૨૦૨૨ નું સરવૈયું
૨૦૨૨ નું સરવૈયું
કભી અલવિદા ના કહેના... પણ સમય ક્યાં રોક્યો રોકાય છે ? પળ, મિનિટ, કલાક, વર્ષો અને યુગો વિતતા રહે છે અને આપણે ત્યાં ને ત્યાં રહી જઈએ છીએ. 2022 નો છેલ્લો દિવસ ભલે આવી ગયો પણ આખું વર્ષ કેટકેટલું આપણને સમજાવી ગયુ, શીખવાડી ગયું. કંઈક આપી ગયું કંઈક છીનવી ગયું. એટલે સરવૈયું કાઢવાનો સમય પાકી ગયો છે અને એ જરૂરી પણ છે કારણ કે જે બાકી રહ્યું છે તે નવા વર્ષમાં પૂરું કરવાનું છે. જે ભૂલો આ વર્ષમાં કરી તેને આવતા વર્ષે સુધારી લેવાની છે. હું ફક્ત મારી વાત કરું તો આ મોબાઈલ, મોબાઈલની દુનિયાનાં વિવિધ ગ્રુપ અને માનવીઓનો મેળો હૈયાંને ભર્યું ભર્યું રાખે છે! મને પથારીમાં પડ્યાં પડ્યાં આ બધા એડમીન પાંખો આપે છે ને શબ્દ વાવેતરમાં તો જે રીતે શબ્દો આપી અને ભૂલો સુધારી આપણને ઘડવામાં આવે છે તે પથ્થરમાંથી મૂર્તિ કોરવા જેવું હોય છે. આ નિર્મોહી પરિવારમાં એક કુટુંબ જેવું વાતાવરણ સર્જાયેલ છે એ બધા સંગે હોઈએ ત્યારે મન પાંચમને મેળ
ે મહાલતા હોય તેવું લાગે છે. અંકિત જેવો સંચાલક સૌને એક દોરે બાંધી સરસ્વતી માતા માટે હાર તૈયાર કરે છે. જો કે વ્યસ્તતાને કારણે હું વધુ મહાલી શકતી નથી.
એમાં વળી લેખન પ્રવૃત્તિ ઉપરાંત સજીધજીને, વિડીયો બનાવી શેરચેટ ને મોજ પર મૂકવાની નવી પ્રવૃત્તિ મળી ! જેમાં મને ગમતાંનો ગુલાલ કરવાની તક મળી અને લોકોનો પ્રેમ પણ મળ્યો. બાકી તો મારા જેવી વ્હીલચેર પર્સન જે ઘરમાં પણ વોકરથી ચાલે તેનાં નસીબને પણ આ વખતે પૈડાં લાગી ગયાં હતાં. ઈશ્વરની કૃપા અને દીકરાની હિંમતે વર્ષાંતે બે બે પ્રવાસ ખેડી આવી. વ્હીલચેરમાં જગન્નાથપુરીની યાત્રા કરાવી સાથે ત્યાંના બે ત્રણ સ્થળોની સેર પણ કરાવી ! ત્યારબાદ મોટાભાઈ ભાભી ને તેનાં મિત્રો સંગે અઠવાડિયું લોનાવાલાની મોજ માણી આવી એટલે મારું તો 2022 નું સરવૈયું ખૂબ નફાકારક રહ્યું. આશા છે આપ સૌનું પણ નફાકારક રહ્યું હશે જો ખોટ ગઈ હોય તો સરભર કરી લેજો ને નવા વર્ષનાં સૌને વધામણાં.