Vandana Vani

Tragedy

4.3  

Vandana Vani

Tragedy

શિલ્પકારિકા

શિલ્પકારિકા

3 mins
175


નેલસાના અભિનયના અમેરિકાના લોકો દીવાના! અફલાતૂન અભિનય સાથે નાજૂક, કામણગારી કાયા ધરાવતી નેલસાને પડદા ઉપર જોવા લોકો પડાપડી કરે. પડદા ઉપર જ નહીં પણ પડદા પાછળ કામ કરનારા ફિલ્મના ડિરેકટરો, એક્ટરો પણ તેની સાથે કામ કરવા આતુર ! કારણકે તે વારંવાર રીટેક વગર દરેક દ્રશ્યને એવા જીવંત બનાવી દે કે સદીઓ સુધી કોઈ ભૂલી ન શકે. તેને એક વખત સીન સમજાવી દેવામાં આવે એટલે એ અફલાતૂન શૂટ થાય.

છેલ્લા એક મહિનાથી તે અમેરિકાના લોસ એન્જેલસમાં મોટા બજેટની એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આજે તેણે છેલ્લા સીનનું શૂટિંગ કરીને સીધી વતન જવા માટે રજા લઈ લીધી છે. ઉતાવળે સ્થળ પર પહોંચી જેથી જલદી કામ પતાવી ફ્લાઇટ પકડી માને મળવા જઈ શકે.

"સીન નંબર થાઉઝન્ડ" બોલતા ડાયરેક્ટરે સિગ્નલ આપ્યો. હજી એ પોતાના રીલ રોલમાં પહોંચે તે પહેલા એક સશક્ત માણસે આવીને તેને દબોચી લીધી. કાંડાને મચકોડી, ઘસડીને તેને બહાર લઈ જવા લાગ્યો.

"હું તને દસ વર્ષથી શોધું છું. તને શોધવામાં મેં હજારો ડોલર ખર્ચી નાખ્યા છે. હવે તને નહીં છોડું."

ઘસડાતી જતી નેલસાને તેનું મોઢું ન દેખાયું પણ પકડાયેલા મજબૂત કાંડા પર ચીતરાયેલા વીંછી પરથી ખબર પડી ગઈ, આવી ગયો શેતાન! 

"મને તારું ખાવાનું નથી જોઈતું, કપડાં નથી જોઈતા. મને મારા હાલ પર જીવવા દે." નેલસા કરગરતી રહી. વીસ વર્ષ પહેલા બસ આમ જ આ હાથે ઘસડાતી.

"ચાલ તને ખાવાનું આપીશ. સારા કપડાં આપીશ." કરીને પટાવીને અત્યંત ગરીબ ઘરની દસ વર્ષની દીકરી નેલસાને એનો સાવકો બાપ આફ્રિકાથી મધ્ય એશિયાના દેશમાં લઈ ગયેલો. લઈ જતા રસ્તામાં તેણે બાપના સંબંધને શરમાવે એવું કૃત્ય કરીને દીકરીને દુનિયાની વાસ્તવિકતાની નજીક મૂકી દીધી. પછી તો નેલસા જાણે પુરુષોના એ વ્યવહારથી ટેવાતી ગઈ. તેર વર્ષની ઉંમર સુધીમાં તો નેલસા તેના બાપ માટે સોનાની મરઘી બની ગઈ. દૂર રહેતી મા સાથે વાત કરવાનો અવસર માંડ મળતો. માના જીવન માટે નેલસા ચૂપ રહી સહન કરતી રહી.

એવી જ એક રાતે ફિલ્મનું શુટીંગ કરવા આવેલા અમેરિકન ફિલ્મના ડાયરેક્ટર સાથે તેની મુલાકત થઈ. દારૂના નશામાં નેલસાથી આખી વાત કહેવાય ગઈ. ડાયરેક્ટરને નેલસામાં કામણગારી હિરોઈન દેખાઈ. ઓછા પૈસાના રોકાણમાં તગડી કમાણી કરી શકાશે એ લાલચથી નેલસાને ત્યાંથી ખરીદીને અમેરિકા લઈને આવ્યો.   

અમેરિકા આવીને તેને થોડું કામ મળવા લાગ્યું. પૈસા હાથમાં આવવા લાગ્યાં. વાચાળ નેલસાને કોઈએ કામ સાથે ભણવાની સલાહ આપી. તેણે ગમતો ન્યુઝ રીડરનો કોર્ષ કર્યો. છૂટથી ફરવાનું, સારું ખાવાનું મળતા તેનું રૂપ ઓર ખીલી ઉઠ્યું. એ અરસામાં ડાયરેક્ટરને લાગ્યું કે નેલસા પરથી તેની પકડ ઢીલી થઈ રહી છે ત્યારે તેની સાથે લગ્ન કરી બરાબર જાળમાં ફસાવી લીધી.

પછી ન્યુઝ રીડરના મુખ્ય વ્યવસાય સાથે કામ કરતી નેલસા પતિની ફિલ્મમાં જ કામ કરતી. આજે તે બધાથી છૂપાવીને માને મળવા આફ્રિકા જવાની હતી. તેને ખાતરી હતી કે તેનો સાવકો બાપ હજી મધ્ય એશિયાના દેશમાં જ છે.  

આ યમદૂતને કેવી રીતે ખબર પડી તે હજી વિચારતી હતી ત્યાં જ એક પથ્થર રસ્તામાં આવતા ગોથું ખાઈ ગઈ. 

"આભાર, મારી અમાનતને આટલા વર્ષો સુધી સાચવવા બદલ ! તારો દસ વર્ષનો જ કોન્ટ્રાકટ હતો પણ ખેર ! મા પાસેથી સરખું વસૂલી નથી શક્યો હવે એની દીકરી પાસેથી..." ગંદા અટ્ટહાસ્યથી વાદળ પણ કાળું બની ગયું.

મા સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યાનો અહેસાસ થતાં, "મારી મા ક્યાં છે? કેમ છે?" પૂછતાં નેલસા બેભાન થઇ ગઈ. શિલ્પકારિકાની બીજી યાત્રા શરૂ થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy