શિક્ષાર્ણવ
શિક્ષાર્ણવ
પ્રત્યેક બાળક, સાધક તેમજ જીવનમાં કંઈક કરી છૂટનાર સમક્ષ એક આદર્શ હોય છે. જેને અનુસરી, તેમના જેવા બનવાનાં પ્રયત્નોમાં તે જીવન વીતાવે છે. જીવનમાં કંઈક હાંસલ કરે છે. પરંતુ મારા જેવું સદભાગી ભાગ્યે જ કોઈ હશે ! ચારે બાજુ આદર્શથી ઘેરાયેલ વાતાવરણમાં જન્મ મળ્યો. હા માતાજીનાં પરમભક્ત મારાં પિતા જેમણે દેવી ભાગવતમાંથી મારું નામ નારદી પાડેલ. દુર્ભાગ્યે અઢી વર્ષની ઉંમરે તેમની છત્રછાયા ગુમાવી, પરંતુ ૨૮ વર્ષની યુવા વયે વૈધવ્ય પામનાર માતા ખરેખર ગંગાસ્વરૂપ હતી. પવિત્રતા અને ત્યાગની મૂર્તિ સમી માતા કર્મયોગી હતી. એકલે હાથે અનેક કામ કરી, અમને ઉછેરી, સ્વમાન, પ્રમાણિકતા અને સંતોષનાં સંસ્કારોનું અમારામાં સુપેરે સિંચન કર્યું. આદર્શવાદી અને માતૃભક્ત મોટાભાઈ જેણે યુવાવસ્થામાં યુવક સંસ્થા સ્થાપી, અનેક પ્રવૃત્તિમાં સક્રિય હતાં. આ સહુનાં શિરમોર સમા મારા આજીવન બ્રહ્મચારી, શિક્ષક એવા મારાં કાકા હતાં. તેમણે માતૃભક્તિની દીક્ષા લીધેલ હતી. મારા દાદીને અલ્સર હોવાને કારણે મરચું ન ખવાતું, તો કાકા પણ તેવું જમવાનું ખાતાં. માને ઘરકામમાં મદદ કરતાં. તેમણે અમને પિતાની ખોટ કદી સાલવા દીધી નહતી. વહાલ વર્ષાવતી તેમની પ્રેમાળ આંખો અમને તો ઠીક તેમના વિદ્યાર્થીઓને પણ આહવાન આપે તેવી હતી. બાળકો સાથે સરળતાથી બાળક બનતાં અને ગૃહકાર્યમાં નિપૂર્ણ તેવાં કાકા જીટી બોયઝ હાઈ-સ્કૂલનાં વાઇસ પ્રિન્સિપાલ હતાં તેવું કોઈ કહી જ ન શકે. સમર્પિત દીકરો અને વાત્સલ્યસભર કાકા કોઈને પણ ઊંચા સાદે બોલ્યાં નથી. પ્રેમથી, દાખલા દલીલથી સૌને સન્માર્ગે વાળવા તે જ તેમનો જીવન ધ્યેય હતો. ઉચ્ચ વિચાર અને સાદું જીવન તેમનો જીવનમંત્ર હતો. તેઓ પાક્કા સિદ્ધાંતવાદી અને ખાદીધારી દેશ પ્રેમી હતાં. જાતે રેંટિયો કાંતી, ખાદી બનાવવા આપી, તે ખાદીમાંથી વસ્ત્રો પણ જાતે શીવતા. એક વખત તેમનું ઘડિયાળ બગડી ગયું, ઘડિયાળીએ કહ્યું ચાલુ થાય તો વેચી નાખો. કાકાએ ભાઈને કહ્યું આપણે કોઈને છેતરવા નથી. તે ખોલીને તું કંઈક શીખી શકશે. એ સમયે સ્વીસ કંપનીનાં ઘડિયાળ મળતાં પણ તેમણે કહ્યું ભારતમાં બનતી ઘડિયાળ મારાં માટે લઈ આવજે. તપાસ કરતાં એચ.એમ.