Amrut Patel 'svyambhu'

Romance Tragedy

3.6  

Amrut Patel 'svyambhu'

Romance Tragedy

શકુબાઈનો ટેણિયો

શકુબાઈનો ટેણિયો

6 mins
572


કલકતા શહેર છોડયા પુરા દશ વરસ થવા આવ્‍યા હતાંં. કર્ણ પણ હવે તો સુલભના ખભે આવતો હતો. તેનો ચહેરો પણ સુલભને જ મળતો આવતો. આ જોઈ કેતકી ઘણીવાર વિચારતી, 'શું કર્ણ... !'

અને મનનો વિચાર મનમાં જ દબાવી દેતી.

સુલભ સાથે લગ્ન થયાને લગ્નજીવનના આરંભના એ દિવસો બંને એકબીજામાં એવા ખોવાયેલા રહેતાં જાણે સારસ બેલડી. પરણીને તરત જ નવદંપતી શ્રીનગર ગયા હતાં. શ્રીનગર પહોંચતા પહેલા વચ્‍ચે જોશી મઠમાં વિરામ આવે ત્‍યાં બંને ગયા ત્‍યારે તેમણે જાણ્‍યું કે, ત્રણ હજાર ફૂટે ઊંચાઈ પર આવેલી છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે ત્‍યાં છે. બંનેએ શ્રીનગર જઈ હનીમુન માણ્‍યું હતું. 

શ્રીનગરથી પાછા ફર્યાને બંને એકબીજાના કામમાં પરોવાયા. છ એક મહિના પસાર થયા હશે ત્‍યાં કેતકીને મનમાં ફાળ પડી.

ઓહ !

મહિના ઉપર દસ દિવસ થઈ ગયા તો પણ... !

પરણ્‍યાને માંડ વરસ થયું હશે ત્‍યાં.... હજુ તો આવતે વરસ ગોવા જવાનું નકકી કર્યુ હતું. અત્‍યારથી જ તે મા બની જાય તો... !

નહિ... નહિ... !

જુવાન શરીર અને મને એક અકળામણ અનુભવી.

કેતકી આટલી જલદી પ્રેગ્નન્‍ટ બનતાં તેને તેનું ભાવિ અંધકારમય લાગ્‍યું ! તેણે તેની કેરિયર બનાવવી હતી. અત્‍યારથી જ જો તે સંતાનનાં ઉછેરમાં પડી જશે તો... !

થોડા સમય પછી તેની ટ્રેઈનિંગ આવે તેમ હતું. જો ટ્રેઈનિંગ આવે તો અને પોતે પ્રેગ્નન્‍ટ હોય, ટ્રેઈનિંગ જોઈન્‍ટ ન કરી શકે તો... ! પોતાની પ્રેગ્નન્‍સી તેને તેના કેરિયર માટે બાધકરૂપ લાગી. સુલભ માટે ખુશીના સમાચાર હતાંં કે, તે પિતા બનવાનો છે. આમ છતાં કેતકીએ આ વાત સુલભથી છૂપાવી. પોતે પ્રેગ્નન્‍ટ છે. તે વાત તેના પૂરતી મર્યાદિત રાખી.

શરૂઆતમાં થયું કે, આ એક વહેમ માત્ર હશે. ત્‍યાં બીજો મહીનો પૂરો થવા આવ્‍યો. વહેમ સાચો ઠર્યો. એક દિવસે તે બેંકથી બારોબાર લેડી ડૉક્ટર પાસે જઈ તપાસ કરાવી. ડૉક્ટરે અભિનંદન આપતા બીજો મહિનો ચાલે છે તેવી જાણ કરી. સાંભળતા જ કેતકી ધ્રુજી ગઈ. તે આટલી જલ્‍દી આ જંજાળમાં પડવા માંગતી નહોતી !

અઠવાડિયું અવઢવમાં પસાર થયું. તે કોઈ પણ ભોગે તેનું કેરિયર બનાવવા માંગતી હતી. તેણે જોયેલા સ્‍વપ્‍નનો ઊંચી પાયરીનો હોદો સંભાળવો હતો. એટલે તેણે સુલભને આ ખુશીના સમાચાર આપ્‍યા વિના જ એક નિર્ણય લીધો.... !

