શાશ્વત શબ્દ ! "પ્રેમ"
શાશ્વત શબ્દ ! "પ્રેમ"
પૂનમ આજે એક અલગ જ લાગણી અનુભવી રહી હતી. એના દિલમાં કોઈ જુદા જ એહસાસ ઊમટી રહ્યા હતા. એના પગની પાની ધરતી પર રહેતી નહોતી, જાણે એ કોઈ કલ્પનાના આકાશમાં ઊડતી હતી. હજુતો ચારેક માસની ટૂંકી ઓળખાણ દરમિયાન જ પૂનમ મયંકને હવે ચાહવા લાગી હતી. અને આજે મયંકે પણ તેના પ્રેમના ઈજહાર પર એકરારની મહોર મારી દીધી હતી. બન્ને દરિયા કિનારે બેઠાં હતાં અને પૂનમ ભીની રેતીમાં લખતી હતી "પૂનમ મયંક = પ્રેમ" પૂનમ આ રીતે વારેઘડીએ લખ્યા કરતી હતી. અને દરિયામાં આવતી લહેરો એનામ ભૂંસીનાંખે છે. મયંક આ જોઈને હસી રહ્યો છે. પૂનમ એને ખભે હળવી ટપલી મારીને કહે છે,
"આ જોને મયંક ! તુ કહી દે આ દરિયાની લહેરોને, કે આપણા પ્રેમને આમ ભૂંસી નનાંખે. એને કહેને મયંક ! કે આપણાનામના અક્ષરો આમજ રહેશે અહીં હંમેશા શાશ્વત આપણાં પ્રેમની જેમજ."
અને મયંક પૂનમનો હાથ પકડીને વચન આપે છે કે "આપણાનામ અહીં આમજ રહેશે હંમેશા. પૂનમ ! ભલે એ દરિયાની લહેરો એ અક્ષરોને ભૂંસીનાખે પણ એથી કંઈ આપણાં હાથની રેખાઓ થોડી ભૂંસાય જાય ? પૂનમ આપણા ભાગ્યમાં એકબીજાનો સાથ કેટલાંયે ભવો સુધી નો લખેલો છે. એને આ ક્ષણભંગુર લહેરો તો શું જીવનના કોઈ મોટા ઝંઝાવાત પણ નહીં મિટાવી શકે..મારા વચનમાં વિશ્વાસ રાખજે પૂનમ !"
પૂનમે મયંકના ખભે માથું ઢાળ્યું.... દૂર..ક્ષિતિજે સૂર્યાસ્તનું સુંદર દૃશ્ય બન્ને નિહાળી રહ્યાં... અને ફરી દરિયાની એક લહેર આવીને બન્નેનાનામ ભૂંસીને ચાલી ગઈ.. અને પૂનમ સહસા તંદ્રામાંથી જાગૃત થઈ બારણે ટકોરા સાંભળી એ પાસે પડેલી સ્ટીકના સહારે ઉભી થઈ અને બારણું ખોલ્યું. કોઈ પરિચિત ચહેરો લાગ્યો પણ ઉતાવળમાં એ ચશ્મા પહેરતા ભૂલી ગઈ હતી એટલે ઝાંખું દેખાતું હતું, એણે પૂછ્યું "કોણ ?...કોણ છો ? અને કોનું કામ છે ?"
સામેથી જવાબમાં પણ સવાલ હતો.."પૂનમ અહીં રહે છે ?..મારે એમનું જ કામ છે.." પૂનમે વર્ષો પછી પણ મયંકનો અવાજ સંભળતાજ ઓળખ્યો પણ તરતજ કહ્યું "ના એ પહેલાં અહીં રહેતા હતાં હવેતો અહીં હું રહું છું.."
મયંક પણ એને ઓળખવા છતાં અજાણ્યો થઈને કહે છે "જુઓ મારુ એક કામ કરજોને, પૂનમ ક્યારેક અહીં આવે ત્યારે એમને આ પત્ર આપી દેજો. અને કહેજો કે બસ એકવાર મળી શકાયું હોત, તો મનમાંથી એક બોજ ઉતરી જાત. પણ ખેર આ પત્ર એમના સુધી જરૂર પહોંચાડી દેજો. તમારો મોટો ઉપકાર થશે મારા પર." પૂનમ પત્ર લેતા કહ્યું "જરૂર ! એ આવશે તો આપી જ દઈશ, પણ જો એ ના આવે તો આ પત્રનું શું કરું ?"
"તો દરિયાની લહેરોમાં વહાવી દેજોને..એ લહેરોને તો આદત છે અક્ષરો ભૂંસવાની. પણ એ લહેરોને કહેજો, કે એ અક્ષરો શાશ્વત હોય છે.જન્મો સુધી.. યુગો સુધી.."
મયંકના ગયા પછી પૂનમે એ પત્ર વાંચ્યો એમાં લખ્યું હતું કે એ દિવસે થયેલા મોટરના અકસ્માતમાંથી હું માંડ એક મહિને સ્વસ્થ થયો. અને એ દરમિયાન પણ પૂનમની શોધખોળ ચાલુ જ હતી. પણ એ ક્યાંય મળી નહિં અને હું પોતે પણ એને શોધવામાં જિંદગીભર એકજ રસ્તે મંઝિલ વગરનો મુસાફર બનીને ભટક્યા કરું છું. અને આટલા વર્ષે ખબર મળ્યા, કે પૂનમ અહીં રહે છે. તેથી આ શહેરમાં છેલ્લા બે વર્ષથી તમામ જગ્યાએ શોધી રહ્યો છું. મારે એને એકવાર મળીને બસ એ જ પૂછવું છે કે 'શામાટે એ દરિયાની ક્ષણભંગુર લહેરોની જેમ મારા પ્રેમને ભૂંસીને ચાલી ગઈ ? '
પત્ર વાંચીને પૂનમના દિલના દરિયામાં પણ ભરતી આવી. એ લહેરો કિનારાઓને પાર કરવાની જ હતીને પુનમે એને પાંપણેથી જ પાછી વાળી પણ તોય બંધ આંખોની સિપમાંથી બે મોતી વેરાય ગયા. પૂનમે પોતાની બન્ને હથેળીઓ આંસુ લુંછવા માટે આંખે લગાડી. ત્યાં જ ! પોતાની સ્ટિક એના હાથમાંથી છૂટી.. અને પૂનમ ત્યાં જ ફસડાઈ ગઈ.