ટી કંપનીમાં નોંધાવ્યું, તો છ મહિનાનું વેઇટીંગ મળ્યું, તો તેમણે છ મહિના ઘડિયાળ વગર ચલાવ્યું. આવા આદર્શ મારા કાકા એટલે કે જયંત નર્મદાશંકર સુરતી વિદ્યાર્થીઓનાં તારણહાર તેમજ વાત્સલ્યની મૂર્તિ હતાં. ઘરનાં, માળાના અને શાળાનાં વિદ્યાર્થીઓને ઘરે બોલાવી ઘરનું કામ કરતાં કરતાં, સતત ભણાવતાં રહેતાં, કોઈ અપેક્ષા વગર. તેમનું ભણતર અને ડિગ્રી તો જાણવા-સમજવા અમે નાદાન હતાં, અસમર્થ હતા પરંતુ તેમની કર્મની પાઠશાળાનાં વિદ્યાર્થી જરૂર હતાં. ખૂબ પાછળથી થોડું ઘણું જાણવાં મળ્યું તે પ્રમાણે તેઓ B.sc.,B.ed. M. com. ભણ્યા હતા એટલી જ ખબર પડી. તે સિવાય તેમનાં જીવનમાં કેટલું શીખ્યા હતાં, તેમાં ડોકિયું કરી શક્યાં નહીં. કારણ તેમણે ભણતરનો ભાર રાખ્યો ન હતો કે ના અમને રાખવા દીધો હતો. એકવાર છઠ્ઠા ધોરણમાં હું નાપાસ થઈ તેથી ખૂબ રડતી હતી પણ આ
પ્રેમાળ શિક્ષક અને જીવનમાં કદી ચોકલેટ ના આપનાર કાકાએ, પ્રથમવાર કેડબરી ચોકલેટ આપી માથે હાથ ફેરવી કહ્યું આ તો તને ભણતર પાકું કરવાની તક મળી છે. આમ ઠપકો આપવાને બદલે પ્રોત્સાહન આપી નિરાશાનાં અંધકારમાં આશાનો દીવડો પ્રગટાનાર આ મંગલ દીવડાએ અનેકનાં જીવનમાં પ્રકાશ પાથર્યો હતો. તેમની શાળાનો એક ભણવામાં હોશિયાર, પરંતુ રખડુ અને આવારા જેવો વિદ્યાર્થી, નીચે ગલીમાં થતી તેની હરકતો શાળાની બારીમાંથી તેઓ જોતા. એક દિવસ તેને બોલાવ્યો પાસે બેસાડી માથે હાથ ફેરવી કહ્યું કે તારામાં તો ઘણી ત
ાકાત અને ચાલાકી છે, એને જો તું સારે રસ્તે વાળે ને, તો જીવનમાં તું નામ કમાશે. આમ કહી ગાંધીજીનું 'સત્યનાં પ્રયોગો' પુસ્તક તેને આપ્યું. એક અઠવાડિયા પછી તેણે કાકાના ચરણ અશ્રુથી ધોયાં, ને કહ્યું હવે હું જીવનનું લક્ષ્ય સમજી ગયો છું અને તે વાલિયાનું વાલ્મીકિમાં રૂપાંતર થયું. ત્યારબાદ તો સેવા, સંવેદનશીલતા અને ઉદારતાથી તેણે સેવાનો જગન માંડ્યો અને જે રીતે કોશેટામાંથી ઈયળ પતંગિયું બનીને બહાર આવે તેમ, પ્રવીણ સંઘવી, સેવાનું સરનામું સમા, લેખક ને કવિ બની, તેજસ્વી તારલા બની ખ્યાતિ પામ્યા. આ તો ફક્ત એક ઉદાહરણ, આવાં અનેક વિદ્યાર્થીઓ આગળ વધ્યા પછી પણ લંડન, અમેરિકાથી જ્યારે આવે ત્યારે કાકાને પગે પડવા આવતાં. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપનાર, એક નિષ્ઠાવાન શિક્ષક તરીકેની ખ્યાતિ ઘણી પ્રસરી હતી. જેનાં કારણે બોમ્બે યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂક માટે તેમને પત્ર આવેલ, જે તેમણે આજીવન શિક્ષક રહેવાની નેમને કારણે સાભાર પરત કરેલ. તેઓ જે.જે.