અઠવાડિયા બાદ બધું જ જાણે નોર્મલ બની ગયું !

કેતકીની ધારણા પ્રમાણે જ બન્‍યુ. એક સાંજે તે ઘેર આવી સુલભને કહયું: 'સુલભ મારી ટ્રેઈનિંગ આવી છે. મહિના માટે આપણે અલગ રહેવું પડશે.'

'ઓહ... નો... એક મહિના સુધી.' સુલભ કેતકી સામે આશ્‍ચર્યથી જોઈ રહયો.

 'હા... ટ્રેઈનિંગ બાદ તરત જ એકઝામ છે એટલે મહિનો થશે.'

'કયારથી જોઈન્‍ટ કરવી છે.'

'બસ નેક્‍સ્‍ટ વીક માંજ…' 

'ઓહ, યાર કેતુ મને તારા વિના નહિ ગમે.. તારા વિના તો હું સાવ અપંગ જ બની જઈશ. મારી કેર કોણ લેશે...? ! સુલભ બોલ્‍યો.

'અરે મહિનો તો આ ચપટી વગાડતા પૂરો થઈ જશે. તું ફિકર ના કરીશ. અને તારી સંભાળ રાખવાનો મેં પૂરેપૂરો ઈન્‍તજામ કરી રાખ્‍યો છે. મને ખબર છે સવારે જલ્‍દી ઉઠવાનો તું ચોર છે. પણ મે શકુબાઈને તારી બધી જરૂરિયાતોનો ખ્‍યાલ આપી દીધો છે. ઘરના કામકાજથી માહિતગાર કરી દીધી છે. એટલે તું ચિંતા ના કરીશ.'

'બધી જ જરૂરિયાતોનો એટલે….'

સુલભ મર્મી હસ્‍યો.

'જો લુચ્‍ચો... ! કેતકી સુલભનો કહેવાનો ભાવાર્થ સમજી ગઈ.

'શું તારે આ ટ્રેઈનિંગ લેવી જરૂરી જ છે.' સુલભ બોલ્‍યો.

 'મારા કેરિયર માટે આ ખૂબ જ જરૂર છે. આ માટે તો મેં... ! ' કેતકીના હોઠ સુધી શબ્‍દો આવી ગયા પણ તે બોલતા અટકી ગઈ. તેણે વાત બદલી નાંખી !

કેતકી આખી રાત વિચારતી રહીઃ 'આ માટે તો મેં કેટલો મોટો ભોગ આપ્‍યો છે.'

ટ્રેઈનિંગમાં જતાં પહેલાં તેણે શકુબાઈને ઘરની દેખભાળ તેમજ સુલભને સમયસર બધું મળી રહે તેની ગેરહાજરીમાં સુલભને કોઈ અગવડતા ન પડે તેની સૂચના આપી.

બંને અલગ થયા.

ટ્રેઈનિંગ પૂરી થતાં કેતકી ઘેર આવી. સમય સાથોસાથ કેતકીએ જે માટે બલિદાન આપ્‍યું હતું તે હોદ્દો તેને મળી ગયો હતો. આજે તે રૂઆબભેર તેનો હોદ્દો સંભાળી રહી હતી !

પણ... !

એકાંત મળતાં તેનું હૃદય તીવ્ર વેદના અનુભવતું.

વરસ સુકા પર્ણોની જેમ ખર્યે જતા હતાંં. તે સાથે બંનેની માતા-પિતા બનવાની ઝંખના પ્રબળ બનતી જતી. પણ કેતકીની કૂખે સંતાનનાં કોઈ એંધાણ વર્તાતા નહોતા !

