મિલન
મિલન
આજે ઘરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ હતું. મંદાર મંદાકિની સાથે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યો હતો. સગાં વહાલાં અને મિત્રોથી માંડવડો ઉભરાઈ રહ્યો હતો. માતા પિતાએ ગુણવાન કન્યા શોધી હતી તેનો આનંદ મંદારના હૈયે પણ હતો. આજનાં કળિયુગમાં મંદાકિની જેવી સુશીલ કન્યા સાંપડી તેને તે પોતાનું સદભાગ્ય માનતો હતો. હથેવાળો થઈ ગયો જાનડીઓનાં લગ્ન ગીતોનાં ઘોંઘાટ વચ્ચે તેઓ પાણિ ગ્રહણ કરી ઊઠ્યાં. પ્રભુતામાં પગલાં પાડી મંદાર તો જાણે સ્વર્ગની સીડી ચડી ગયો હતો, અને તે સ્વર્ગનાં ઉપવનમાં હજુ એક નવું ફુલ મહેકવાની તૈયારી કરી રહ્યું હતું. સાસરિયામાં મંદાકિનાનાં લાડ સમાતાં ન હતાં. કારણ દીકરી ગણો કે વહુ, મંદાકિની જ હતી. ઘરમાં એક દીકરીની ખોટ હતી. જોકે મંદારને માનેલી બહેનની ખોટ ખૂબ સાલી રહી હતી, પરંતુ બાળપણમાં વિખુટા પડ્યાં બાદ તેનો ભેટો જ થયો ન હતો.. સાસુ તો સવાઈ મા બની મંદાકિનીનું ધ્યાન રાખતાં. અવારનવાર ચેકઅપ માટે લઈ જતાં ખાવા પીવાનું દવાનું બધું જ ખૂબ ધ્યાન રાખતાં.
છેવટ મંદાકિનીને વેણ ઉપડી અને હોસ્પિટલમાં દાખલ કરી, પણ આભ અને ગાભ ક્યારે પલટો લે શું ખબર પડે છે ? મંદાકિનીનાં ગર્ભનું બાળક આડું થઈ ગયું હોવાથી થોડું ટેન્શન ઊભું થયું. છેવટે સિ
ઝેરિયનનો નિર્ણય લેવાયો. પુત્ર અવતર્યો તે પણ ખૂબ તંદુરસ્ત હતો.. એટલે કાપ પણ મોટો મૂકાયો.
મંદાકિનીને હલનચલનની મનાઈ કરવામાં આવી. તેનું વ્યવસ્થિત ધ્યાન રાખી શકાય તે માટે હોસ્પિટલમાંથી એક નર્સ એપોઇન્ટ કરવાનો નિર્ણય લેવાયો, અને ડોક્ટરે દિવ્યા દત્તાણી નામની નર્સનું સૂચન કર્યું. નામ સાંભળતા જ મંદાર ભૂતકાળમાં સરી પડ્યો આ તેની પાડોશમાં રહેતી દિવ્યા દત્તાણી તો નહીં હોય ? પણ એ તો દૂર ગામડામાં ચાલી ગઈ હતી. તેની કોઈ ખબર ન હતી ! હજુ તો તે વિચારોમાં ગરકાવ હતો, ત્યાં તો ડોક્ટર નર્સને લઈને આવ્યા. જો નામ ન જાણ્યું હોત તો વીસ વર્ષ પછી ઓળખવી મુશ્કેલ હતી. તેને જોતા જ મંદારે પ્રશ્નની ઝડી વરસાવી. તમે ગોરેગામની દીપ મહાલ સોસાયટીમાં રહેતા હતા ? તમારા પિતા પુષ્કરરાય હતા ? જો કે દિવ્યા પણ તેને ઓળખી ગઈ ! આ સુભગ મિલનથી બંનેની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતાં. વર્ષોથી છૂટાં પડેલાં ભાઈ બહેન કેવાં આકસ્મિક રીતે મળ્યાં. આ મિલનને લીધે પુત્ર જન્મનો આનંદ બમણો થઈ ગયો અને હવે તો મંદાકિનીનાં લાડ કરવામાં નણંદનો પણ ઉમેરો થયો. દિવ્યા પણ પિતાનાં મૃત્યુ બાદ ઉપાડી લીધેલી જવાબદારીઓમાંથી પ્રથમવાર મુક્ત બની, હસીને જીવનમાં તૃપ્તિ અનુભવી.