શિયાળ અને ઘેંટાનું બચ્ચું
શિયાળ અને ઘેંટાનું બચ્ચું




ઊંચા વિસ્તારમાંથી વહી રહેલા ઝરણાનું પાણી એક શિયાળ પીતું હતું, જયારે તેનાથી થોડેક દુર નીચાણમાં આવેલા પ્રવાહનું પાણી એક ઘેંટાનું બચ્ચું પીતું હતું. ઘેટાના એ તાજામાજા બચ્ચાને જોઈ શિયાળના મોઢામાં પાણી આવ્યું. તેનો શિકાર કરવાનું કોઈક બહાનું વિચારતા વિચારતા શિયાળ તેની પાસે ગયું અને ગુસ્સાથી બોલ્યું, “અરે! દુષ્ટ, તને દેખાતું નથી કે હું પાણી પી રહ્યો છું. મારા પાણીને એંઠું કરવાની તારી હિંમત કેવી રીતે થઇ?”
વિકરાળ શિયાળને પોતાનું સામું ઉભેલું જોઈ ઘેંટુ ભયભીત થઈને બોલ્યું, “શિયાળકાકા, પાણીનું વહેણ ઉંચાણથી નીચે તરફ વહે છે. એટલે કે ઝરણાનું આ પાણી તમારાથી મારી તરફ વહી રહ્યું છે. એટલે કે આપશ્રી નહીં પરંતુ હું જ આપશ્રીનું એંઠું પાણી પીતો હતો.”
ઘેંટાના બચ્ચાની તર્કપૂર્ણ વાત સાંભળી શિયાળ નિરુત્તર થઈ ગયું છતાંયે તે ઘેંટાના બચ્ચાને ધમકાવતા બોલ્યું, “કેમ દુષ્ટ, આજથી છ મહિના પહેલા મને ગાળ આપીને તું જ નાસી ગયો હતો ને?”
ઘેંટાનું બચ્ચું બોલ્યું, “અરે, આ કેવી રીતે શક્ય બને, મારી ઉમર જ ૫ મહિનાની છે. તો છ મહિના પહેલા હું આપશ્રીને કેવી રીતે ગાળો આપી શકું?”
શિયાળ પાસે ફરી કોઈ જવાબ નહોતો છતાં તે ઘૂરકીને બોલ્યું, “તું નહી તો એ તારો બાપ હશે.”
આમ બોલી શિયાળ ઘેંટાના બચ્ચા પર તૂટી પડ્યું અને તેને મારીને ખાઈ ગયું.
બોધ : આપણે સાચા છીએ તો દુષ્ટ તેના ઈરાદામાં ફાવશે નહીં આમ માનવું નરી મૂર્ખતા છે.