કેતકી કેટલીય રાત એકાંતમાં આંસુ સારી લેતી. તે દિવસે સુલભથી છૂપાવીને કરેલ ભ્રૂણ હત્‍યાની વેદના તેને ડંખતી રહેતી હતી. રાત્રે તેને અવારનવાર સ્‍વપ્‍નમાં સુંદર મજાનું એક બાળક તેની સામે આવી તેને બોલાવતું. તે બાળકની નજીક જતી તેમ તેમ તે બાળક પા... પા... પગલી ભરતું એક ટેકરી ઉપર પહોંચી જતું. કેતકીનો હાથ છોડીને ઊંચી તળેટી ઉપરથી પટકાઈ જતું... ! કેતકી ચિત્‍કારીને જાગી જતી. ન કહી શકાય ન સહી શકાય તેવી પરિસ્‍થિતિ હતી.

કેતકીને પ્રમોશન મળ્‍યાનાં થોડા જ સમયમાં શકુબાને ત્રીજી સુવાવડ થઈ. શકુબા કામ માટે આવતી નહોતી. કેતકીને ઘરકામમાં થોડી અગવડ પડી પણ જેમ તેમ દિવસો પસાર કરી લીધા. દરમિયાનમાં એક દિવસે તે સુલભને લઈ શકુબાની ઝૂંપડીએ જઈ શકુબાને નવો સાડલો બાબા માટે કપડા અને સુવાપાક આપી આવી !

તે રાત્રે પણ બંનેને બાળકની તીવ્ર ઝંખના થઈ આવી. કુદરતના ન્‍યાયને તે જોઈ રહયા. જેમને સંતાનની જરૂર છે તેમને ત્‍યાં સંતાન નથી અને જેમને સંતાનની જરૂર નથી તેમને ત્‍યાં સંતાનની હારમાળા ! રાત્રે બંને બાળકની આશામાં એકબીજામાં સમાયેલા રહયા. કલાકો સુધી બંને ચિર વિયોગી પતિ-પત્‍ની જેમ મરૂભુમિ પર વરસતાં રહયાં. સુલભ દ્વારા પ્રહાર પામીને કેતકી નવું સ્વાસ્થ્ય, નવું જીવન પામવાની કલ્‍પના કરતી રહી. માતૃત્‍વની ઝંખનાએ તેનાં અંતરમાં ઉછળી રહેલા તરંગને એ કલ્‍પનાએ ઓર બહેકાવી મૂકી... !

અને આમ, દિવસો સરતા રહયા શકુબાએ ફરી કામ શરૂ કરી દીધું. હવે તો તેનો નાનો ટેણિયો પણ તેની સાથે કેતકીના ઘેર આવતો થયો. રજામાં કેતકી અને સુલભ તેને કયાંય સુધી રમાડતા રહેતા. તેના માટે અવનવા રમકડા પણ ખરીદતા. પસાર થયેલા સમયમાં બંનેએ શારીરિક તપાસ પણ કરાવી જોઈ. રિપોર્ટ નોર્મલ હતો. આમ છતાં... !

હવે તો કેતકીના જીવનની ઋતુનો અંત આવી ગયો હોય તેવું જણાતું હતું. હવે કોઈ અંકુરો પ્રસ્‍ફુરિત થવાની શકયતા દેખાતી નહોતી. આ માટે કેતકી તેની જાતને દોષી માનતી હતી !

જયારે પણ એકાંત મળતું ત્‍યારે તેનું મન પોકારી ઉઠતું, 'અરે ભગવાન મારાથી કેવો અપરાધ થઈ ગયો. જેનું ફળ હું આજ ભોગવી રહી છું. સુલભનો પણ મે દ્રોહ કર્યો છે. હું શું ખરેખર હવે સંતાન ધારણ નહિ કરી શકું.... મને બાળહત્‍યાનો શ્રાપ લાગ્‍યો હશે ? શું હવે આ સૂકી ડાળ પર ફૂલ ખીલી શકશે ? !'

પ્રકૃતિએ કેતકીનાં યૌવનનો ઉન્‍માદ ઝૂંટવી લીધો હતો. સ્‍ત્રી સુલભ રજપ્રવાહની શકિત પણ તેનામાં રહી નહોતી. હવે તે હાડમાંસ સિવાય કશું તેનામાં રહયું નહોતુ !

