આદર્શ ઘડવૈયા
આદર્શ ઘડવૈયા
કુશળ કુંભાર ડુંગરની માટી ખોદીને લાવે, તેનું કસ્તર, ઢેખાળા દૂર કરી, પાણીમાં પલાળી, છ દિવસ સુધી રોજ ગુંદે ને સુંવાળી માટી થાય પછી જ જોઈએ તેવો ઘાટ ઘડે. ત્યારે આ તો માનવીનું અમૂર્ત મન અને બુદ્ધિ ! તેનું ઘડતર કરવું એ એક મોટો પડકાર છે. આ પડકાર ઝીલે છે સો શિક્ષક બરાબરની એક માતા, અજ્ઞાનનો અંધકાર દૂર કરી પ્રકાશ રેલાવનાર ગુરુ, માનવીને દર્પણ બતાવનારો સમાજ. પૂર્વજન્મનાં સંસ્કાર તેમજ આજુબાજુનું વાતાવરણ પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. આ જીવન ઘડતરની ખરી યાત્રા ગર્ભ સંસ્કારથી શરૂ થાય છે. જ્યાં ઉત્તમ વિચાર અને વાંચન દ્વારા સંસ્કારોનાં બીજ રોપાય છે. જન્મ બાદ ભરપૂર પ્રેમ અને લાગણીના સિંચન સાથે કુમળા છોડને સારી રીતે વાળવાની કોશિશ કરી શકાય છે. આ કુમળા છોડને વાળવાનું અને
પરિપક્વ કરવાનું કાર્ય કરે છે શિક્ષક.
મુગ્ધાવસ્થામાં આજુબાજુનાં વાતાવરણનાં અનિષ્ટ તત્વોથી બચાવી, પ્રત્યેક પળે સતર્ક રહી, તેના સંસ્કારોનું સંગોપન કરવું પડે છે, ને મુગ્ધ મનને અડગ બનાવવું પડે છે. ઉછળતી જુવાનીની શક્તિને એક આદર્શ માર્ગ ચીંધી સન્માર્ગે વાળી શકાય છે. સતર્ક રહીને અમૂર્ત મન, બુદ્ધિને ઉત્તમ ઘાટ આપાય ત્યારે જ એક આદર્શ માનવ ઘડાય. આ એક આદર્શ ઘડવૈયાનું કર્તવ્ય રહે છે.
તદુપરાંત અનુભવને ટાંકણે પણ માનવી ઘડાતો જાય છે એટલે જ કહેવાય છે કે "સમય જેવો કોઈ આદર્શ શિક્ષક નથી ને જીવન જેવી કોઇ ઉત્તમ પાઠશાળા નથી" તે અવાર નવાર, કપરી કસોટીમાં તાવી, મનને શુદ્ધ સોના જેવું બનાવે છે. તેની કસોટીમાં નિષ્ફળ જનારાની નોંધ આ જગત નથી લેતું.