું બેડું આસ્તેથી ઉતારી પાણીયારે મૂક્યા. સાડીનો પાલવ પહોળો કર્યો. મોઢું અને હાથ તેનાથી લૂછયા. જર્જરિત સાડીમાં કાણા... જાણે આભમાં તારલિયા પ્રકાશતા હોય તેમ ઝબુકતા હતાં. જાણે હમણાં જ એક તારો.. ઝળકીને, વિસ્તરીને.. ચંદ્ર બની જાય !
અને તો પણ ! આટલા બધા તારા પોતાના પાલવમાં સમાવતી લક્ષ્મી..સદાય હસતી... હસાવતી.. !
શ્રમજીવી, મજૂરી કામ કરતી લક્ષ્મી, એક એક પૈસાનું મૂલ્ય જાણતી. ફાટેલા તૂટેલા કપડાને કાપકૂપ કરી થીંગડા બનાવી નવું જ સ્વરૂપ આપતી અને એમાં એને રોજીરોટી મળી રહેતી.
લક્ષ્મીનો પતિ કેશવ શાકની લારી કરતો. પતિ-પત્ની પ્રમાણિકતાથી, આનંદથી જીવન જીવતા. આવી નાની કમાણીથી પણ સંતોષથી..નાના અમથા ઝૂંપડામાં એકના એક દીકરા સંજુ સાથે, આનંદથી જીવન માણતા !
આજે લારી આંગણામાં મુક્તા જ કેશવે, લક્ષ્મીનો અવાજ સાંભળ્યો."સંજુ શું થયું બેટા !"
ધ્રાસકો પડ્યો હૃદયમાં ! ચોકડીમાં સ્નાન કરવા માટે કપડા ઉતારતા કેશવ ચમકી ગયો." શહેરમાં ચાલતી મહામારી મારા ઘરમાં ? ના..ના..ના.. ! સંજુ બહાર રમવા જતો નથી. માત્ર લક્ષ્મી પાણી ભરવા જાય છે... મહોલ્લામાં મ્યુનિસિપલાટીના નળે..પણ તે પણ પૂરેપૂરી કાળજી રાખે છે અને હું પણ."
સ્નાન કરી,ટુવાલથી ડિલ લૂંછતા લૂંછતા કેશવ અંદર આવ્યો." સંજુ. શું થયું બેટા ?" કહી તેણે તેના માથે હાથ મૂક્યો.
"ધખ..ધખતો તાવ !"
"સંજુડા ! તું કશે બહાર ગયો હતો ?" કેશવ ગુસ્સામાં બોલી ઉઠ્યો.
"ના બાપુ ."સંજુ ધીમેથી બોલ્યો અને આંખના પોપચા બીડી દીધા.
"શું થાય છે..તને.. ?"
"અશક્તિ લાગે છે. બાપુ."
"કશુક ખાઈ લે."
" લક્ષ્મી જલ્દી જલ્દી થાળી પીરસ. સંજુ થોડુંક...'
દૂધ અને ગરમ ગરમ મગની દાળની ખીચડી લક્ષ્મીએ પીરસી.
હાથનો ટેકો આપી કેશવે સંજુના મોઢામાં કોળિયા મૂકવા માંડયો.
એક કોળીયો ખાધો અને સંજુ બોલી ઉઠ્યો." બેસ્વાદ બનાવ્યું છે. મીઠું પણ નથી નાખ્યું.. માં.. જા નથી ખાવું."
કેશવના હૃદયમાં સણકો ઉપાડ્યો.
તેણે પોતે ખીચડી ચાખી. બરાબર હતી.
"લક્ષ્મી.. લક્ષ્મી.. આપણા દીકરાને મહામારી !" કહેતા તે રડી ઊઠયો.