કેતકીના અંતરમાં ભયંકર દ્વંદ્વ ચાલતું હતું. સુલભથી છૂપાવીને કરેલ પાપનું તે પ્રાયશ્‍ચિત કરવા માંગતી હતી. સંતાન માટે તેનું માતૃહૃદય ઝંખતું હતું. કેતકીને લાગ્‍યું કે, હવે સૂકી ડાળ પર કોઈ ફૂલ ઉગવાનું નથી ત્‍યારે તેણે એક રાતે સુલભને કહયું, 'સુલભ મને એક વિચાર આવે છે. જો તું સંમત થતો હોય તો કહું !'

'શું વાત છે? !'

'હવે હું તને સંતાન આપી શકું તેમ નથી. કેટલા વરસ આપણે ઠગારી આશામાં પસાર કર્યા પણ હવે કોઈ અર્થ નથી. જો તું તૈયાર થાય તો આપણે શકુબાઈને સમજાવીએ...? !

'એટલે તું શું કહેવા માંગે છે? !' સુલભે આંચકો અનુભવ્‍યો.

'એજ કે તેનો નાનો બાબો આપણા સાથે કેવો હળીમળી ગયો છે અને આપણા સાથે હોય છે ત્‍યારે... !'

'કેતુ તું શું બોલે છે તેનું તને ભાન છે ?'

'હા, સુલભ હું ભાનમાં જ છું.'

'પણ એક કામવાળીનો છોકરો… !'

'સુલભ આમ પણ આપણે હવે આ શહેરમાંથી શિફટ જ થવાનું છે. બીજે કયાં કોઈને ખબર પડવાની કે આ શકુબાઈનું બાળક છે… !'

 'પણ…? સુલભ બોલતા અટકી ગયો.

રાતે બંને કયાંય સુધી આ અંગે વાતો કરતા રહયા. બીજા દિવસે સમય જોઈ શકુબાઈને સમજાવીને વાત કરીશું તેવું નકકી થયું.

શહેરમાંથી શિફટ થવાનાં થોડા દિવસ પહેલા બંને શકુબાઈની ઝૂંપડીએ જઈ રાતનો કેટલોય સમય ઝૂંપડીમાં પસાર કર્યો. તે પછી અંધારી રાતમાં ત્રણ પડછાયા ગાડીમાં સમાઈ ગયા... !

રાત્રે ઘેર આવી બંને વચ્‍ચે શકુબાઈના ટેણિયાને ઉંધાડયો. કેતકીને પ્રાયશ્‍ચિત કર્યાનો સંતોષ હતો. સુલભને મન પણ એક સંતોષ હતો. બંને આ નવા સંતાનના માતા-પિતા બની ગયા.

અઠવાડિયા પછી નાનું પરિવાર કલકતાથી શિફટ થઈ બીજા શહેરમાં આવી વસ્‍યું. અહીં શકુબાઈનો ટેણિયો કેતકી-સુલભનો કર્ણ બની ગયો.

સમય ચિત્રકાર બની કર્ણ ઉપર પિંછી ફેરવતો રહયો. આજના કર્ણનો ચહેરો જોઈ કેતકી સુલભની આલ્‍બમમાં ગોઠવાયેલી તસવીર સાથે તાળો મેળવતી જતી હતી. તે સાથે તેના મનમાં અગણિત પ્રશ્‍નોની વણઝાર ઉઠતી. ટ્રેઈનિંગમાં જતા અગાઉનો સુલભનો ચહેરો વારંવાર તેની સામે આવતો !

પણ... તે સુલભને કહી શકતી નહોતી. હવે તેની વિચારધારાનો પ્રવાહ બદલાઈ ગયો હતો. તે વિચારતીઃ 'શું પોતાનો કરેલો બીજાનો પુત્ર તેના પાલક પિતા સાથે આટલું સામ્‍ય ધરાવતો હશે ? !' 

 અને આમ, કેતકી આજે પણ એક શંકાવાળું સંતાન ઉછેરતી રહી....!


Rate this content
Log in

Similar gujarati story from Romance