હોસ્પિટલમાં તેઓ સાયકોલોજીના લેક્ચરર તેમજ અનેક વિદ્યાર્થીઓનાં તારણહાર હતાં. સૂરજ છૂપાય નહિ બાદલ છાયોની માફક તેમની સેવા વૃત્તિએ અનેક લોકોને આકર્ષ્યા હતાં. સેન્ટ ઝેવિયર્સ કોલેજનાં પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ તેવા બે ફાધર, સુરતી સરને શોધતાં આવેલાં. તેઓ કાકાને તેમની કોલેજમાં લેક્ચરર તરીકે જોડાવાનું નિમંત્રણ આપવા આવ્યાં હતાં, પરંતુ મારા વિદ્યાર્થીઓને મારી વધારે જરૂર છે કહી સવિનય તેમની આ ઓફર ઠુકરાવી હતી. ત્યારબાદ તેમના મિત્ર વસંતભાઈએ તેમને સમજાવ્યું તારા જેવા નિષ્ઠાવાન શિક્ષક શાળાના દોઢ હજાર વિદ્યાર્થીઓનો આદર્શ છે, તો હવે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓનો આદર્શ બનવાની કોશિશ કર. ત્યાં ટીચર ટ્રેનીંગ કોલેજમાં લેક્ચર આપવાને કારણે તું તારા જેવા અનેક શિક્ષકોનું નિર્માણ કરી શકશે, જેઓ લાખો વિદ્યાર્થીઓનું સુંદર ઘડતર કરી શકશે. આ વાત તેમને સ્પર્શી ગઈ અને તેમણે શાળા છોડી કોલેજમાં જોડાવાની સંમતિ આપી. જી.ટી. શાળાનાં બાળકો અને સ્ટાફ આ સમાચારથી હર્ષિત પણ થયાં અને દુઃખી પણ થયાં. ખૂબ ભાવભરી વિદાય આપી, પરંતુ તે વિદાય શાળા પૂરતી જ રહી. ઘર તો વિદ્યાર્થીઓથી ઉભરાતું અને ધમધમતું રહેતું. સૌને પ્રેમથી આવકારી સ્નેહથી માર્ગદર્શન આપ્યાં કરતાં. આ ઉપરાંત વરલી અંધ શાળામાં પણ તેઓ માનદ સભ્ય હતા અને કંઈક સેવા આપતાં તે તો તેમના ખીસ્સામાં સભ્યપદની નાની સફેદ લાકડી જોયા પછી ખબર પડેલ. આવા તો તેમના કંઈક છૂપા સેવા ક્ષેત્ર હતા જે તેમણે કોઈને જાણવા નથી દીધાં, કેટલાય વિદ્યાર્થીઓને આર્થિક મદદ પણ કરેલ. આવા સહુના આશ્રયસ્થાન સમા કાકાનો ૧૯૭૮ માં અકસ્માત થયો અને પગનું હાડકું ભાંગવાને લીધે દોઢ મહિનો હોસ્પિટલ રહ્યા, ત્યારે જોયું કે તેમની ખબર કાઢવા આવનાર મહાનુભાવો સાથે કેટલી ગહન ચર્ચા કરતા હતાં. તેઓ જ્યારે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા ત્યારે કદી ન જોયેલ, તેવું ધ્રુસકે ધ્રુસકે રડતું સ્વરૂપ જોયું. તે રુદન હતું કર્મનિષ્ઠ વ્યક્તિની લાચારીનું. તેમાંથી નીકળતાં બે-ત્રણ વર્ષ થયાં, પછી બહાર જવાનું પણ શરૂ કર્યું. મારા સાહિત્યનાં સંગોપન ને ભાષા જ્ઞાનનાં ભંડોળમાં તેમની અને મારા ભાષાની શિક્ષિકાની મહત્વની ભૂમિકા છે. નિબંધ હરીફાઈમાં વર્ષો સુધી પ્રથમ રહેતી તે તેમનાં આપેલા મુદ્દા અને માર્ગદર્શનને કારણે જ. આમ ૧૦ શિક્ષક સમો ભાઈ, ૧૦૦ શિક્ષક સમી માતા અને ૧૦૦૦ શિક્ષક જેવા કાકા, ને સૌની ઉપર દેવી ભક્ત પિતાના આશીર્વાદથી આજે જે કંઈ છું, તે છું. તે સહુનાં જીવનમાંથી જો રજમાત્ર પણ ધારણ કરી શકું તો ઈશ્વરનો આભાર માની તે સર્વે શિક્ષકને વંદન કરું છું.