ટીવી પર આવતા સતત સમાચાર... અવિરત ચીસ પાડતી એમ્બ્યુલન્સ, હોસ્પિટલની મોંઘી સારવાર, ઓક્સિજન વગર મરતા દર્દીઓ અને સૌથી ભયાનક દ્રશ્ય... લાશોના ઢેર ! સ્મશાનમાં સળગતી... અવિરત સળગતી ચિતા ! સ્મશાનની ચીમનીમાંથી નીકળતા અવિરત કાળા ધુમાડા ! મૃતકનું મોઢું જોવા તલપાપડ થતા સ્નેહીજનો..
"લક્ષ્મી શું કરીએ ? કેશવ મૂંઝાઈને બોલી ઉઠ્યો.
"ભૂલ થાય છે તમારી ! તમને કોણે કહ્યું, કે સંજુને મહામારી થઈ છે. પહેલા ડોક્ટરને તો બતાવો !"
"હા "કહેતા કેશવે હવે ફરી સંજુને માથે હાથ મૂક્યો. સતત ધખતો તાવ !
તેણે '108' પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી લીધી.
એમ્બ્યુલન્સમાં આવેલા ડોક્ટર, નર્સ ખૂબ સારા હતાં. તેમણે સંજુને બરાબર ચેક કર્યો અને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.
આખી રાત કેશવે હોસ્પિટલની બહાર કાઢી.. પોતાના દીકરાની ખબર કાઢવા ! પણ અંદર જવાની તો મનાઈ હતી.
બીજે દિવસે કેશવ સવારે ઘરે આવ્યો. શાકની લારી લઈને તે નીકળી પડ્યો. આજે તેનો અવાજ અને આંખ બેઉ બોલતા હતાં. તેના બધા રોજિંદા ઘરાકોને સંજુની ખબર પડતા, બધાએ વધુ પૈસા આપ્યા.
કોઈકે અનાજ આપ્યું ."થોડા દિવસ બહાર નીકળતો નહીં. આ અનાજથી ચલાવજે, જોઈએ તો બીજુ મંગાવી લેજે." આટલા પ્રેમથી કહેતા ઘરાકે ઘણું બધું આપ્યું.
અરે ! રસ્તામાં ઊભાં રહેલા ડંડો ઊગામતા, પોલીસે પણ આજે તેને જોઈને સહાનુભૂતિ દર્શાવી. સામેથી સારવાર માટે પૈસા આપ્યા.
દરરોજ શાક આપવા જતો કેશવ મૃદુલાબહેનને ત્યાં પહોંચ્યો. મૃદુલાબહેનને ત્યાં ગમગીન વાતાવરણ હતું. કદાચ ?
" બેન શાકના પૈસા આપશો. મારા દીકરાને હોસ્પિટલ દાખલ કર્યો છે. પૈસાની જરૂર છે." કેશવે કહ્યું.
"નથી પૈસા. કાલે આવજે." મૃદુલાબહેનના પતિ અકળાઈને બોલી ઉઠ્યા.
"પણ સાહેબ.. !"
"એક વાર કીધું ને... ! આટલા અમથા પૈસામાં તો જાણે.. ?"
"આવું શું બોલો છો રાય તમે ? આપણી માફક એને પણ દીકરાની ચિંતા હોય ને !"
"શું થયું બહેન ભાઈને ?" કેશવ મૃદુતાથી બોલી ઉઠ્યો.
"કિડની ફેલ."
"ઓહ.. ભગવાન પર ભરોસો રાખો. તેને કિડની મળી જશે બહેન. ચિંતા ન કરો."
"પૈસા આપવા તૈયાર છીએ. પણ... !" કહેતાં મૃદુલાબહેન શાકના પૈસા કરતાં વધુ પૈસા આપ્યા.
" બરાબર સારવાર કરાવજે. ઈશ્વર તારુ ભલુ કરે અને દીકરો જલ્દી સાજો થઈ જાય." મૃદુલાબેન આશિષ આપતા આપતા આંખમાં પાણી આવી ગયા.
બે હાથ જોડતા કેશવ નીકળી ગયો.
ઘરે ગયો.
આજે તેને ઘણા બધા પૈસા મળ્યા હતાં.
" આજનું હોસ્પિટલનું બિલ ચૂકવાઈ જશે. પણ કાલે ?" કેશવ પ્રભુને પ્રાર્થના કરતા કરતા હોસ્પિટલ જઈ પૈસા ભર્યા.
હોસ્પિટલની બહાર બેઠેલા કેશવ માટે લક્ષ્મી ટિફિન લઈને આવી. બેઉ જણા હોસ્પિટલમાં થતી દોડાદોડી જોતા હતાં. મૃતદેહને જોઈ તેમના હૃદયમાં અસહ્ય વેદના થઈ આવી." શું સંજુને તો કંઈ નહીં થાય ને !"
પૂછપરછના કાઉન્ટર પર જઈ કેશવે સંજુ માટે તબિયત પૂછી.
" તબિયત ખુબ સરસ છે. કાલે તો ઘરે લઈ જવાશે. પણ ઘરે કાળજી રાખવી પડશે. એક ઈન્જેક્શન લાવી આપો." કહી પૂછપરછ પર બેઠેલા ક્લાર્કે એક ચિઠ્ઠી આપી.
કેશવ દોડ્યો..હોશમાં ને હોશમાં ! કેમિસ્ટને જઈને કહ્યું,"આ ઇન્જેક્શન આપો."
"25000 આપો"
કેશવ ચૂપ થઈ ગયો. "આટલા બધા પૈસા ક્યાંથી લાવવા ? આ તો માત્ર ઈન્જેક્શનનો ખર્ચ. હોસ્પિટલનો ખર્ચો જુદો થશે !"
ભાંગેલા પગે લક્ષ્મી પાસે આવીને બેઠો. વિચારવા લાગ્યો.
"ઇન્જેક્શન ક્યાં છે ?" લક્ષ્મી પૂછી બેઠી.
"હું લઈ આવું છું. મોડું થશે, પણ અંદર જઈને કહેજે કે ઇન્જેક્શન હમણાં આવી જશે." ખૂબ ઊંડાણથી વિચારતો વિચારતો, એકલો એકલો..બબડતો.. કેશવ ચાલવા લાગ્યો.. ભર તડકામાં !
અને મૃદુલાબહેનને ત્યાં આવીને ઊભો રહ્યો.
"બહેન. હું તૈયાર છું. પૈસા તો મળશે ને ?"
"પણ ભઈલા પહેલા ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જવું પડશે."
"હું તૈયાર છું. અબિહાલ ..બહેન જલ્દી કરો..મારો દીકરો.. !"
મૃદુલાબહેન, તેમના પતિ, દીકરો કિડની હોસ્પિટલ પહોંચી ગયા. ભગવાનનું કરવું.. કિડની મેચ થઈ ગઈ.. અને કેશવે.. !
મૃદુલાબહેન જાતે હોસ્પિટલ જઈ લક્ષ્મીને બધી વાત કરી. પૈસા આપ્યા.
લક્ષ્મી આઘાત પામી ગઈ. હાથમાં પૈસા તે પણ કેવા ! તે ના રડી શકી ના હસી શકી.
મૃદુલાબહેન જાતે જ ઇન્જેક્શન લઈ આવ્યા. સંજુને સારવાર માટે આપી આવ્યા.
પરંતુ...
પણ..પણ..
"થોડા સમય પછી કેશવના મોબાઈલ પર મેસેજ આવ્યો ."દર્દીનું મૃત્યુ...."
કાળી.. ભયાનક ..વેદનાભરી ..ચીસ !
ફરી એ..જ.. અવિરત ચાલતી સ્મશાનની ચિતા !
આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર ફરતા હતાં." કોરોના માટેના નકલી ઇન્જેક્શનો પકડાયા."
"નખ્ખોદ જાય ! તારી સાત પેઢીએ.. ! કહેતા લક્ષ્મીની ચીસે ..વેદનાએ.. પુત્ર ગુમાવેલ માની આંતરડીએ જાણે..શ્રાપ.. !
