શિક્ષકને પાઠ ભણાવનાર
શિક્ષકને પાઠ ભણાવનાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા અને ભારતનું ગૌરવ પણ એથી એ વિરાટ એ મહામાનવની પ્રતિભા હતી. આભને આંબતી તેમની મહાનતા ને જોવા આપણું મસ્તક પણ ઊંચું ન થઈ શકે તેવી ! ને ના આપણા ગજ વડે તેમની વિશાળતા માપી શકીએ કે ના આ લેખની વડે તેમનાં ગુણાનુવાદ શબ્દોમાં કંડારી શકીએ પરંતુ શબ્દાંજલી આપવાની આ સુંદર તક જે આપવામાં આવી છે... તે માટે નમ્ર પ્રયાસ કરી એ મુઠ્ઠી ઉંચેરા માનવીને વંદન જરૂર કરી શકીએ.
મેં અસરદાર સરદાર વિષય પસંદ કર્યો કારણ ત્રિરંગા ઝંડાની માફક ત્યાગ વીરતા અને વિકાસ તે પરિપૂર્ણ તેમની ફિરંગી પ્રતિભાના નેજા હેઠળ આપણને આ અખંડ ભારત મળ્યું. તેમની તેજતર્રાર નજર અને અસરદાર વાણી લોખંડી દેહ અને ઈરાદા, છતાંય ઋજુ હૃદય ધરાવતા આપણા અખંડ ભારતના ઘડવૈયા, માતા લાડબા અને
પિતા ઝવેરભાઈનું ચોથું સંતાન જે ગળથુથીમાં વીરતા અને ભક્તિનું સીંચન પામેલ. પિતા ઝવેરભાઈ ૧૮૫૭ નાં વિપ્લવના રાણી લક્ષ્મીબાઈ તરફનાઊ લડવૈયા હતાં. ઘરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક સંસ્કારો ને સંયુક્ત કુટુંબના ત્યાગ અને સમર્પણના તાણેવાણે વણાયેલ જીવનનું પોત જ વલ્લભભાઈને લોખંડી વ્યક્તિત્વ બક્ષી શક્યું. ભક્તિનાં સિંચન અને પિતાશ્રીની વીરતાની વાતો એ તેમને અડગ આત્મબળ અને મનોબળ આપ્યું હતું. આ મહાનાયકની નેતૃત્વ પ્રતિભા ખૂબ નાની ઉંમરે પ્રકાશિત થઈ હતી.૧૫ વર્ષની ઉંમરે વર્ગમાં મોડા આવનાર શિક્ષકને અસહકાર આંદોલનનો પરચો બતાવી માફી મંગાવી અને દંડિત વિદ્યાર્થીનો દંડ પણ માફ કરાવેલ. કોલેજકાળમાં એક નિષ્ઠાવાન શિક્ષકનો સુપેરે ચૂંટણી પ્રચાર કરી, જીતાડી, લંપટ સ્પર્ધકને મૂછ મૂંડાવી પાઠ ભણાવેલ.